શ્વાનના ખર્ચ કરતાં પણ ઓછી સેલેરી, 18 કલાક કામ...: બ્રિટનનો સૌથી ધનિક ભારતીય પરિવાર નોકરના કારણે ટેન્શનમાં
Hinduja Family Court Case: બ્રિટનનો સૌથી ધનિક હિન્દુજા પરિવાર સ્વિત્ઝર્લેન્ડ કોર્ટમાં કાયદાકીય લડાઈનો સામનો કરી રહ્યું છે. હિન્દુજા પરિવારના એક નોકરે તેની વિરૂદ્ધ શોષણ કરવા સંબંધિત આરોપો મૂક્યા છે. જેમાં સ્ટાફને બંધક બનાવવા અને તેમનું શોષણ કર્યું હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કોર્ટમાં વકીલે પરિવાર પર આરોપ લગાવ્યો છે કે હિન્દુજા પરિવાર નોકરોને જે પગાર આપે છે તે ઘણો ઓછો છે. તે દર મહિને તેના પાલતુ કૂતરા પાછળ આનાથી વધુ ખર્ચ કરે છે. કોર્ટમાં વકીલે કડક સજાની માંગ કરી હતી.
જાણો શું છે મામલો
વાસ્તવમાં, ભારતીય મૂળના હિન્દુજા પરિવાર પર આરોપ છે કે તેઓ ભારતીય નોકરોને બંધક બનાવી સ્વિટ્ઝર્લેન્ડના લેક જીનીવા સ્થિત તેમના વિલામાં તેમનું શોષણ પણ કરે છે. નોકરોના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેમને પૂરતો પગાર પણ આપવામાં આવતો ન હતો. હિન્દુજા પરિવાર પર ભારતીય કામદારોની કથિત તસ્કરીનો આરોપ છે. આ કેસમાં સોમવારે હિન્દુજા પરિવારના ચાર સભ્યો સામે માનવ તસ્કરીનો કેસ શરૂ થયો હતો. જેમાં પ્રકાશ અને કમલ હિન્દુજા, પુત્ર અજય હિન્દુજા અને પત્ની નમ્રતા છે.
18 કલાક કામ કરાવવાનો આરોપ
કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલે હિન્દુજા પરિવાર પર તેમના નોકર પાસેથી નિયત સમય મર્યાદા કરતા વધુ કામ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાં કામ કરતી એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને રોજના 18-18 કલાક કામ કરાવવામાં આવે છે. આટલું જ નહીં, અઠવાડિયા દરમિયાન કોઈ રજા આપવામાં આવી ન હતી. આ માટે તેને રોજના રૂ. 656 ચૂકવવામાં આવતા હતા. આ રકમ હિંદુજા પરિવાર દ્વારા પાલતુ કૂતરા પાછળ ખર્ચવામાં આવેલી રકમ કરતાં ઓછી છે. તે પોતાના કૂતરા પાછળ દરરોજ રૂ. 2200નો ખર્ચ કરે છે. આ સિવાય આ પરિવાર પર એવો પણ આરોપ હતો કે તેમણે વિલામાં કામ કરતા લોકોના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા. સુનાવણી દરમિયાન વકીલે કોર્ટને હિન્દુજા પરિવારના સભ્યોને સાડા પાંચ વર્ષની સજા કરવાની વિનંતી કરી હતી.
આરોપોને નકારી કાઢ્યા
સુનાવણી દરમિયાન હિન્દુજા પરિવારે આ આરોપોને નકારી કાઢ્યા હતા. પરિવારે કહ્યું કે નોકરી અંગે કોર્ટમાં આપવામાં આવેલી માહિતી ભ્રામક છે. તે નોકરોને માત્ર માન જ નહોતા આપતા પરંતુ તેમને યોગ્ય પગાર પણ આપતા હતા. તેમણે કહ્યું કે વિરોધી વકીલ દ્વારા રજૂ કરાયેલ ચિત્ર સ્પષ્ટ નથી. અમે નોકરોને તેમના પગારની સાથે રહેવા અને ભોજન પણ આપીએ છીએ. આવી સ્થિતિમાં નોકરોને ઓછો પગાર આપવામાં આવ્યો તે કહેવું યોગ્ય નથી.