''બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતિને નિશાન બનાવાય છે અમે ઢાકા સરકારના સંપર્કમાં છીએ'' એસ. જયશંકર

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
''બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતિને નિશાન બનાવાય છે અમે ઢાકા સરકારના સંપર્કમાં છીએ'' એસ. જયશંકર 1 - image


- બાંગ્લાદેશ કટોકટી : સરકારને સાથ આપવા વિપક્ષોનું વચન

- ''શેખ હસીનાએ જ નક્કી કરવું જોઈએ કે તેઓ ક્યાં જવા માગે છે ત્યાં સુધી તેવો ભારતમાં રહી શકે છે'' : વિદેશમંત્રી

નવી દિલ્હી : બાંગ્લાદેશ સંકટ અંગે આજે રાજ્યસભામાં વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ''અમે તે સંકટ ઉપર પૂરેપૂરી નજર રાખી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ ત્યાં હિંસા ચાલુ રહી છે. હિન્દુ લઘુમતિને નિશાન બનાવવામાં આવે છે.''

તેઓએ વધુમાં કહ્યું શેખ હસીનાએ ભારત આવવા માટે મંજૂરી માગી હતી. અમે બાંગ્લાદેશમાં રહેલા ભારતીય સમુદાયના સંપર્કમાં છીએ. ત્યાં હજ્જારો ભારતીઓ વસે છે. તે પૈકી ૯૦૦૦ વિદ્યાર્થીઓ છે. ભારતને બાંગ્લાદેશ સાથે ૯૦૦૦ કિ.મી.ની સરહદ છે. અમે બીએસએફને પણ એલર્ટ રહેવા કહી દીધું છે.

બાંગ્લાદેશમાં રમખાણો હાથ બહાર જતા વડાપ્રધાન શેખ હસીનાએ તેઓનું ત્યાગપત્ર આપી ઢાકા છોડી દીધું છે. હવે સેના પ્રમુખે ધૂરા સંભાળી લીધી છે. તેઓ કહે છે કે ''અમે સરકાર ચલાવીશું.'' આમ છતાં રમખાણો અટકવાનું નામ નથી લેતાં. આ સાથે ભારતમાં પણ ગતિવિધિ તેજ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદેશમંત્રી એસ. જયશંકરે પુરી માહિતી આપી હતી. એમ પણ મનાઈ રહ્યું છે કે વડાપ્રધાન, વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ સમગ્ર પરિસ્થિતિ જણાવી જ હશે.

આજે સંસદ ભવનના મધ્યસ્થ ખંડમાં સર્વપક્ષીય બેઠક મળી હતી. તેમાં વિદેશમંત્રીએ બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે સાંસદોને પ્રાપ્ય તેટલી તમામ માહિતી પણ આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શેખ હસીનાને લંડનમાં આશ્રય મળવા અંગે કોઈ નિર્ણય લેવાયો ન હોવાથી શેખ હસીનાને ભારતમાં રહેવું હોય ત્યાં સુધી તેઓ રહી શકે છે.

આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોએ જયશંકરને ખાતરી આપી હતી કે ''બાંગ્લાદેશ અંગે સરકાર જે કોઈ નિર્ણય લેશે, તેમાં અમે સાથ અને સરકાર આપીશું.''


Google NewsGoogle News