અબુ ધાબી બાદ વધુ એક મુસ્લિમ દેશમાં બનશે ભવ્ય મંદિર, જમીનની ફાળવણીનું કામ શરૂ
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થા હવે વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે
Hindu Temple in Muslim Country | અબુધાબીમાં હિંદુ મંદિરનું નિર્માણ પૂરું થયા બાદ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થા હવે વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ગલ્ફ દેશ બહેરીનમાં પણ હવે એક ભવ્ય મંદિર બનાવવાની તૈયારી ચાલી રહી છે. બીએપીએસ ગુજરાતના એક પદાધિકારીએ આ જાણકારી આપી હતી.
કેટલો સમય લાગશે મંદિર નિર્માણમાં?
તેમણે કહ્યું બહેરીનના શાસકે ક્ષેત્રમાં સ્વામીનારાયણ મંદિર નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પ્રોજેક્ટની જમીન ફાળવણી અંગે કામગીરી ચાલી રહી છે. અમને આશા છે કે આગામી ત્રણથી ચાર વર્ષમાં વધુ એક ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ જશે.
હજુ ક્યાં ક્યાં બની રહ્યા છે મંદિર?
તેમણે કહ્યું કે હાલમાં ઓસ્ટ્રેલિયા (સિડની), દક્ષિણ આફ્રિકા (જ્હોનિસબર્ગ) અને ફ્રાન્સ (પેરિસ) માં ત્રણ મંદિર નિર્માણાધીન છે. ઉલ્લેખનીય છે કે અબુ ધાબી સ્થિત હિન્દુ મંદિરનું ઉદઘાટન અભિષેક આજે સાંજે વડાપ્રધાન મોદી દ્વારા કરાશે. 27 એકરમાં ફેલાયેલું ઐતિહાસિક સ્થળ અબુ ધાબીનું પ્રથમ હિન્દુ મંદિર છે. તે ભારતીય સંસ્કૃતિ અને યુએઇની ઓળખનું વિશેષ મિશ્રણ હશે.