કેનેડામાં હિન્દુઓને સુરક્ષા આપવામાં આવે, હિન્દુ ફોરમ ઓફ કેનેડાએ પત્ર લખીને કરી માંગ
ઓટાવા,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
કેનેડામાં ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારત સામે શંકાની સોય તાકીને કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ત્યાં રહેલા ભારતીય લોકો અને ખાસ કરીને હિન્દુઓ સામે પણ જોખમ ઉભુ કરી દીધુ છે.
કેનેડની સંસ્થા હિન્દુ ફોરમ ઓફ કેનેડાએ હવે કેનેડાના સિક્યુરિટી મિનિસ્ટર ડોમિનિક લીબ્લેંકને એક પત્ર લખીને કેનેડામાં રહેતા હિન્દુઓ પર ખાલિસ્તાનીઓનો ખતરો હોવાનુ જણાવી હિન્દુઓને સુરક્ષા આપવા માટે માંગ કરી છે.
ફોરમે પોતાના પત્રમાં પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટિસના પ્રમુખ અને કુખ્યાત આતંકી ગુરપતવંતસિંહ પન્નુના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડી જવા માટે ધમકી આપી હતી. હિન્દુ ફોરમે કહ્યુ છે કે, અમે કેનેડાની સરકારને પન્નુના નિવેદનને ગંભીરતાથી લેવા માટે અપીલ કરીએ છે. તેનો પ્રભાવ કેનેડામાં રહેતા નાગરિકો પર પડી રહ્યો છે. પન્નુએ સ્પષ્ટ રીતે કહ્યુ છે કે, જે પણ અમારી વાત માનવાનો ઈનકાર કરશે તેને ટાર્ગેટ કરવામાં આવશે.
ફોરમે કહ્યુ છે કે, અમને આશા છે કે, કેનેડાની સરકાર આ મામલામાં યોગ્ય પગલા ભરશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે પણ કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે ગઈકાલે એક એડવાઈઝરી જાહેર કરીને તેમને સાવધાની રાખવા માટે જણાવ્યુ હતુ.