ભારે પવને લોસ એન્જલસની આગમાં બળતામાં ઘી હોમ્યું, મૃત્યુઆંક 24, 90ના દાયકાના ચાઇલ્ડ એક્ટરનું મોત
Image: Facebook
Fire in Los Angeles: લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગથી અત્યાર સુધી 24 લોકોના મોત થઈ ચૂક્યા છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે કહ્યું કે 'આ અમેરિકાના ઈતિહાસની સૌથી વિનાશકારી કુદરતી વિપત્તિ થઈ શકે છે, જેણે હજારો ઘરોને પણ તબાહ કરી દીધા છે.'
લોસ એન્જલસના બે ભાગો ર્ઈટન અને પેલિસેડ્સમાં છેલ્લા 6 દિવસથી આગ વ્યાપી રહી છે. પેલિસેડ્સ ફાયર ઝોનમાં અત્યાર સુધી 8 લોકોના મોત નીપજ્યા. ર્ઈટન ફાયર ઝોને 16 લોકોના જીવ લઈ લીધા.
90ના દાયકાના ચાઈલ્ડ એક્ટરનું મોત
લોસ એન્જલસ અમેરિકાનું બીજું સૌથી મોટું શહેર છે. 1990ના દાયકામાં આગામી બ્રિટિશ ટીવી શો કિડી કેપર્સના ઓસ્ટ્રેલિયન ચાઈલ્ડ એક્ટર રોરી સાઈક્સનું પણ મોત નીપજ્યું છે. આ પૂર્વ એક્ટર અત્યારે લગભગ 32 વર્ષનો હતો.
ઘણા બિલિયન ડોલરનું નુકસાન
પેલિસેડ્સની આગ લગભગ 23,600 એકરની જમીન પર ફેલાઈ ચૂકી છે. જોકે તેના 11 ટકા ભાગ પર કાબૂ મેળવી લેવાયો છે. ર્ઈટનની આગ 14,000 એકર સુધી ફેલાયેલી છે. તેના પણ લગભગ 15 ટકા ભાગ પર કાબૂ મેળવી લેવાયો છે. કેલિફોર્નિયાના સેન ફરનેન્ડો વેલીમાં ફાયર ટોરનેડો પણ દેખાયો, જેનાથી આગ ભડકી ગઈ.
આગની ઘટનાથી લગભગ 12 હજારથી વધુ ઈમારતો નુકસાનગ્રસ્ત થઈ ગઈ છે. આ કારણે અત્યાર સુધી લગભગ 1 લાખ લોકોએ પોતાનું ઘર છોડવા માટે મજબૂર થવું પડ્યું છે. અત્યાર સુધી 135 બિલિયન ડોલરથી 150 બિલિયન ડોલરના આર્થિક નુકસાનનું અનુમાન છે.
આ પણ વાંચો: કેલિફોર્નિયાનો દાવાનળ અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ વિનાશક, સૌથી વધુ મોંઘો બની રહેશે
જંગલોની આગથી તબાહી
એન્થની હોપકિન્સ, પેરિસ હિલ્ટન, મેલ ગિબસન, બિલી ક્રિસ્ટલ સહિત ઘણા એક્ટર્સે આગના કારણે પોતાના ઘરને ગુમાવી દીધાં છે. સાંતા એના પવન ઓછા થવાથી ફાયર ફાઈટર્સને થોડી રાહત મળી. આ હવાઓ આગને વધુ ઝડપથી ફેલાવી રહી હતી.
જોકે, અધિકારીઓએ ચેતવણી આપી છે કે રવિવાર રાતથી બુધવાર સુધી પવન ફરીથી ઝડપી થઈ જશે અને 96 કિમી/કલાક સુધીની સ્પીડ સુધી પહોંચી જશે. આગ લાગવાના કારણોની જાણ મેળવવા માટે સંઘીય અને સ્થાનિક અધિકારીઓ દ્વારા એક મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, મોટાભાગના મામલે જંગલોની આગ કુદરતી હોય છે પરંતુ આ કોઈનું કાવતરું પણ હોઈ શકે છે.
લોસ એન્જલસને ફરી વસાવાશે
જો બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય અને કેલિફોર્નિયાના ગર્વનર ગેવિન ન્યૂસોમે કહ્યું છે કે 'શહેરને ફરીથી વસાવવામાં આવશે. અમારી ટીમ પહેલેથી જ લોસ એન્જલસ 2.0 પર કામ કરી રહી છે.' અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેલિફોર્નિયાના અધિકારીઓ પર અક્ષમતાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે 'આ આપણા દેશના ઈતિહાસની સૌથી ભયાનક આપત્તિઓમાંની એક છે. તેઓ આગ બુઝાવી શકતાં નથી. તેમને શું તકલીફ છે?'