Get The App

ઈરાન અને પાકિસ્તાને એક બીજા સામે બાંયો ચઢાવતા ચીનનું ટેન્શન વધ્યું, અબજો ડોલર દાવ પર

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
ઈરાન અને પાકિસ્તાને એક બીજા સામે બાંયો ચઢાવતા ચીનનું ટેન્શન વધ્યું, અબજો ડોલર દાવ પર 1 - image

image : Socialmedia

ચીન અને ઈરાને એક બીજાની સામે બાંયો ચઢાવી છે અને તેના કારણે ચીનની સરકારનુ ટેન્શન વધી ગયુ છે.

ઈરાન અને પાકિસ્તાને ગયા અઠવાડિયે એક બીજા પર આતંકીઓને ખતમ કરવાના નામે કરેલા હવાઈ હુમલા બાદ ચીનના વિદેશ મંત્રી સન વેઈદોન્ગ પાકિસ્તાન પહોંચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના તણાવને શાંત કરવા માટે ચીન સકારાત્મક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

ચીનની સરકાર પાકિસ્તાન અને ઈરાન એમ બંને દેશોને રાજી રાખવા માંગે છે. કારણકે પશ્ચિમ એશિયામાં પોતાનો પ્રભાવ વધારવા અને માર્કેટ ઊભું કરવા માટે ઈરાન ચીન માટે પ્રવેશદ્વારનું કામ કરી શકે છે. જ્યારે પાકિસ્તાનમાં ચીને ઈકોનોમિક કોરિડોર બનાવવા માટે અબજો ડોલરનુ રોકાણ કરી રાખ્યુ છે. આ પ્રોજેકટ માટે અત્યાર સુધીમાં ચીન 25 અબજ ડોલરનુ સીધુ રોકાણ કરી ચૂક્યું છે.

ચીન પોતાના શિનજિયાંગ પ્રાંતથી લઈને પાકિસ્તાના બલુચિસ્તાન સુધી કોરિડોરના ભાગરુપે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટ પર કામ કરી રહ્યુ છે. આ બંને સ્થળો વચ્ચે 3000 કિલોમીટરનું અંતર છે અને તેની વચ્ચે રસ્તા, રેલવે ટ્રેક અને ગેસ પાઈપ લાઈન પાથરવાનુ કામ ચાલી રહ્યુ છે. આ કોરિડોર થકી ચીન હિન્દ મહાસાગર સુધી પહોંચીને દરિયાઈ રસ્તે પોતાનો વેપાર વધારવા માંગે છે.

જોકે ચીન માટે ઈકોનોમિક કોરિડોર પ્રોજેકટ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યો છે. કારણકે પાકિસ્તાન પોતે આર્થિક રીતે નબળી સ્થિતિમાં છે. બીજી તરફ બલુચિસ્તાનમાં આ કોરિડોરનો મોટો હિસ્સો છે. આ પ્રાંતમાં લોકોનો પાકિસ્તાન સરકાર સામે રોષ વધી રહ્યો છે. ચીન સામે પણ સ્થાનિક લોકો વારંવાર વિરોધ પ્રદર્શન કરતા હોય છે. બલુચિસ્તાનના લોકોનું માનવું છે કે, પાકિસ્તાનની સરકાર અમારા પ્રાંતમાંથી કુદરતી સંપદાનો ફાયદો ઉઠાવી રહી છે અને અહીંની સંખ્યાબંધ ખાણો ચીનની કંપનીઓને લીઝ પર આપી દીધી છે. બદલામાં પાકિસ્તાનની સરકાર દ્વારા બલુચિસ્તાનને કોઈ સહાય અપાતી નથી.

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં કામ કરતા ચીનના નાગરિકો પર બલુચ ભાગલાવાદી સંગઠનો હુમલા પણ કરી ચુકયા છે. બલુચિસ્તાનમાં ભાગલાવાદી આંદોલનો છેલ્લા કેટલાક સમયથી તેજ થયા છે. બલુચ આંદોલનકારીઓને પાકિસ્તાનની આર્મી ગાયબ કરી દેતી હોવાના આરોપ પણ લાગી રહ્યુ છે અને હાલમાં જ બલુચ મહિલાઓએ આ મુદ્દા પર ઈસ્લામાબાદ સુધી એક રેલી પણ કાઢી હતી.

બલુચિસ્તાન તેવામાં જો ઈરાન અને પાકિસ્તાન વચ્ચે જંગ જેવી સ્થિતિ સર્જાય તો ચીનની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે તેમ છે. જેના કારણે ચીન પાકિસ્તાન અને ઈરાનને શાંત પાડવા માટે મથામણ કરી રહ્યુ છે.


Google NewsGoogle News