અમેરિકામાં શિખ આતંકીની હત્યાના પ્રયાસ અંગે ભારતે ઉચ્ચ સ્તરિય તપાસ સમિતિ રચી છે : બાગચી
- ફાયનાન્શ્યલ ટાઇમ્સે અનામી સ્ત્રોતોનો હવાલો આપતાં લખ્યું હતું કે, અમેરિકી સત્તાધીશોએ ગુરપતવંત સિંઘની હત્યાનો પ્રયાસ મિથ્યા કર્યો હતો
નવી દિલ્હી : શિખ આતંકીની અમેરિકામાં હત્યા કરવાનું ષડયંત્ર રચવાના અમેરિકાના સત્તાધીશોએ કરેલા આક્ષેપો અંગે તપાસ કરવા ભારતે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે તેમ વિદેશ મંત્રાલયના પ્રવકતા અરવિંદમ બાગચીએ આજે પત્રકારોને જણાવ્યું હતું.
ગત સપ્તાહે ફાયનાન્શ્યલ ટાઇમ્સે અનામી રહેવા માગતાં સ્ત્રોતોને ટાંકતાં જણાવ્યું હતું કે, શિખ આતંકી નેતા ગુરપતવંત સિંઘ પન્નુની હત્યા કરવાનું ષડયંત્ર અમેરિકાની સલામતી એજન્સીઓએ નિષ્ફળ કર્યું હતું. સાથે, તે વર્તમાન પત્રમાં ભારત સરકારને તેની સંડોવણીની સંભાવના અંગે પણ ચેતવણી આપી હતી.
આ પછી ભારતનું વિદેશ મંત્રાલય સક્રિય બન્યું હતું અને તુર્ત જ તે આક્ષેપોની તપાસ કરવા એક ઉચ્ચ સ્તરિય સમિતિની રચના કરી છે. તેમ પણ બાગચીએ જણાવ્યું હતું.
બાગચીએ વધુમાં કહ્યું હતું કે, અમે સલામતી અંગેની દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન અમેરિકાને જણાવ્યું હતું કે, વ્યવસ્થિત અપરાધીઓ શસ્ત્ર સોદાગરો અને ત્રાસવાદીઓ સહિત અન્યોની સાંઠગાંઠ અંગે એકબીજાને મળતી માહિતી એક-બીજાને આપવી જ.
પત્રકાર પરિષદમાં ફાયનાન્શ્યલ ટાઈમ્સે કરેલા આક્ષેપો અંગે પત્રકારોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં અરવિંદમ બાગચીએ આ પ્રમાણે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં કહ્યું કે, અમે પહેલેથી જ જણાવ્યું છે કે તે પ્રકારની માહિતીઓને ભારત ગંભીરપૂર્વક લઈ રહ્યું છે. આ સંદર્ભે ભારત સરકારે તપાસ કરવા ૧૮મી નવેમ્બરે જ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે તે સમિતિનાં તારણો ઉપરથી અમે પગલા લેવાનાં જ છીએ.