ઈઝરાયલ સામે હિઝબુલ્લાહે કર્યું યુદ્ધનું એલાન, ગાઝા જેવા હાલ કરવાની ચેતવણી, સમગ્ર વિશ્વ ચિંતિત
- ઇઝરાયેલે કરેલા ''ઇલેક્ટ્રોનિક'' બ્લાસ્ટમાં 40 લડાકુના મોત પાંચ હજારથી વધુ ઇજાગ્રસ્ત
- મોસાદે શેલ કંપનીઓનું નેટવર્ક રચીને આતંકવાદી સંગઠનને છેતરીને વિસ્ફોટક પદાર્થોવાળા પેજર-વોકીટોકી પધરાવી દીધા : હીઝબુલ્લાહ પાસેથી રૂપિયા પણ લીધા અને તેના ફાઇટરોનો પણ સફાયો કર્યો
- ઉત્તર ઇઝરાયેલમાં ક્યારેય શાંતિ નહીં સ્થપાય, ગાઝા જેવા હાલ ઇઝરાયેલના નાગરિકોના કરવાની ધમકી
Israel vs Hezbollah War News | લેબેનોનના આતંકવાદી જૂથ હીઝબુલ્લાહે ઇલેકટ્રોનિક વિસ્ફોટનો શિકાર બન્યા પછી ઇઝરાયેલ સામે જંગના એલાનની જાહેરાત કરી છે. તેના પગલે સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. તેણે જણાવ્યું હતું કે ઇઝરાયેલે લક્ષ્મણરેખા વટાવી દીધી છે. હવે આ યુદ્ધ ફક્ત ઇઝરાયેલ અને લેબનોનની સરહદ પૂરતું જ સીમિત રહ્યું નથી, પરંતુ બંને દેશના ગમે તે હિસ્સામાં તેની અગ્નિ જ્વાળાઓ જોવા મળી શકે છે. ઇઝરાયેલ હીઝબુલ્લાહના વળતા હુમલાનો સામનો કરવા તૈયાર રહે.
નસરલ્લાહે જણાવ્યું હતું કે અમે સ્વીકાર્યુ છે કે આ હુમલાથી અમને જબરદસ્ત ફટકો પડયો છે. અમે તેની તપાસ પણ કરી રહ્યા છીએ. પણ અમે તેનો વળતો જવાબ આપીશું
તેના નિવેદનનો પડઘો પાડતાં હોય તેમ હીઝબુલ્લાહે ઇઝરાયેલ પર વળતો પ્રહાર કરતાં મોટાપાયા પર રોકેટમારો કર્યો હતો.આ ઉપરાંત તેણે ઇઝરાયેલના લશ્કરી સ્થળોને લક્ષ્યાંક બનાવીને ડ્રોન હુમલો કર્યો હતો. હીઝબુલ્લાહે જણાવ્યું હતું કે ઉત્તર ઇઝરાયેલના દસ હજારથી વિસ્થાપિતો ક્યારેય તેમના ઘરે પરત નહીં ફરી શકે. ગાઝામાં જે રીતે લોકો વિસ્થાપિત થયા છે તે રીતે ઇઝરાયેલના લોકોને પણ અમે વિસ્થાપિત કરીશું.ઇલેકટ્રોનિક બ્લાસ્ટ પછી હીઝબુલ્લાહે કરેલા હુમલામાં ઇઝરાયેલના બે સૈનિકોના મોત થયા છે. તેના લીધે ઇઝરાયેલે પણ સ્વીકાર્યુ છે કે હવે યુદ્ધનો વ્યાપ વિસ્તરી શકે છે અને તેણે વ્યાપક સ્તરે લશ્કરી કાર્યવાહી કરવી પડી શકે છે.
ઇઝરાયેલ લેબનોનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરી હીઝબુલ્લાહના ૪૦ આતંકવાદીઓને ઠાર કર્યા અને પાંચ હજારથી વધુને ઇજાગ્રસ્ત કરી દીધા છે. આ અંગે ન્યૂયોર્ક ટાઇમ્સનો દાવો છે કે આતંકવાદી સંગઠન હીઝબુલ્લાહ ઇઝરાયેલની સાઇબર જાળમાં ફસાઈ ગયું. હીઝબુલ્લાજે જે પેજર ખરીદ્યા તે તાઇવાનની એપોલો ગોલ્ડ કંપનીના ન હતા. તેને મોસાદના અધિકારીઓએ હંગેરીમાં તે જ કંપનીમાં બનાવ્યા હતા જેને હીઝબુલ્લાહ તાઇવાનીઝ કંપની સમજતું હતું. હીઝબુલ્લાહને છેતરવા આ શેલ કંપની બનાવાઈ હતી.
મોસાદે શેલ કંપનીઓ બાબતે જરા પણ શંકા ન જાય તેને લઈને આ પ્રકારની કંપનીઓનું જાળું ઊભું કર્યુ હતું. મોસાદે આ માટે વર્ષો પહેલાં જ આયોજન કરી દીધું હતું.
૨૦૨૨ના વર્ષથી જ હીઝબુલ્લાહ મોસાદની આ કંપની પાસેથી પેજર ખરીદતું હતું. મોસાદે સમજીવિચારીને રચી કાઢેલા કાવતરામાં હીઝબુલ્લાહ માટે બનાવવામાં આવેલા પેજરમાં વિસ્ફોટક પીઇટીએન નાખી દીધા હતા.
તેના પછી હીઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહે પોતાના આતંકવાદીઓને મોબાઇલ ફોનનો ઉપયોગ બંધ કરવાનું જણાવ્યું અને તેના પગલે મોસાદની કંપનીને વધારે પેજર બનાવવાના ઓર્ડર મળ્યા. આ રીતે હીઝબુલ્લાહના આતંકવાદીઓ સુધી હજારો પેજરો પહોંચ્યા, જેના પછી ઇઝરાયેલે તેમના પર હુમલો કર્યો.આ વિસ્ફોટમાં સંડોવાયેલી કંપની નથી તાઇવાનની કે નથી હંગેરીની કંપની. આ કંપની ઇઝરાયેલની શેલ કંપની છે. કોઈ એકાદ કંપની હોય તો શક થાય, તેથી ઇઝરાયેલી આવી બેથી ત્રણ કંપની બનાવી હતી.
પેજર પછી વોકીટોકીના બ્લાસ્ટની વાત આવે તો તેને બનાવનાર જાપાનીઝ કંપની આઇકોમે આ ઘટના સાથે છેડો ફાડતા સ્પષ્ટ જણાવી દીધું છે કે તેણે તેનું ઉત્પાદન દસ વર્ષ પહેલાં જ બંધ કરી દીધું હતું. તેણે વોકીટોકીના આ સેટ બનાવવાનું દસ વર્ષ પહેલાં જ બંધ કરી દીધું હતું. આઇકોમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇસી-વી૮૨ એક હેન્ડહેલ્ડ રેડિયો સેટ છે, જેનું ઉત્પાદન અને નિકાસ ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન કરવામાં આવી હતી. આના લીધે હીઝબુલ્લાહે મોસાદની જ બનાવટી કંપની પાસેથી આ વોકીટોકી સેટ ખરીદ્યા હોય તેવી પ્રબળ સંભાવના છે. આમ મોસાદે હીઝબુલ્લાહ પાસેથી રુપિયા પણ લીધા અને તેના આતંકવાદીઓનો જીવ પણ લીધો.
પેજર અને વોકીટોકી બ્લાસ્ટના પગલે
ઇઝરાયેલના યુનિટ 8,200ની આખા વિશ્વમાં મોટાપાયે ચર્ચા
2018માં આઇએસના એર એટેકને આ જ યુનિટે નાબૂદ કર્યો ત્યારે તેની ખબર પડી હતી
નવી દિલ્હી : લેબનોનનમાં એકસાથે પાંચ હજાર પેજર બ્લાસ્ટ અને તેના પછી વોકીટોકી બ્લાસ્ટના પગલે ઇઝરાયેલના યુનિટ ૮,૨૦૦ની આખા વિશ્વમાં મોટાપાયે ચર્ચા થઈ રહી છે.
ઇઝરાયેલે આ વખતે ટેકનોલોજી વોરફેર દ્વારા દુશ્મનને હંફાવ્યું છે. યુનિટ ૮,૨૦૦ ઇઝરાયેલના લશ્કરનું ઇન્ટેલિજન્સ યુનિટ છે. આ એ જ યુનિટ છે જેણે તાજેતરમાં લેબનોનમાં હુમલા કરાવ્યા છે. ઇઝરાયેલે આ હુમલાને લઈને અત્યાર સુધી મૌન સાધ્યું છે, પરંતુ પશ્ચિમી દેશો અને લેબનોનને શંકા છે કે તેને ઇઝરાયેલના સીક્રેટ યુનિટે અંજામે આપ્યો છે.
સૂત્રના જણાવ્યા મુજબ યુનિટ ૮,૨૦૦ લાંબા સમયથી કેસ સ્ટડી કરી રહ્યું હતું કે કેવી રીતે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં વિસ્ફોટક રાખી શકાય છે. ઇઝરાયેલના ડિફેન્સ એન્ડ સિક્યોરિટી ફોરમના રિસર્ચ ફોરમના ડાયરેક્ટર યોસી કુપરવાસરે જણાવ્યું હતું કે યુનિટ ૮,૨૦૦ના મેમ્બર ઇઝરાયેલના લશ્કરના સૌથી શાર્પ કમાન્ડર છે. આ યુનિટમાં યુવાન અને ખાસ પ્રકારના સૈનિકોને જ સામેલ કરવામાં આવે છે. તેમને ઇન્ટેલિજન્સ મેળવવાની પણ જવાબદારી સોંપવામાં આવે છે. ૨૦૧૮માં ઇઝરાયેલની આ યુનિટે જ ઇસ્લામિક સ્ટેટના એક એર એટેકને નાબૂદ કર્યો હતો. તે સમયે તેના આ યુનિટના અસ્તિત્વની ખબર પડી હતી.
આઇડીએફનો કોઈપણ મેસેજનો ઇન્કાર
ઇઝરાયેલમાં સાઇબર હુમલો ઇરાનના હાથ હોવાની શંકા
ઇઝરાયેલના લોકોને આર્મીને મેસેજ લાગતા અંધાધૂંધીના વાતાવરણની સ્થિતિ સર્જાઈ
તેલઅવીવ : લેબનોન પર ઇઝરાયેલના ઇલેક્ટ્રોનિક હુમલાને ચોવીસ કલાક પણ માંડ થયા છે ત્યાં ઇઝરાયેલ પર સાઇબર હુમલાના સમાચાર આવ્યા છે. સ્થાનિક પ્રસારમાધ્યમોના અહેવાલ મુજબ અડધી રાત્રે ઇઝરાયેલીઓને ફોન વાગવા લાગ્યા. તેના પર ઇમરજન્સી મેસેજ દેખાવવા લાગ્યો.મેસેજમાં ઇઝરાયેલીઓને સુરક્ષિત સ્થળે ભાગવા જણાવાયું હતું.
આવા હજારો મેસેજ મળ્યા પછી રીતસર અંધાધૂંધી મચી ગઈ. ઝિરાયેલના અધિકારીઓ આ મેસેજની તપાસ કરી રહ્યા છે. આ મેસેજ ઇરાની હેકર્સ દ્વારા મોકલવામાં આવ્યો હોઈ શકે છે. ઇઝરાયેલના મીડિયાએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે સમગ્ર દેશમાં ઇઝરાયેલીઓને ઇમરજન્સી એલર્ટનો બનાવટી મેસેજ મળ્યો.
આ મેસેજમાં કહેવાયું હતું કે જેઓ જ્યાં છે ત્યાંથી ચાલ્યા જાય અને કોઈ સુરક્ષિત સ્થળે ચાલ્યા જાય. સંદેશો વ્યાપક ધોરણે પ્રસારિત થયા પછી સ્થાનિક સમાચારમાધ્યમે જણાવ્યું હતું કે આ પ્રકારના સાઇબર હુમલા પાછળ ઇરાનનો હાથ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઇઝરાયેલના લશ્કર આઇડીએફે આ પ્રકારના સંદેશાઓને બનાવટી ગણાવતા જણાવ્યું હતું કે તેમણે ઇઝરાયેલીઓને આ પ્રકારના કોઈ સંદેશા મોકલ્યા નથી. આ સાઇબર હુમલો હોઈ શકે છે. બુધવારે અડધી રાત્રે કેટલાય ઇઝરાયેલીઓને ઇમરજન્સીનો સંદેશો મળ્યો. આ સંદેશાનો સ્ક્રીનશોટ લોકોેએ સોશિયલ મીડિયા પર શેર કર્યો. મેસેજની હેડલાઇનમાં લખ્યું હતું કે ઓરેફએલર્ટ. હિબૂ્ર ભાષામાં તે હોમ ફ્રંટ કમાન્ડ તરફથી સંદેશો તેવો થાય છે. ઇઝરાયેલીઓએ આ મેસેજને આર્મીનો સંદેશો સમજતા અંધાધૂંધી સર્જાઈ.
આતંકીઓ ટોઇલેટ જતાં પણ ડરશે : ઇઝરાયેલી સેનાના વડા
તેલઅવીવ : લેબનોન હુમલા પછી ઇઝરાયેલના લશ્કરના વડાએ જણાવ્યું હતું કે અમારી પાસે તો આવી ઘણી બધી ક્ષમતા છે અને અમે આમાથી ફક્ત બેનો જ ઉપયોગ કર્યો છે. અમારી પાસે એવી ઘણી બધી ટેકનોલોજીઓ છે જેનો અમે ભવિષ્યમાં જુદા-જુદા તબક્કે ઉપયોગ કરતાં રહીશું. અમે સમગ્ર વિશ્વમાં આતંકવાદીઓનું જીવન નરક જેવું બનાવી દઇશું. અમે આતંકવાદીઓની સ્થિતિ એવી કરી દઇશું કે તે ટોઇલેટ જતાં પણ ડરશે, પાણી પીતા ડરશે, ખાવાનું ખાતા ડરશે, ફોનની ઘંટી વાગતા ડરશે. આમ પેજર બ્લાસ્ટ અને વોકીટોકી બ્લાસ્ટ હજી પાશેરામાં પહેલી પૂણી છે.