લેબનોનના નાગરિકોને હિજબુલ્લાહ માનવ ઢાલ બનાવે છે, ઇઝરાયેલનો આરોપ
હિજબુલ્લાહ ૯૦ ટકા રોકેટ-મિસાઇલ અને ડ્રોન માનવવસ્તીમાંથી છોડે છે
તાજેતરમા ઇઝરાયેલ પર ૩૦૦ રોકેટ -મિસાઇલો વડે હુમલો થયો હતો
તેલઅવિવ,૨૮ ઓગસ્ટ,૨૦૨૪,બુધવાર
હમાસ પછી લેબનોનના હિજબુલ્લાહ આતંકી સંગઠન સાથે ઇઝરાયેલે જંગમાં ઝુકાવ્યું છે. હિજબુલ્લાહને શિયાપંથી દેશ ઇરાન દ્વારા મદદ અને સમર્થન મળે છે. તાજેતરમાં હિજબુલ્લાહે ઇઝરાયેલ પર ૩૦૦ રોકેટ -મિસાઇલો વડે હુમલો કરતા અફરાતફરી મચી ગઇ હતી. ઇઝરાયેલ દાવો કર્યો હતો કે હિજબુલ્લાહ લેબનોનમાં સ્કૂલો અને મસ્જિદોની ઇમારતોનો ઉપયોગ હુમલા માટે કરે છે.
તેને અત્યાર સુધી જેટલા પણ રોકેટ મિસાઇલથી હુમલા કર્યા છે તે ગીચ વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારમાંથી છે. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર હિજબુલ્લાહ દ્વારા છોડવામાં આવેલા ૯૦ ટકા રોકેટ-મિસાઇલ અને ડ્રોન લેબનોનના માનવ વસ્તી ધરાવતા વિસ્તારમાંથી આવ્યા હતા. કુલ ૨૩૦ રોકેટ મિસાઇલ,૨૦ ડ્રોન માનવ વસાહત પરથી આવ્યા હતા તે જોતા હિજબુલ્લાહ નાગરિકોને માનવ ઢાલ બનાવી રહયું છે.
આ અંગે ઇઝરાયેલે હુમલાના કેટલાક મેપ્સ પણ બહાર પાડયા છે. પેલેસ્ટાઇનમાં હમાસ પરની કાર્યવાહી પછી લેબનોન સરહદે હિજબુલ્લાહ પણ સક્રિય જોવા મળે છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંબંઘો તંગ બનતા હિજબૂલ્લાહ પ્રોકસી સમર્થન કરીને ઇઝરાયેલ પર હુમલા કરી રહયું છે. ઇઝરાયેલની સેનાએ પણ હિજબુલ્લાહને જડબાતોડ જવાબ આપ્યો છે.