ટોચના 11 કમાન્ડર ઠાર કર્યા, હવે બસ 3 બાકી... હિઝબુલ્લાહ પર ઈઝરાયલ કહેર બની તૂટી પડ્યું
Israel-Hezbollah Conflict: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઈઝરાયલે સતત એર સ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. હસન નસરલ્લાહ, હાશિમ સફીદ્દીન ફૌદ શુકર સહિત અત્યાર સુધીમાં હિઝબુલ્લાહના ટોચના 11 કમાન્ડર ઠાર થઈ ચૂક્યા છે. ઈઝરાયલના આ હુમલાએ હિઝબુલ્લાહના બીજા લડાકુઓનું મનોબળ પણ તોડી નાખ્યું છે. હવે આ વચ્ચે લડવૈયાઓની આશા હિઝબુલ્લાહના ત્રણ ટોપના કમાન્ડર્સ પર છે. આ ટોપના ત્રણ કમાન્ડર હાલમાં ક્યાં છે અને તેમની આગળની પ્લાનિંગ શું છે તેની કોઈને ખબર નથી. આ ત્રણ કમાન્ડર્સના નામ નઈમ કાસીમ, તલાલ હામિહ અને અબુ અલી રીદા.
નઈમ કાસિમ
શેખ નઈમ કાસિમને 1991માં હિઝબુલ્લાહના જનરલ સેક્રેટરી અબ્બાસ અલ-મુસાવીએ ડેપ્યુટી લીડર નિયુક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આગલા વર્ષે જ અલ-મુસાવીના કાફલા ને 1992માં ઇઝરાયેલી અપાચે હેલિકોપ્ટરને નિશાન બનાવ્યું હતું જેમાં તેનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ નસરલ્લાહે કમાન સંભાળી પરંતુ નઈમ કાસિમ પોતાની ભૂમિકામાં બન્યો રહ્યો. ગત વર્ષે કાસિમે ઈઝરાયલ સાથે તણાવ ઉપર વિદેશી મીડિયાને ઈન્ટરવ્યૂ પણ આપ્યું હતું.
તલાલ હામિહ
તલાલ હામિહને તલાલ હોસ્ની હામિહ, ઈસ્મત મજરાની અથવા અબુ જાફર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હિઝબુલ્લાહની બાહ્ય કામગીરીનો ઈન્ચાર્જ છે, જેને યુનિટ 910ના નામથી પણ ઓળખવામાં આવે છે, જે સમગ્ર વિશ્વમાં ગુપ્ત અભિયાનોની દેખરેખ રાખે છે. તલાલ હામિહને હિઝબુલ્લાહની પ્રથમ પેઢીનો ભાગ માનવામાં આવે છે, તે 1980ના દાયકાના મધ્યમાં સંગઠનમાં જોડાયો હતો. તલાલ એ અમૂક લોકોમાં સામેલ હતો જેમનો હસન નસરલ્લાહ સાથે સીધો સંપર્ક હતો.
અબુ અલી રીદા
હિઝબુલ્લાહ લડવૈયાઓ જે ત્રીજી વ્યક્તિ તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે તે અબુ અલી રીદા છે. અબુ હિઝબુલ્લાહના બદર ડિવિઝનનો કમાન્ડર છે. ઈઝરાયલની સેના તેને શોધવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે, પરંતુ તેના ઠેકાણાની કોઈને ખબર નથી. એવી માહિતી મળી રહી છે કે, હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર પર સતત હુમલાને જોતા તે કોઈ અજાણ્યા સ્થળે છુપાયેલો છે.
આ લડવૈયાઓને IDFએ કર્યા ઠાર
હસન નસરલ્લાહ
ગુપ્ત બંકરમાં છુપાયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહને ઈઝરાયલે હવાઈ હુમલો કરીને ઠાર કરી દીધો હતો.
હાશિમ સફીદ્દીનઃ
હસન નસરલ્લાહના ઉત્તરાધિકારી ગણાતા હાશિમ સફીદ્દીનને પણ હવાઈ હુમલામાં ઠાર કરી દેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ઈબ્રાહિમ અકીલ (ઓપરેશન હેડ), મોહમ્મદ કબીસી (મિસાઈલ અને રોકેટ યુનિટ હેડ), ફૌદ શુકર (હિઝબુલ્લાહનો સર્વોચ્ચ કમાન્ડર), અલી કરાકી (સાઉથ ફ્રન્ટ કમાન્ડર)ને પણ ઠાર કરી દેવામાં આવ્યો છે.
ઈઝરાયલે હિઝબુલ્લાહના બીજી હરોળના નેતાઓમાં વિસમ અલ-તવીલ (રાદવાન ફોર્સ કમાન્ડર), અબુ હસન સમીર (રાદવાન ફોર્સ ટ્રેનિંગ હેડ), મોહમ્મદ હુસૈન સરૌર (એરિયલ કમાન્ડ કમાન્ડર), સામી તાલેબ અબ્દુલ્લાહ (નાસેર યુનિટ કમાન્ડર) અને મોહમ્મદ નાસેર (અઝીઝ યુનિટ કમાન્ડર)ને હવાઈ હુમલામાં ઠાર કરી દીધા હતા.