VIDEO: ઈઝરાયલના જંગલોમાં ભયાનક આગ, હિઝબુલ્લાહે સેંકડો રોકેટ ઝીંકતા યુદ્ધના એંધાણ
image Twitter |
Fires in Israel's forest : આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સતત રોકેટ અને ડ્રોન દ્વારા હુમલાના કારણે ઉત્તરી ઈઝરાયલના જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી છે. આ આગ ખૂબ જ ભયાનક છે. ઈઝરાયલ ફાયર ફાઈટર દળો આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયુ નથી. પોલીસે કેટલાક રાજ્યોના રસ્તાઓ અને મુખ્યમાર્ગો બંધ કરી દીધા છે, જેથી કરીને લોકો આગવાળા વિસ્તારોમાં ન જાય.
ઈઝરાયલના કેટલાક નાગરિકો લેબનાનની સરહદ નજીક વસવાટ કરે છે, તેમના ઘરોની આસપાસના જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી છે. જો કે, અહીંના રહેવાસીઓને મહીના પહેલા સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. કારણ કે, હિઝબુલ્લાહના આતંકવાદીઓ સતત ઈઝરાયલ પર હુમલાઓ કરી રહ્યા હતા. મહત્ત્વની વાત છે કે, ઈઝરાયેલ પણ તેની સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
સેંકડો રોકેટ અને ડ્રોનના હુમલાઓથી જંગલોમાં આગ
સ્થાનિક મીડિયાના રિપોર્ટના કહેવા પ્રમાણે હિઝબુલ્લાહના સેંકડો રોકેટ અને ડ્રોનના હુમલાઓના કારણે જંગલોમાં લાગેલી આગ હાલમાં કેટલાક ઘરોમાં પ્રસરી ગઈ હતી. ઈઝરાયલ મિલિટ્રીએ આગ ઓલવવા માટે જરુરી યંત્ર અને સૈનિકોને મોકલી દીધા છે. પરંતુ આગ એટલી ઝડપી ફેલાઈ રહી છે કે, તેને ઓલવવી ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. તેમજ સતત આગ ફેલાવાના કારણે હવામાન ખૂબ જ ગરમ થઈ ગયુ છે.
સેંકડો એકર જમીન અને જંગલો આગની ઝપેટમાં
આગ ઓલવવાની કોશિશમાં હાલમાં છ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલી મિલિટ્રીએ આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈઝરાયલી સેના આગવાળા વિસ્તારો પર કાબુ મેળવી લીધો છે. તેમજ હવે કોઈનો જીવ જોખમમાં નથી. ઈઝરાયલના વન વિભાગનું કહેવું છે કે, આગના કારણે સેંડકો એકર જંગલ બળીને ખાખ થઈ ગયું છે. હજુ પણ તેના પર નિયત્રંણની કોશિશ ચાલુ છે.
કિરયાત શમોના શહેરનેબચાવવાના પ્રયાસો
બીજી તરફ ઈઝરાયલની નેશનલ ફાયર સર્વિસે તેના અગ્નિશામકોને સતર્ક રહેવા જણાવ્યું છે. ફાયર બ્રિગેડના સેંકડો જવાનો રાત્રે પણ આગ ઓલવવા માટે સતત કાર્યરત છે. સૌથી ખરાબ હાલત કિરયાત શમોના શહેરની છે. અહીં, એક લાઇનમાં કેટલાય ઘરો આગનું નિશાન છે. તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.