બૈરૂત પરના ઈઝરાયેલી હુમલામા હિઝબુલ્લાહે વળતો જવાબ આપ્યો : ઈઝરાયેલ પર 250 રોકેટ છોડયા
- મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાવાની સંભાવના દૂર થતી જાય છે
- આ હુમલાથી અનેક ઇજાગ્રસ્ત થયા છે : કેટલાક રોકેટ ઈઝરાયેલી પાટનગર તેલ-અવીવની મધ્યમાં પડયાં છે
તેલઅવીવ : કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયલ ઉપર બરોબરનું વેર વાળવું શરૂ કર્યું છે. રવિવારે તેણે ઈઝરાયલ ઉપર ૨૫૦ રોકેટ છોડયા હતા તેથી અનેક ઘાયલ થયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હિઝબુલ્લાહે કરેલો આ સૌથી વધુ ઘાતક હુમલો હતો.
બીજી તરફ ઈઝરાયલની મેગન ડેવિડ એડોપ બચાવ સંસ્થાએ તો જણાવ્યું હતું કે, તે હુમલાથી માત્ર સાત વ્યકિતઓ જ ઇજાગ્રસ્ત થઈ છે. જો કે આ વિધાનો તુર્ત ગળે ઉતરે તેવા નથી. તેમ કહેતા નિરીક્ષકો જણાવે છે કે ૨૫૦ રોકેટ પડે અને માત્ર સાત જ ઘાયલ થાય તેવું બની જ કેમ શકે ?
બૈરૂત ઉપર તાજેતરમાં ઈઝરાયલે કરેલા હુમલાના વળતા જવાબરૂપે આ હુમલો કરાયો હોવાનું હિઝબુલ્લાહના સાધનોએ જણાવ્યું હતું. તે સમયે લેબેનોના કાર્યવાહક વડાપ્રધાન નજીબ મિકાનીએ તે હુમલાની ઉગ્ર ટીકા કરી હતી.
બીજી તરફ રવિવારે ઈઝરાયલ પર છોડેલા રોકેટ પૈકી કેટલાએ રોકેટ તો તોડી પાડયા હોવાનો ઈઝરાયલે દાવો કર્યો છે.
લેબેનોનમાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈઝરાયલે કોઈ પણ ચેતવણી આપ્યા સિવાય જ શનિવારે દ. લેબેનોન પર તથા બૈરૂત ઉપર વ્યાપક હુમલા કર્યા હતા.