લેબેનોનથી આવેલું ડ્રોન નેતન્યાહુના ઘર નજીક પડ્યું, એર ડિફેન્સ સિસ્ટમ ભેદવામાં પણ સફળ
Israel-Hezbollah War: ઈઝરાયલે ગાઝામાં હમાસ અને લેબેનોનમાં હિઝબુલ્લાહ પર ભયાનક રીતે હુમલા કર્યા છે અને હજારો લોકોના જીવ લઈ લીધા છે. ત્યારે હિઝબુલ્લાહ દ્વારા પણ તેને જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યાં છે. યુદ્ધની આ સ્થિતિ વચ્ચે હિઝબુલ્લાહે ઈઝરાયલ પર ડ્રોન હુમલો કર્યો હતો. આ ડ્રોન હુમલામાં ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના મકાનને જ નિશાન બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. જો કે હજુ સુધી ઈઝરાયલી સૈન્ય કે સરકાર તરફથી આ મામલે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈઝરાયલી સૈન્યએ શું કહ્યું જુઓ?
ઈઝરાયલમાં હાઈફા કૈસરિયા વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. ઈઝરાયલી સુરક્ષાદળોએ કહ્યું કે આ ડ્રોન એક ખુલ્લા વિસ્તારમાં આવીને પડ્યો હતો જેનાથી કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી. આઇડીએફએ એ વાતની પુષ્ટી કરી હતી કે હિઝબુલ્લાહે આજે ઈઝરાયલ પર રોકેટ અને ડ્રોન વડે ધનાધન હુમલા કર્યા હતા.
આ પણ વાંચો: પેલેસ્ટાઈન, લેબેનોન, ઈરાન બાદ હવે વધુ એક મુસ્લિમ દેશ સાથે યુદ્ધની તૈયારીમાં ઈઝરાયલ!
'ડ્રોને સચોટ નિશાન લગાવીને જ હુમલો કર્યો'
ઈઝરાયલી મીડિયાએ આ દરમિયાન મોટો દાવો કર્યો હતો કે દક્ષિણ હાઈફાના કૈસરિયા ખાતે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસ સ્થાને એક ડ્રોનમાં વિસ્ફોટ કરાયો હતો. માહિતી અનુસાર એવો દાવો કરાયો છે કે આ ડ્રોને સચોટ નિશાન લગાવીને જ હુમલો કર્યો છે. ઈઝરાયલી સૈન્યએ પણ સ્વીકાર્યું કે આ ડ્રોન તેની એર ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સફળ રહ્યું હતું.