નવું યુદ્ધ શરૂ? ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અમેરિકાએ કરી મોટી તૈયારી
Israel–Hezbollah Conflict: ઈરાને ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. ઈરાન તરફથી ઈઝરાયલ પર મંગળવાર (1 ઓક્ટોબર) રાત્રે 400થી વધુ મિસાઈલો છોડવામાં આવી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ તરફથી પુષ્ટિ કરાઈ છે કે ઈરાને ઈઝરાયલ તરફ અનેક મિસાઈલો લોન્ચ કરી છે. આ દરમિયાન ઇઝરાયલે પોતાના નાગરીકોને સુરક્ષા હેતુસર શેલ્ટરમાં ખસેડ્યા હતા. ઇરાનના હુમલા વચ્ચે અમેરિકાએ ઇઝરાયેલને સુરક્ષા ખાતરી આપી છે અને હાલ અમેરિકા ઈઝરાયલની મદદ માટે તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત બાઇડેને બાઈડેને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા પણ કરી હતી.
જ્યારે આ પહેલા ઈઝરાયલના શહેર તેલ અવીવમાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન ઓછામાં ઓછા 20 ઈઝરાયલના લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે, જેમાંથી આઠ લોકો મૃત્યુ પામ્યા છે. પ્રાથમિક મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે, એમ-16 અને એક-47થી બે લોકોએ સામાન્ય લોકો પર હુમલો કર્યો છે.
400થી વધુ મિસાઈલોથી હુમલો, અમેરિકા થયું એલર્ટ
IDFના અનુસાર, ઈરાન તરફથી 400થી વધુ મિસાઈલોથી હુમલો કરાયો છે. નાગરિકોને બોમ્બ શેલ્ટર મોકલાયા છે. આખા ઈઝરાયલમાં રોકેટ અલાર્મ વાગી રહ્યા છે. ઈરાનના હુમલા બાદ અમેરિકા રક્ષા મંત્રીએ કહ્યું કે, ઈઝરાયલની સુરક્ષા માટે તૈયાર છીએ. ઈરાનના હુમલાથી લડવામાં સક્ષમ છીએ.
ઇરાને પ્રથમ નિવેદન આપ્યું
ઇરાને પ્રથમ નિવેદન આપ્યું છે. ઇરાને કહ્યું કે, 'ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનાઇના આદેશ પર ઇઝરાયલ પર આ હુમલો ઇસ્માઇલ હાનિયા અને નસરલ્લાહની શહીદીનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે.' ઉપરાંત ઇરાનના આર્મી યુનિટે ઇઝરાયલને ધમકી આપી છે કે, 'જો ઇઝરાયલ ઇરાનની આ કાર્યવાહીનો જવાબ આપશે તો તેને વધુ વિનાશકારી હુમલાઓનો સામનો કરવો પડશે. વર્તમાન હુમલામાં ઇઝરાયલના મહત્ત્વપૂર્ણ સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે અને આ અમારા હુમલાની માત્ર પ્રથમ તરંગ છે.'
ઇઝરાયલના 20 ફાઇટર પ્લેન તોડી પાડ્યાઃ ઇરાન
ઈરાને દાવો કર્યો છે કે, તેના હુમલામાં ઈઝરાયેલના 20 F-35 ફાઈટર પ્લેન નષ્ટ થઈ ગયા છે. આ સાથે જ આ હુમલામાં મોટી સંખ્યામાં ઈઝરાયેલની ટેન્કોને પણ નુકસાન થયું છે. નોંધનીય છે કે, F-35 એ વિશ્વનું સૌથી આધુનિક ફાઈટર જેટ એરક્રાફ્ટમાંથી એક છે. આ ઉપરાંત ઈરાને દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના હેડક્વાર્ટરને નષ્ટ કરી દીધું છે.
ઈરાનને ઈઝરાયેલી સેનાની ચેતવણી
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ ઇરાની હુમલાના એક કલાક પછી કહ્યું હતું કે, 'ઇરાનના હુમલા બંધ થઇ ગયા છે અને હાલમાં ઈરાન તરફથી કોઈ ખતરો નથી. ઇઝરાયેલી સેનાએ ઇરાનને ચેતવણી આપતા કહ્યું છે કે, ઇઝરાયેલ ઇરાનના હુમલાનો જવાબ આપશે. અમે ડિફેન્સ અને અટેક અંગે ખૂબ સાવચેત છીએ. અમે અમારા નાગરીકોની રક્ષા કરીશું. અમારા પાસે પ્લાનિંગ છે, અમે સમય અને સ્થળ નક્કી કરીશું અને પછી ઇરાન સામે કાર્યવાહી કરીશું.'
ભારતે જાહેર કરી એડવાઈઝરી
ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, દેશ અને રાજ્યોમાં બિનજરૂરી મુસાફરી ટાળો અને સુરક્ષિત આશ્રયસ્થાનોની નજીક રહો. દૂતાવાસ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. કોઈપણ કટોકટીના કિસ્સામાં, તમે 24/7 હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો. આ હેલ્પલાઈન છે +972-547520711, +972-543278392.