હિઝબુલ્લાહ, હમાસ અને યમનના મિસાઈલ હુમલાથી ધણધણી ઉઠ્યું ઈઝરાયલ, તો બેરૂત પર IDFએ કરી એર સ્ટ્રાઈક
Middle East Tensions: ઇઝરાયલ માટે સતત પડકારો વધી રહ્યા છે. મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઇઝરાયલ એક સાથે અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે. અત્યાર સુધી ઇઝરાયલ હમાસ, લેબેનોન અને ઇરાન સામે લડત આપી રહ્યું હતું. જો કે, હવે યમને પણ આ યુદ્ધમાં ઝંપલાવી ઇઝરાયલ પર મિસાઇલ હુમલો કર્યો છે. આજે (7 ઓક્ટોબર) હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલાને એક વર્ષ પૂર્ણ થતા ઇઝરાયલ પર યમન, લેબેનોન અને હમાસ દ્વારા મોટા પાયે હુમલા કરવામાં આવ્યા હતા. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર 135 રોકેટ છોડતા ઇઝરાયલ ધણધણી ઉઠ્યું હતું. જો કે, ઇઝરાયલી સેના IDFએ પણ બેરૂતમાં એર સ્ટ્રાઈક કરી જવાબ આપ્યો હતો.
હિઝબુલ્લાહે 135 રોકેટ છોડ્યા
હિઝબુલ્લાહે ઇઝરાયલના ત્રીજા સૌથી મોટા શહેર હાઇફા પર હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, હિઝબુલ્લાહે ઇઝરાયલના હાઇફા શહેરના ઉત્તર ક્ષેત્રમાં મોટા પાયે રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં હિઝબુલ્લાહના અનેક રોકેટ ઇઝરાયલની સંરક્ષણ પ્રણાલી આયર્ન ડોમથી બચી નિશાન પર લાગ્યા હતા. હિઝબુલ્લાહના આ હુમલામાં 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચોઃ 2000 પાઉન્ડના બોમ્બ, હેલફાયર મિસાઈલ... ઈઝરાયલે યુદ્ધમાં વાપર્યા ખતરનાક હથિયારો
યમને કર્યો મિસાઇલ હુમલો
ઇઝરાયલ સામે હમાસ અને હિઝબુલ્લાહનો સાથ આપવા યમને પણ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. યમને ઇઝરાયલ પર અનેક બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, યમનના હુમલા બાદ મધ્ય ઇઝરાયલમાં ભયનો માહોલ ફેલાયો હતો અને સાયરનોનો અવાજ ગૂંજી રહ્યો હતો. જો કે, ઇઝરાયલી સંરક્ષણ પ્રણાલીએ મિસાઇલોને સફળતાપૂર્વક નષ્ટ કરી હતી.
હમાસે રોકેટ છોડ્યા
ઇઝરાયલ હાલ લેબેનોનમાં વિશાળ લશ્કરી કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલાને એક વર્ષ પૂર્ણ થતાં હમાસે ફરી ઇઝરાયલના અનેક શહેરો પર રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલામાં અનેક ઇઝરાયલી નાગરિકોના ઇજાગ્રસ્ત થયાના અહેવાલો પણ સામે આવ્યા છે.
ઇઝરાયલની બેરૂતમાં એરસ્ટ્રાઇક
ઇઝરાયલે ફરી એક વાર દક્ષિણ લેબેનોનના બેરૂતમાં એર સ્ટ્રાઇક કરી હતી. ઇઝરાયલી સેના આઇડીએફ મુજબ તેણે એર સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણાઓને નિશાન બનાવી નષ્ટ કર્યા હતા. જો કે, જમીન પર ચાલુ યુદ્ધ દરમિયાન ઇઝરાયલના એક સૈનિકનું મોત થયું છે.