Get The App

પેજર હુમલાનો બદલો: હિઝબુલ્લાહે હવે મોસાદના હેડક્વાર્ટર પર બેલિસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
પેજર હુમલાનો બદલો: હિઝબુલ્લાહે હવે મોસાદના હેડક્વાર્ટર પર બેલિસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો 1 - image


Hezbollah Attack On Mossad Head Office: લેબનોન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં હવે સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. ઈઝરાયલના એક બાદ એક હુમલામાં લેબનોનમાં 500થી વધુ લોકોના મૃત્યુ બાદ હિઝબુલ્લાહ આક્રોશમાં આવી ગયુ છે અને તે કોઈ પણ સ્થિતિમાં પીછે હઠ કરવા માટે તૈયાર નથી. આ વચ્ચે બુધવારે હિઝબુલ્લાહે કહ્યું કે, અમે તેલ અવીવ પાસે ઈઝરાયલી જાસૂસ એજન્સી મોસાદના હેડક્વાર્ટર પર બેલિસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો કર્યો છે. સંગઠને કહ્યું કે, લેબનોનમાં તાજેતરમાં થયેલા હુમલાની યોજના મોસાદ હેડક્વાર્ટરમાં જ બનાવવામાં આવી હતી. આ પહેલી વખત છે જ્યારે હિઝબુલ્લાહે લગભગ એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં બેલિસ્ટિક મિસાઈલ હુમલાનો દાવો કર્યો છે. 

હિઝબુલ્લાહે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, સંગઠને 25 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 6:00 વાગ્યે તેલ અવીવના બાહરી વિસ્તારમાં મોસાદના હેડક્વાર્ટરને નિશાન બનાવીને 'કાદર 1' બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. ગત અઠવાડિયે લેબનોનમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, નેતાઓની હત્યા અને પેજર તથા વાયરલેસ ઉપકરણોમાં બ્લાસ્ટ માટે મોસાદ જ જવાબદાર છે. આ હુમલો ગાઝાના લોકોના સમર્થનમાં અને લેબનોન અને તેના લોકોની રક્ષા કરવા માટે કરવામાં આવ્યો છે. 

જોકે આ હુમલાથી મોસાદના હેડક્વાર્ટરને કોઈ નુકસાન નથી થયું કારણ કે ઈઝરાયલે પોતાની ડેવિડ સ્લિંગ નામની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા મિસાઈલને હવામાં જ નષ્ટ કરી દીધી હતી. તે એક મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે, જેને ઓછા અંતરની મિસાઈલોને અટકાવવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. IDFનું કહેવું છે કે જ્યાં મિસાઈલો છોડવામાં આવી હતી ત્યાં એર સ્ટ્રાઈક કરી અને લોન્ચરને તબાહ કરી દીધા. આ પહેલીવાર છે જ્યારે હિઝબુલ્લાહે તેલ અવીવમાં હુમલો કર્યો છે. મોસાદનું નામ વિશ્વની સૌથી ખતરનાક ગુપ્તચર એજન્સીઓમાં આવે છે.

હિઝબુલ્લાહે પ્રથમ વખત બેલિસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો

સૈન્ય વિશ્લેષક રિયાદ કહવાજીએ કહ્યું કે આ પહેલી વખત છે જ્યારે હિઝબુલ્લાહે ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. તેમણે કહ્યું કે, આ મિસાઈલો ઈરાનમાં બનેલી છે. ઉલ્લેખનીય છે કે  પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ગત વર્ષે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલા બાદ હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે ગોળીબાર ચાલુ છે. હમાસના હુમલાથી ગાઝામાં છેડાયેલા જંગમાં મિડલ ઈસ્ટમાં હિઝબુલ્લાહ સહિત અન્ય ઈરાન સમર્થિત આતંકવાદી જૂથો સામેલ થઈ ગયા છે. 

બે દાયકાનો સૌથી ઘાતક હુમલો

તાજેતરમાં જ ઈઝરાયલે ગાઝાથી ધ્યાન હટાવીને લેબનોનમાં મોટી લડાઈ શરૂ કરી દીધી છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સોમવારે ઈઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 558 લોકો માર્યા ગયા હતા. લેબનોને તેને 1975-90ના ગૃહ યુદ્ધ પછી દેશમાં હિંસાનો સૌથી ઘાતક હુમલો ગણાવ્યો હતો. 


Google NewsGoogle News