હીઝબુલ્લાહનું ઇઝરાયેલને આખરી નામું : યુ.એસે ઇઝરાયેલને બચાવવા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે
- પાઉડર કેગ પર જામગરી લટકે છે : વિશ્વ ચિંતાતુર
- 40,000 સૈનિકો 12 યુદ્ધ જહાજો 4 ફાઇટર સ્ક્વોડન્સ મધ્ય પૂર્વમાં તૈનાત કરવામાં આવ્યાં છે : પેન્ટાગોનના પ્રવક્તા સાબ્રિતા સિંઘ
નવી દિલ્હી : પેજર્સ અને વૉકી ટોકીના થયેલા વિસ્ફોટોથી લેબેનોનમાં છેલ્લા બે દિવસમાં ઓછામાં ઓછા ૩૭નાં મોત થયાં, અને ૩,૦૦૦થી વધુ લોકો ઘાયલ થતાં મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત તંગ બની રહી છે.
માર્યા ગયેલાઓમાં ઇરાનનું પીઠબળ પામેલાં હિઝબુલ્લાહ જૂથના ૨૫ સભ્યો સમાવિષ્ટ છે. હિઝબુલ્લાહ, હમાસ આતંકીઓના સાથી છે, તે સર્વવિદિત છે. ગત વર્ષની ૭મી ઓક્ટોબરથી હમાસ ઇઝરાયલ યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે, જે ૧૧ મહિના પછી પણ શમવાનું નામ લેતું નથી ઉલટાનું વકરતું જાય છે.
આ પેજર એન વૉકી ટોકી દ્વારા થયેલા હુમલા માટે હીઝબુલ્લાહે ઇઝરાયલને જવાબદાર કહ્યું છે. આ યુદ્ધ અને તેમાં ઉભા થઇ રહેલા તેમ જ ઉભા થવાની શક્યતા ધરાવતા મુદ્દાઓ વિચારીએ તો,
(૧) હવે આ વિસ્તારમાં વ્યાપક યુદ્ધ ફાટી નીકળવાનું છે તેવી ગણતરી બાંધી ઇઝરાયલની સેનાએ ગુરૂવારે જ લેબેનોનમાં સેંકડો નિશાનો ઉપર તાકી તાકીને આક્રમણ શરૂ કરી દીધું છે.
(૨) આ સ્ટ્રાઇકમાં સેંકડો રોકેટ લોન્ચર્સનો નાશ કરવામાં આવ્યો હતો, તેમજ ત્રાસવાદીઓની અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર સાઇટસનો પણ નાશ કરાયો હતો.
(૩) હીઝબુલ્લાહે પણ કબુલ્યું હતું કે આ તેમની ઉપર થયેલો અભૂતપૂર્વ હુમલો હતો, સંચાર વ્યવસ્થા તૂટી ગઇ છે.
(૪) આ હુમલા પછી આપેલાં પહેલાં જ વક્તવ્યમાં હીઝબુલ્લાહના નેતા હસન નરુરલ્લાહે કહ્યું હતું કે પેજર્સ અને વૉકી ટોકી દ્વારા કરાયેલા આ હુમલાઓએ તમામ લાલ રેખાઓ તોડી નાખી છે, પરંતુ અમે ઇઝરાયલ પર જબરજસ્ત વળતો હુમલો કરીશું. તે વાસ્તવમાં પેલેસ્ટાઇનીઓનાં સમર્થનમાં જ હશે. નરૂલ્લાએ આ હુમલાઓને નૃશંસ હત્યાકાંડ સમાન કહેતાં ઇઝરાયલનાં આ પગલાંને યુદ્ધની જ કાર્યવાહી સમાન ગણાવ્યું હતું એ કહ્યું હતું કે દુશ્મનોએ કાનૂન તેમજ નીતિમત્તાની તમામ મર્યાદાઓ તોડી નાખી છે. આથી તેનો કટ્ટર સામનો કરવો જોઇએ અને તેને યોગ્ય શિક્ષા પણ આપવી જોઇએ.
ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન ઑચેવ ગેવાન્ટેકે હીઝબુલ્લાહ જેવાં ત્રાસવાદી સંગઠનો ઉપરનાં પગલા (યુદ્ધ) ચાલતું જ રહેશે.
પેજર અને વૉકી ટોકી દ્વારા કરાયેલા હુમલાઓ, યુદ્ધનું એક નવું પરિમાણ છે.
અમેરિકાએ કહ્યું તે વિસ્ફોટ થયા પૂર્વે ઇઝરાયલે અમારા સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિનને જણાવ્યું હતું કે થોડા સમયમાં અમે નવી લશ્કરી કાર્યવાહી કરવાના છીએ પરંતુ તે કાર્યવાહી વિષે માટે કશું વિશેષત: કહ્યું ન હતું.
અમેરિકાએ તેટલું તો સ્વીકાર્યું જ હતું કે તે હુમલા શરૂ થયા ત્યારે અમોને વોકી ટોકી રેડીયો કે પેજર્સ દ્વારા કરાયેલાં આ આક્રમણની પૂર્વ માહિતી ન હતી
અમેરિકાએ ઇઝરાયલનાં રક્ષણ માટે ૪૦,૦૦૦ સૈનિકો ડઝનેક યુદ્ધ જહાજો અને ચાર એરફોર્સ સ્ક્વોડન્સ મધ્ય પૂર્વમાં તૈનાત કરી દીધા છે.
નિરીક્ષકો કહે છે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જાણે પાઉડર કેગ ઉપર જામગરી લટકે છે. વિશ્વ ચિંતાતુર બન્યું છે.