હીઝબુલ્લાહ ચીફ હસન નસરૂલ્લાહ મૃત્યુ પામ્યો છે બૈરૂત પરના હુમલામાં તેનું મોત થયું છે : ઈઝરાયલ
- 32 વર્ષથી હીઝબુલ્લાહનું નેતૃત્વ સંભાળતા નસરૂલ્લાહની સાથે તેની પુત્રી ઝૈનાબ અને એક હીઝબુલ્લાહ કમાન્ડર અલિ કારસી પણ મૃત્યુ પામ્યાં છે
જેરૂસલેમ : ઈઝરાયલી સેનાએ આજે (શનિવારે) સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે ઈરાનનાં પીઠબળવાળા હીઝબુલ્લાહ જૂથનું ૩૨ વર્ષથી નેતૃત્વ સંભાળનાર હસન નસરૂલ્લાહ આજના પ્રચંડ બોમ્બ હુમલામાં મૃત્યુ પામ્યો છે. તેની સાથે તેની પુત્રી ઝૈનાબ અને એક હીઝબુલ્લાહ કમાન્ડર અલિ કારસી પણ મૃત્યુ પામ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી હીઝબુલ્લાહ ઈઝરાયલ પર મિસાઇલ વર્ષા કરી રહ્યા હતાં તે સામે ઈઝરાયલે પ્રચંડ બોમ્બ વર્ષા શરૂ કરી દીધી હતી. પરિણામે બૈરૂત પણ લગભગ ખંડેર બની ગયું છે. દક્ષિણ બૈરૂત સ્થિત હીઝબુલ્લાહનું મુખ્ય મથક આજે ઈઝરાયલના લક્ષ્ય પર રહ્યું હતું. તેણે પ્રચંડ તેવા બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા.
ઈઝરાયલની સેનાએ 'X' પર કરેલા પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'હસન નસરૂલ્લાહ હવે જગતને ત્રાસ આપી નહીં શકે.'
ઈઝરાયલી સૈન્યે વધુમાં કહ્યું હતું કે નસરૂલ્લાહ અનેક ઈઝરાયલીઓના મૃત્યુ માટે જવાબદાર છે. તેણે માત્ર સૈનિકોની જ હત્યા કરાવી છે તેવું નથી, અનેક નિર્દોષ નાગરિકોની પણ હત્યા કરાવી છે. તેણે જ આ યહૂદી રાજ્ય ઉપર સેંકડો ત્રાસવાદી હુમલાઓનું આયોજન કર્યું હતું. હીઝબુલ્લાહના તમામ વ્યૂહાત્મક નિર્ણયો તેના કહેવાથી જ લેવાતા હતા, તે ખતરનાક રણનીતિકાર પણ હતો.
ઈઝરાયલી સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે જે કોઈ ઈઝરાયલના નાગરિકોને નુકસાન થાય, તે તમામ સામે અમે તેટલી જ તાકાતથી કામ લેશું.
આ પૂર્વે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને કરેલા સંબોધનમાં ઈઝરાયલી વડાપ્રધાન નેતાન્યુહૂએ કહ્યું હતું કે જ્યાં સુધી હીઝબુલ્લાહ યુદ્ધનો માર્ગ અખત્યાર કરશે ત્યાં સુધી વળતા પ્રહારો કર્યા સિવાય અમારી પાસે અન્ય કોઈ માર્ગ જ નહીં રહે. તે ભય દૂર કરવાનો ઈઝરાયલને પૂરો અધિકાર છે. અમારા નાગરિકો તેઓનાં (ઉત્તર ઈઝરાયલમાં રહેલાં) નિવાસસ્થાને પાછા ફરી શકે તે જોવાનો પણ અમને અધિકાર છે.
જોકે નેતાન્યાહૂ બોલવા ઊભા થયા ત્યાં જ કેટલાયે દેશોનાં પ્રતિનિધિ મંડળો સભા ત્યાગ કરી ગયા હતા. માત્ર ઉત્તરના પત્રકાર કક્ષ અને પ્રેક્ષક કક્ષમાં જ કેટલાક બેસેલા જોવા મળતા હતા.