હિજબુલ્લાહ અને હમાસ પાસે છે ૧.૫૦ લાખ લડવૈયાઓ ઇઝરાયેલે લડવી પડી શકે છે લાંબી લડાઇ
મધ્યપૂર્વના દેશો સીરિયા,ઇરાન અને લીબિયાથી ભારે શસ્ત્રોની મદદ મળે છે
લેબનોનમાં ઇરાન સમર્થિત હિજબૂલ્લાહ સંગઠનની સરકાર ચાલે છે
તેલઅવિવ,૧૦ ઓકટોબર,૨૦૨૩,બુધવાર
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સેસ હમાસ સંગઠનના આતંકીઓ પર કડક કાર્યવાહી કરી રહયું છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જયાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ ના થાય ત્યાં સુધી પેલેસ્ટાઇન અને ગાજાપટ્ટી વિસ્તારમાં કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.જો કે નિષ્ણાતોનું માનવું છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે આમ તો સંરક્ષણની દ્વષ્ટીએ સરખામણી થઇ શકે તેમ નથી.
ઇઝરાયેલ દુનિયામાં ટોચની પ્રશિક્ષિત સેના ધરાવે છે જે હાઇટેક યુધ્ધ લડવા માટે સક્ષમ છે. તેમ છતાં હમાસનો વ્યાપ અને તૈયારીઓ જોતા ઇઝરાયેલે એક લાંબી લડાઇ લડવી પડી શકે છે. ઇઝરાયેલની ડીફેન્સ ફોર્સિસ (આઇડીએફ) પાસે ૧૬૯૫૦૦ સૈનિકો અને અધિકારીઓ છે. બ્રિટનની ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયૂટ ફોર સ્ટ્રેટજિક સ્ટડીઝના જણાવ્યા અનુસાર ઇઝરાયેલની ભૂમિ સેના પાસે ૧૨૬૦૦૦ ચુનંદા સૈનિકો છે.
આ ઉપરાંત ઇઝરાયેલ પાસે ૪ લાખ રિઝર્વ સૈનિકો છે. હમાસના હુમલા પછી ૩૬૦૦૦૦ સૈનિકોને ફરજ પર બોલાવી લેવામાં આવ્યા છે. ઇઝરાયેલ પાસે ટેકનિકની દ્વષ્ટીએ સૌથી ઉચ્ચકક્ષાના ડિફેન્સ ઇકવીપમેંટ છે જેમાં આયરન ડીમ એન્ટી મિસાઇલ સિસ્ટમ પણ સામેલ છે. આઇઆઇએસએસના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ પાસે ૧૩૦૦ ટેંક,બખતરબંઘ ગાડીઓ, ૩૪૫ ફાઇટર પ્લેન,તોપો, ડ્રોન અને સબમરીનો છે.
ઇઝરાયેલને ઓફિશિયલી પરમાણુ શસ્ત્રો ધરાવતો દેશ ગણવામાં આવતો નથી તેમ છતાં ૮૦ થી ૯૦ જેટલા અણુશસ્ત્રો હોવાનું માનવામાં આવે છે. અમેરિકા હાલમાં ઇઝરાયેલને દર વર્ષે ૩.૮ અબજ ડોલરની સૈન્ય મદદ કરે છે. ૧૦ વર્ષ સુધી જે કરાર ચાલે છે તે ૨૦૨૮ સુધી ચાલતી રહેશે. અમેરિકા ઇઝરાયેલને શસ્ત્રોની મદદ કરતું રહે છે.
કોઇ પણ પડકારનો સામનો કરવા માટે અમેરિકાએ વિમાનવાહક બે યુધ્ધ જહાજો પૂર્વી ભૂમધ્યસાગરમાં તૈનાત કર્યા છે. યુએસએ આઇઝેનહોવર અને યુએસએસ જેરાલ્ડ ફોર્ડ દુનિયાના સૌથી જંગી જહાજમાં એક ગણાય છે. માત્ર હમાસ જ નહી પરંતુ સહયોગી ઇરાન અને હિજબુલ્લાને ધ્યાનમાં રાખીને ગોઠવણ કરવામાં આવી છે. હમાસની વાત કરીએ તો આતંકી સંગઠને સશસ્ત્ર સેના તૈયાર કરી છે જેનું નામ અલકાસિમ બ્રિગેડ છે જેમાં આઇઆઇએસએસના ૧૫૦૦૦ લોકો છે.
કેટલાક અરબ મીડિયા આ સંખ્યાને ૪૦ હજાર જેટલી દર્શાવે છે. તેમની પાસેના ભારે શસ્ત્રોનો સ્ત્રોત મધ્યપૂર્વના દેશો છે જેમાં ઇરાન,લીબિયા અને સીરિયાનું નામ આવે છે. હમાસ પાસે ચીની બનાવટના હેડગન અને અસોલ્ટ રાઇફલો પણ છે.હમાસ પાસે વિસ્ફોટકો, દેશી બનાવટના રોકેટ,સુરંગો,એન્ટી ટેંક મિસાઇલ, મોર્ટાર શેલ અને ગ્રેનેડ લોન્ચરનો પણ સમાવેશ થાય છે.
ઇઝરાયેલને પેલેસ્ટાઇનના હમાસ જ નહી લેબનોનના હિઝબુલ્લાહ સંગઠન સાથે પણ લડાઇ શરુ થઇ છે. લેબનોનમાં ઇરાન સમર્થિત જૂથ હિજબુલ્લાહનું શાસન છે. ૨૦૨૧માં આ જૂથ પાસે ૧ લાખ લડવૈયાઓ હોવાનો દાવો કરવામાં આવે છે. હિજબુલ્લાહ પાસે ૨૦ હજાર ઉચ્ચ ટેકનિકથી પ્રશિક્ષિત લડવૈયાઓ અને ૫૦૦૦૦ જેટલા રિઝર્વ સૈનિકો છે, જો હિજબુલ્લાહ અને હમાસ હાથ મિલાવી લે તો ઇઝરાયેલે બંને મોરચે પડકારોનો સામનો કરવો પડશે. હમાસને કેટલાક આરબ દેશો જયારે હિજબુલ્લાહને ઇરાનનું સમર્થન છે.