ફ્રાન્સનો સૌથી શક્તિશાળી, અફઘાનિસ્તાનનો સૌથી નબળો પાસપોર્ટ
ફ્રાન્સના પાસપોર્ટથી 194 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી જ્યારે અફઘાનિસ્તાનના પાસપોર્ટથી માત્ર 28 દેશ
ભારતનો પાસપોર્ટ દુનિયામાં 85મા ક્રમે છે, 62 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી મળે છે
Henley Passport Index 2024: દુનિયામાં કોઈપણ દેશમાં જવા માટે સૌથી પહેલાં વીઝાની જરૂર પડતી હોય છે. આ વીઝા માટે પાસપોર્ટની ખાસ જરૂર પડે છે. આ પાસપોર્ટ ખરેખર કેટલો શક્તિશાળી છે તેના વિશે ક્યારેય વિચાર્યું છે. દુનિયાના કયા દેશોનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે જ્યારે દુનિયાના કયા દેશોનો પાસપોર્ટ સૌથી નબળો છે તેની ખરેખર કેટલાને જાણ છે. હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા તાજેતરમાં 2024નો પાસપોર્ટ ઈન્ડેક્સ જારી કરવામાં આવ્યો છે. આ ઈન્ડેક્સમાં દુનિયાના સૌથી શક્તિશાળી અને સૌથી નબળા એવા 104 દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી તૈયાર કરનારા જાણકારો જણાવે છે કે, 2006ની સાલ સુધી વિશ્વની સ્થિતિ એવી હતી કે, ગણતરીના દેશોના પાસપોર્ટ ઉપર 58 દેશોમાં વીઝા ફ્રી ફરી શકાતું હતું. તે વધીને સમયાંતરે 111 સુધી પહોંચ્યું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તાજેતરમાં જારી થયેલા પાસપોર્ટ ઈન્ડેક્સમાં આ આંકડો 194 દેશ સુધી પહોંચી ગયો છે.
પાસપોર્ટ ઈન્ડેક્સમાં યુરોપના દેશોને પણ મોખરાનું સ્થાન
જાણકારોના મતે જાપાન અને સિંગાપુર તો આ યાદીમાં છેલ્લાં પાંચ વર્ષથી મોખરે હતા જ પણ હવે યુરોપના દેશોને પણ મોખરાનું સ્થાન મળ્યું છે. ફ્રાન્સ આ વર્ષની યાદીમાં 194 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી મુદ્દે ટોચના સ્થાને છે. ફ્રાન્સ બાદ જર્મની, ઈટાલી અને સ્પેનને પણ ટોચનું જ સ્થાન મળેલું છે. ત્યારબાદ જાપાન અને સિંગાપુર પણ ટોચના સ્થાને રહ્યા છે. આ તમામ દેશોના પાસપોર્ટ ધરાવનારા લોકોને 194 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી મળે છે. આ મુદ્દે તેઓ દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશો છે. બીજી તરફ એવા પણ દેશો છે જે યુદ્ધ, ગૃહયુદ્ધ, આતંકવાદ અને આર્થિક પડતી જેવા મુદ્દે પીડાઈ રહ્યા છે. આવા દેશોના પાસપોર્ટને દુનિયાના સૌથી નબળા પાસપોર્ટ ધરાવતા દેશો જાહેર કરાયા છે. દુનિયાના સૌથી નબળા પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં અફઘાનિસ્તાન મોખરે છે. અફઘાનિસ્તાનના પાસપોર્ટ ઉપર માત્ર 28 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી મળે છે. તેની જેમ જ સિરિયા, ઈરાક, પાકિસ્તાન અને યેમેનની સ્થિતિ છે. આ બધા દેશો સૌથી નબળા પાસપોર્ટ ધરાવતા ટોચના પાંચ દેશો છે.
કોરોના મહામારી પછી ટૂરિઝમ વધારવા સ્થિતિ બદલાઈ
પાસપોર્ટ અને વીઝા ફ્રી એન્ટ્રી મુદ્દે કોરોના મહામારી પહેલાં દેશો થોડા વધારે જ કડક અને નિયમોમાં માનનારા હતા. કોરોના મહામારી બાદ વૈશ્વિક સ્તરે ટ્રાવેલિંગની સ્થિતિ બદલાઈ અને ટૂરિઝમ સેક્ટરને ખૂબ જ મોટો ફટકો પડયા બાદ દેશો દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. કોરોના ફેલાવા અંગે હંમેશા શંકાના દાયરામાં રહેલા ચીન દ્વારા જ યુરોપના કેટલાક મોટો દેશો સહિત 50થી વધુ દેશોને વીઝા ફ્રી એન્ટ્રી આપવાની પહેલ કરવામાં આવી હતી. કોરોના મહામારી બાદ ચીન દ્વારા લેવાયેલા આ પગલાંનું દુનિયાના ઘણા દેશો દ્વારા અનુસરણ કરવામાં આવ્યું હતું. ટૂરિઝમ સેક્ટરને કોરોના મહામારી પછી ધબકતું રાખવા માટે યુરોપના દેશો દ્વારા વીઝા ફ્રી એન્ટ્રીનું ચલણ વધારવામાં આવ્યું હતું. તેના પગલે જ વિશ્વમાં વીઝા ફ્રી એન્ટ્રી વિશેની સ્થિતિ અને માન્યતામાં મોટાપાયે પરિવર્તન જોવા મળ્યું. જર્મની અને સિંગાપુરની જ વાત કરીએ તો છેલ્લાં આઠ વર્ષમાં તેણે 35 નવા દેશોને વીઝા ફ્રી એન્ટ્રી આપી છે.
સિરિયાની સ્થિતિ ગૃહયુદ્ધ બાદ અત્યંત વિકટ બની ગઈ
સિરિયા પણ સૌથી નબળો પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં આવે છે. તે આ યાદીમાં બીજા ક્રમે છે. તેના નાગરીકોને 29 દેશોમાં વીઝા ફ્રી પ્રવેશ મળે છે. આ આંકડો ખાસ સારો નથી. તેની પાછળ રાજકીય અને ઈન્ટરનેશનલ જીયો પોલિટિકલ પરિબળો ખૂબ જ ભાગ ભજવી રહ્યા છે. જાણકારોએ નોંધ્યું છે કે, 2011માં સિરિયામાં ગૃહયુદ્ધની સ્થિતિ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2.25 કરોડથી વધારે લોકોએ પલાયન કર્યું છે. આ ઉપરાંત અસાદ સરકાર દ્વારા અબજો ડોલરનો ઉપયોગ ડ્રગ અને હથિયારોના વેપાર માટે જ કરવામાં આવ્યો હોવાથી દેશની આર્થિક, સામાજિક સ્થિતિ પણ અત્યંત કફોડી છે. ત્યારબાદ ઈરાકના નાગરિકોની સ્થિતિ પણ એવી જ છે. અમેરિકા સામે બાથ ભીડનારા ઈરાકના નાગરિકોને 31 દેશોમાં જ સીધો પ્રવેશ છે. 34 દેશો જ પાકિસ્તાનીઓને પોતાના દેશમાં વીઝા વગર આવવા દેવા તૈયાર છે. તેવી જ રીતે યેમેનના લોકોને 35 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી મળી રહી છે. નબળા પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં આ પાંચ મોખરે આવતા દેશો છે. નેપાળના લોકોને 40 જ્યારે નોર્થ કોરિયાના લોકોને 42 દેશો સીધો પ્રવેશ આપે છે. નવાઈની વાત એ છે કે, નોર્થ કોરિયાના લોકો ભાગ્યે જ વિદેશ જાય છે છતાં 42 દેશો તેમને વીઝા વગર પ્રવેશ આપવા તૈયાર છે. લિબિયા, પેલ્સ્ટાઈનની સ્થિતિ પણ તેવી જ છે.
એક દાયકામાં વેનેઝુએલાના ક્રમમાં થયો સૌથી મોટો ઘટાડો
પાસપોર્ટની ક્ષમતા અને સ્થિતિ જોવામાં આવે તો ઘણા દેશોના પાસપોર્ટમાં એક દાયકામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. તેમના વૈશ્વિક રીતે મજબૂત પાસપોર્ટની યાદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ફેરફારની યાદીમાં સૌથી પહેલાં નામ આવે છે વેનેઝુએલા. 2014ના અંત બાદ અહીંયા શરૂ થયેલી રાજકીય, આર્થિક અને અન્ય સમસ્યાઓને પગલે આ દેશના પાસપોર્ટની સ્થિતિમાં ઘટાડો થવા લાગ્યો. છેલ્લાં એક દાયકામાં વેનેઝુએલાનો પાસપોર્ટ 21 સ્થાનના ઘટાડા સાથે નીચે આવી ગયો છે. તે 26મા સ્થાનેથી ગગડીને 2024માં 4૭મા સ્થાને આવી ગયો છે. નાઈજિરિયાના સ્થાનમાં 16 ક્રમનો જ્યારે યેમેનના સ્થાનમાં પણ 15 ક્રમનો ઘટાડો નોંધાયો છે. તુર્કી અને સિરીયા પણ વૈશ્વિક પરિબળોને પગલે અનુક્રમે 14-14 સ્થાન નીચે પહોંચી ગયા છે. યુક્રેન સાથે યુદ્ધ કરીને વૈશ્વિક નારાજગી વહોરી લેનારા રશિયાના ક્રમમાં પણ 13 અંકનો ઘટાડો થયો છે. નવાઈની વાતે એવી છે કે, તેનો લાભ યુક્રેનને થયો છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા યુક્રેનના નાગરિકોને વીઝા મુદ્દે વત્તા ઓછા પ્રમાણમાં છૂટાછાટ આપીને તેમના દેશોમાં પ્રવેશ અપાય છે પણ રશિયનો માટે વલણ કડક બનાવાયું છે. સેનેગલ પણ 13 ક્રમ નીચે જતું રહ્યું છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા અને માલીને પણ વૈશ્વિક યાદીમાં 12 ક્રમનું નુકસાન ગયું છે.
યુરોપના દેશોએ સુધારા કરતા અમેરિકા અને બ્રિટન પછડાયા
પાસપોર્ટ અને વીઝા અંગે કામ કરતા જાણકારોના મતે આ વર્ષે વીઝા ફ્રી એન્ટ્રીની યાદીમાં છ દેશો મોખરાના સ્થાને આવ્યા છે જ્યારે ચાર દેશો બીજા સ્થાને આવ્યા છે. આમ કુલ બે ક્રમમાં જ દસ દેશોનો સમાવેશ થઈ ગયો છે. છ પ્રકારની વિશેષ સંધીઓ દેશો દ્વારા કરવામાં આવતી હોય છે જેના પગલે વધારે સંખ્યામાં વીઝા ફ્રી એન્ટ્રી થઈ શકે છે. ટોચના સ્થાને આવેલા ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપુર અને સ્પેન દ્વારા આ સંધીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જાણકારો જણાવે છે કે, એક સમય હતો જ્યારે અમેરિકા અને બ્રિટનના પાસપોર્ટ ધારકોને દબદબો હતો. આ બંને દેશોના પ્રવાસીઓને ઘણી સુવિધાઓ મળતી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. હવે અમેરિકા અને બ્રિટન પછડાયા છે. યુરોપના નાના દેશો દ્વારા કરવામાં આવેલા સુધારાએ તેમને અગ્રેસર બનાવ્યા છે. બ્રિટન હવે વીઝા ફ્રી એન્ટ્રી માટે મજબૂત પાસપોર્ટની યાદીમાં ચોથા સ્થાને જ્યારે અમેરિકા તો સાતમા સ્થાને પહોંચી ગયા છે. સીધી ગણતરી કરવામાં આવે તો બ્રિટન 18મા અને અમેરિકા 28મા સ્થાને છે. દરેક સ્થાન ઉપર એક કરતા વધારે દેશો હોવાથી આ સ્થિતિ છે. ડેનમાર્ક, આયર્લેન્ડ, નોર્વે, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ જેવા દેશો અમેરિકા કરતા ઘણા આગળ નીકળી ગયા છે.
2025થી અમેરિકનોને યુરોપ જવા વીઝા લેવા પડશે
વીઝા અને પાસપોર્ટની બાબતમાં તાજેતરમાં આવેલા સુધારા અને નિયમોમાં ફેરફારે એક નવી જ પરિસ્થિતિને જન્મ આપ્યો છે. અમેરિકાના નાગરિકોને અત્યાર સુધી યુરોપના દેશોમાં ફરવામાં બધા જ સ્થળે વીઝા લેવાની જરૂર પડતી નહોતી. હવે એ સ્થિતિ પલટાઈ ગઈ છે. અમેરિકનોને 2025થી યુરોપનો પ્રવાસ કરવા માટે વીઝા લેવાની જરૂર પડશે. જાણકારોના મતે ગણતરીના કલાકો અથવા તો દિવસોમાં આ કામ પૂરું થઈ જશે પણ હવે વીઝા લેવા માટે પ્રોસેસ કરવી પડશે. અમેરિકનોને વીઝા ફ્રી એન્ટ્રી નહીં મળે. કેનેડા, મેક્સિકો અને સાઉથ અમેરિકાના લોકોએ પણ વીઝા માટે અરજી કરવી પડશે. એક બાબત સારી છે કે, વીઝા જારી કરવામાં આવશે તે ત્રણ વર્ષ સુધી માન્ય હશે. બીજી તરફ ઈન્ડોનેશિયા દ્વારા 20થી વધુ દેશોને વીઝા ફ્રી એન્ટ્રી આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. ટૂરિઝમ સેક્ટરને બળ પૂરું પાડવા માટે આ પગલાં લેવાઈ રહ્યા છે. ખાસ કરીને એશિયાનો આ બીજો દેશ હશે જે ચીનને આ સુવિધા આપવાનું વિચારી રહ્યો છે. સિંગાપુર દ્વારા ચીની નાગરિકોને વીઝા ફ્રી એન્ટ્રી આપી દેવાઈ છે. થાઈલેન્ડ અને મલેશિયા દ્વારા પણ ટૂરિઝમને વધુ વિકસાવવા નવા પગલાં લેવાય તેવું દેખાઈ રહ્યું છે.
2006થી ભારતના સ્થાનમાં સતત ઘટાડો જ દેખાયો છે
વૈશ્વિક સ્તરે વીઝા ફ્રી એન્ટ્રીની વાત કરીએ તો ભારતનું સ્થાન સતત પડતીમાં જ રહ્યું છે. 2006થી 2024 સુધીની આંકડા જણાવે છે કે, ભારતનું સ્થાન અને સ્તર સતત કથળતું રહ્યું છે. 2006માં ભારત ૭1મા સ્થાને હતો જ્યારે 2024માં પાસપોર્ટ મુદ્દે ભારત 85મા સ્થાને આવી ગયો છે. જાણકારોમાં ચર્ચા છે કે, એશિયાના ટોચના મજબૂત દેશોમાં સ્થાન ધરાવનારા ભારતના પાસપોર્ટની વાત આવે ત્યારે તે ચીન કરતાં પણ ઘણો પાછળ છે. ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ આગેકૂચ કરી રહ્યો છે, ભારતમાં ક્રાંતિ થઈ રહી છે, ભારત દુનિયા માટે વિશ્વગુરુ બની રહ્યો છે તે બધી જ વાતો તેના સ્થાને છે પણ જ્યારે ભારતીયોને વિદેશ જવાની વાત આવે છે ત્યારે માત્ર 62 દેશો જ તેમને વીઝા વગર પ્રવેશ આપે છે. વર્તમાન સ્થિતિમાં 206 દેશો ઉપર કુલ અભ્યાસ કરાયો હતો જેમાંથી 164 દેશોએ ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી આપી નથી. 30 જેટલા દેશોએ વીઝા ઓન અરાઈવલની સુવિધા આપી છે. બીજી તરફ 26 દેશોએ ઈ-વીઝાની સુવિધા આપી છે. ચીનની વાત કરીએ તો તે આ યાદીમાં 64મા સ્થાને છે. તેના નાગરિકોને 86 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવી રહી છે.
અફઘાનીઓને માત્ર 12 ટકા દેશોમાં જ સીધો આવકાર
વિશ્વના નબળા પાસપોર્ટની વાત આવે ત્યારે અફઘાનિસ્તાન, સિરિયા, ઈરાક, પાકિસ્તાન અને યેમેન જેવા દેશો ખૂબ જ ચર્ચામાં આવે છે. આતંકવાદ, નબળી આર્થિક નીતિ, ટેલેન્ટનો અભાવ, ગૃહયુદ્ધની સ્થિતિ, નબળું રાજકારણ અને સરહદો ઉપર ચાલતા સંઘર્ષોને કારણે આ દેશોના નાગરિકોને ઘણું સહન કરવું પડી રહ્યું છે. સૌથી નબળા પાસપોર્ટમાં અફઘાનિસ્તાન ટોચના ક્રમે છે. વૈશ્વિક યાદીમાં પાસપોર્ટના મુદ્દે તે 104મા નંબરે આવે છે. તેના નાગરિકોને માત્ર 28 દેશોમાં જ વીઝા ફ્રી એન્ટ્રી છે. દુનિયાના વીઝા ફ્રી એન્ટ્રી આપતા દેશોમાંથી માત્ર 12 ટકા દેશો જ તેમને આવકારે છે. જાણકારોના મતે આ તફાવત ખૂબ જ મોટો છે. એક તરફ જાપાનને 85 ટકા વિશ્વના દેશો વીઝા ફ્રી એન્ટ્રી આપે છે તેની સામે અફઘાનિસ્તાનનો આંકડો ખૂબ જ નાનો છે. જાણકારો એવું પણ કહી રહ્યા છે કે, તેની પાછળ રાજકીય પરિબળ પણ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. 2021માં અફઘાનિસ્તાનની બાગડોર તાલિબાનોના હાથમાં આવ્યા બાદ તેના વિશેની વૈશ્વિક વિચારધારમાં પણ વિશાળ પરિવર્તન આવ્યું છે.