રશિયાના પૂર્વતમ્ છેડે રહેલી વાયકાઝેસ્ટ દ્વિપકલ્પમાં જ્વાળામુખી પાસે હેલિકોપ્ટર તૂટી પડયું : 22 લાપત્તા
- આ Mi-8T પ્રકારનું હેલિકોપ્ટર વાયકાઝેસ્ટ જ્વાળામુખી પાસેથી ઉડયા પછી સવારે ૭.૧૫ કલાકે તેની સાથે સંપર્ક તૂટી ગયો
મોસ્કો : ૩ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૨૨ વ્યક્તિઓને લઈ જતું રશિયાનું Mi-8T પ્રકારનું હેલિકોપ્ટર વાયકાઝેસ્ટ જ્વાળામુખી પાસે પહોંચ્યું ત્યારે ૭.૧૫ કલાકે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ અંગે સત્તાધીશોનું માનવું છે કે, તે હેલિકોપ્ટરમાં રહેલા ૩ ક્રૂ સહિત તમામ બાવીશે બાવીશ વ્યક્તિઓના જાન ગયા હશે.
આ અંગે રશિયાની સમાચાર સંસ્થા ''તાસ'' જણાવે છે કે તે હેલિકોપ્ટરની શોધ માટે અન્ય એરલાઇનના વિમાન રવાના કરાયા છે.
''તાસ'' વધુમાં જણાવે છે કે વિતયાઝ એરો વિમાન સેવાનું એ હેલિકોપ્ટર વાયકાઝેસ્ટ જ્વાળામુખી પાસેનાં ગામ નિકોલાયેવકા પાસેથી એરબોર્ન થયું હતું. આ ગામ જ્વાળામુખીની તળેટીથી ૨૫ કીમી દૂર આવેલું છે.
આ હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હોવાની માહિતી મળતાં રશિયન ઈમર્જન્સી મીનીસ્ટ્રીએ તુર્ત જ બચાવ ટુકડી સાથેનું એક વિમાન તે તરફ રવાના કર્યું હતું. દરમિયાન તપાસ સંસ્થા તે પણ જાણવા પ્રયત્ન કરી રહી છે કે તે હેલિકોપ્ટરે એર ટ્રાફિક સેફટી રૂલ્સનો કોઈ ભંગ કર્યો હતો કે કેમ ?
આ હેલિકોપ્ટરની શોધમાં કેટલીક કુદરતી આપત્તિઓ પણ અવરોધરૂપ બની છે. એ વિસ્તારમાં અત્યારે ગાઢ ધુમ્મસ છવાયેલું છે, તેમજ વરસાદ પણ વરસી રહ્યો છે.
આ દુર્ઘટના પૂર્વે આ વર્ષના જાન્યુઆરી માસમાં ઉત્તર અફઘાનિસ્તાનથી મોસ્કો તરફ જતું રશિયન ચાર્ટર પ્લેન પણ તૂટી પડયું હતું. પરંતુ તેમાં રહેલી ચાર વ્યક્તિઓનો અદ્ભૂત બચાવ થયો હતો. રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે મૂળ તો થાઈલેન્ડથી ઉપડેલું આ વિમાન અફઘાનિસ્તાનની ઉત્તરનાં એરપોર્ટ પર વિસામો લઈ મોસ્કો તરફ જતું હતું. તે ચાર્ટર્ડ એમ્બ્યુલન્સ વિમાન હતું. તેમાં ચાર ક્રૂ હતા બે અન્ય પ્રવાસીઓ હતા.