બોસ્નિયામાં ભારે હિમવર્ષાના લીધે ક્રિસમસે જ હજારો ઘરો અંધકારમાં ડૂબ્યાં
- ક્રોએશિયા-સર્બિયામાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ
- બોસ્નિયા, સર્બિયા અને ક્રોએશિયામાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો
સારાયેવો : ભારે હિમ વર્ષા અને જોરથી ફૂંકાતા પવનના લીધે યુરોપીયન દેશ બોસ્નિયામાં હજારો ઘરોએ ક્રિસમસે જ અંધકારમાં ડૂબી ગયા હતા અને તેમણે વીજવિહોણા રહેવું પડયુ હતુ. જ્યારે પડોશી દેશો ક્રોએશિયા અને સર્બિયામાં પણ ભારે હિમવર્ષા અને પવનના લીધે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાલ્કન સત્તાવાળાઓ હાલના વાતાવરણમાં મોટર પ્રવાસને લઈને સતત ટ્રાવેલ વોર્નિંગ જારી કરતાં રહ્યા છે. તેની સાથે તેમણે ઊંચા પહાડો પર ન જવા ચેતવણી આપી છે. પ્રવાસીઓને પણ ધ્યાન રાખવા કહેવાયું છે.
બોસ્નિયા, સર્બિયા અને ક્રોએશિયાએ તો ભારે વાહનોની હેરફેર પર પ્રતિબંધ લગાવી દીધો છે અને અસરગ્રસ્ત રસ્તાઓ પર બહુ જ મર્યાદિત પ્રમાણમાં ટ્રાફિક જવા દેવામાં આવી રહ્યો છે. એરપોર્ટને પણ બંધ કરી દેવાયા છે. બધી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને રિશેડયુલ કરવામાં આવી છે.
ભારે હિમવર્ષાના લીધે બોસ્નિયાના કેટલાય હિસ્સામાં રેલ્વે થંભી ગઈ છે. બોસ્નિયાની સરકારી વીજ કંપનીએ જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં તો સ્થિતિ અત્યંત ખરાબ છે. ભારે હિમવર્ષા અને જોરથી ફૂંકાતા પવનના લીધે કેટલીય જગ્યાએ વીજ વિતરણ લાઇન ધ્વસ્ત થઈ ગઈ છે. હજી પણ ભારે હિમવર્ષા ચાલતી હોવાથી વીજ વિતરણ લાઇનનું રિપેરિંગ પણ શક્ય નથી.
પ્રાદેશિક ટીવી ચેનલો બતાવતી હતી કે ભારે હિમવર્ષામાં કેટલાય વાહનો કલાકોના કલાકોથી રસ્તા પર અટવાયેલા રહ્યા છે. અમુક શહેરોના સત્તાવાળાઓએ તો સ્નો હટાવવા માટે ઇમરજન્સી જાહેર કરી છે. આના લીધે રીતસર અંધાધૂંધીનું વાતાવરણ છવાઈ ગયું છે.