પાકિસ્તાનના ગ્વાદરમાં ભારે વરસાદ, ૧૦ હજાર લોકોને રેસ્કયૂ કરાયા
૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ થતા જન જીવન અસ્તવ્યસ્ત
વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં કટોકટી જાહેર કરવામાં આવી
ગ્વાદર,૨૯ ફેબુ્આરી,૨૦૨૪,ગુરુવાર
પાકિસ્તાનમાં દરિયાઇ કાંઠાના ગ્વાદર શહેરમાં ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવ્યા અનુસાર મંગળ અને બુધવારે ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ થતા જન જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. શહેરના દક્ષિણ ભાગમાંથી અનેક પરિવારોને બોટમાં બેસાડીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
દુકાનો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.સ્થાનિક તંત્રના પ્રવકતાના જણાવ્યા અનુસાર ૧૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વરસાદ પ્રભાવિત નિચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓ અને અર્ધ સૈનિક બળોના જવાનોને જોતરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ગ્વાદર શહેરમાં છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી ભારે વરસાદ નોંધાયો છે. શુક્રવાર અને શનિવારે પણ ગ્વાદરમાં ભારે વરસાદ થવાની આગાહી છે.ગ્વાદર ઉપરાંત કેચ જિલ્લા અને બલૂચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.
ગ્વાદર જિલ્લાના પ્રશાસને વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારે પ્રમાણમાં કમોસમી વરસાદ જળવાયુ પરિવર્તનનું પરિણામ છે. શિયાળાની સિઝન વિદાય લઇ રહી છે ત્યારે પૂરની સ્થિતિ ખરેખર અસામાન્ય બાબત છે.