ઈરાનમાં થયેલા આતંકી હુમલામાં ભારે ખુવારી, 11 સૈનિકો અને આતંકીઓ સહિત 27ના મોત
Image: Twitter
ઈરાનમાં વિદ્રોહી સુન્ની બલૂચ જૂથ જૈશ અલ અદલે બુધવારે ઈરાનની સરહદ પરના ચાબહાર, રસ્ત અને સરબાઝમાં આવેલી સૈન્ય ચોકીઓ પર કરેલા હુમલામાં જાનહાનિના આંકડા પણ હવે સામે આવી રહયા છે.
આ હુમલામાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને મરનારામાં 11 ઈરાની સૈનિકો તેમજ આતંકવાદીઓનો સમાવેશ થાય છે.આ આતંકી હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસના બેઝને પણ ટાર્ગેટ કરવામાં આવ્યુ હતુ.એ પછી ઈરાનના સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે કલાકો સુધી અથડામણ ચાલી હતી. આ અથડામણમાં 10 સુરક્ષા કર્મીઓ ઘાયલ પણ થયા છે.
હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ અલ અદલ પહેલા પણ કહી ચુકયુ છે કે શિયા લોકોની બહુમતી ધરાવતા ઈરાનમાં લઘુમતી બલૂચી લોકોને અને સુન્ની લોકોને વધારે અધિકારો મળે તે માટે અમે લડી રહ્યા છે.
ઈરાનના મીડિયાનુ કહેવુ છે કે, કેટલાક આતંકવાદીઓએ આત્મઘાતી જેકેટ પણ પહેરેલા હતા.બે જગ્યાએ નાગરિકોને પણ બંધક બનાવામાં આવ્યા હતા.
આ આતંકી સંગઠન પાકિસ્તાનમાં સક્રિય છે.તેના આતંકવાદીઓ છાશવારે ઈરાનની સરહદમાં ઘૂસીને હુમલા કરે છે અને તક મળતા જ પાકિસ્તાનમાં જતા રહે છે.આ સંગઠનના હુમલાઓથી પરેશાન થઈને ઈરાને જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનમાં સંગઠનના આશ્રયસ્થાનો પર મિસાઈલો વડે વળતો પ્રહાર કર્યો હતો અને તેના કારણે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો હતો.