મેક્સિકોમાં 'હીટવેવ'થી 125ના મૃત્યુ કુલ 2300ને ડીહાઈડ્રેશન સનબર્ન થયા
- હજી સુધી આટલું પ્રચંડ ગરમી - મોજું અમે અનુભવ્યું નથી આ માત્ર પ્રચંડ જ નથી, લાંબો સમય ચાલ્યું છે : ડૉ. મેન્ડોઝા
મેક્સિકો સીટી : ભારતની જેવા જ 'મોન્સૂન રીજીયન' પ્રદેશ મેક્ષિકોમાં હજી વર્ષાઋતુ શરૂ થઈ નથી ત્યાં સુધીમાં ત્યાં ગરમીનું પ્રચંડ મોજું ફરી વળ્યું છે. ત્યાં 'સીવીયર હીટ વેવ'ને લીધે ૧૨૫ના મૃત્યુ થયાં છે. જ્યારે ૨૩૦૦થી વધુને ડીહાઈડ્રેશન (ઝાડા-ઉલ્ટી) અને સનબર્ન (અત્યંત ગરમીથી ચામડી પર પડેલાં ચાંઠા) થયા છે.
દક્ષિણ મેક્સિકોમાં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. કર્મચારીઓ વૃદ્ધોને વૃક્ષોની છાયા નીચે કે અન્ય છાયાવાળા વિસ્તારોમાં સાયકલ ઉપર પણ બેસાડી રાહત આપવા પ્રયત્નો કરી રહ્યાં છે.
દક્ષિણ મેક્ષિકોમાં આવેલાં 'વેરા ક્રૂઝ' પ્રાંતમાં તો લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તેઓ પંખા નીચે કે જેની પાસે એરકન્ડીશનર્સ હોય તેઓ એરકન્ડીશનર્સ દ્વારા ગરમી અને પ્રસ્વેદથી બચવા પ્રયત્નો કરે છે.
વેરા-ક્રૂઝ શહેર તો અગનભઠ્ઠી બની ગયું છે.
કોગ્રા નર્સિંગ હોમના ડીરેક્ટર એમ.ટી. મેન્ડોઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આટલું તીવ્ર ગરમીનું મોજું અમે પહેલાં કદી અનુભવ્યું નથી. તે માત્ર તીવ્ર જ નથી પરંતુ લાંબો સમય ચાલી રહ્યું છે. આ હીટ-વેવે વેરા ક્રૂઝ શહેરમાં અનેકના જાન લીધા છે.
પ્રાપ્ય સત્તાવાર ડેટા પ્રમાણે ૧૨૫નાં હીટવેવને લીધે મૃત્યુ થયા છે. જ્યારે ૨૩૦૦થી વધુને ડી-હાઈડ્રેશન અને સનબર્ન થયા છે.
આ હીટવેવ પાણીના ધોધની જેમ વહી રહ્યું છે. આથી અમે લોકોને માત્ર અનિવાર્ય જ હોય તો જ ઘરની બહાર નીકળવા કહ્યું છે અને તે પણ સવારના ૧૦થી સાંજના પાંચ વાગ્યા સુધી તો નહીં જ જવા સૂચના આપી છે.
આટલું ઓછું હોય તેમ અત્યારે તો મેક્સિકો સહિત મધ્ય અમેરિકા ખંડના રાજ્યો ઉપર દુષ્કાળના ઓળા ઉતરી રહ્યાં છે.