ઇરાનમાં હીટવેવ: બેન્કો અને સરકારી ઓફિસો રવિવારે બંધ
- વીજ વપરાશ વિક્રમજનક સ્તરે પહોંચ્યો
- ઇરાનનું તાપમાન વૈશ્વિક સરેરાશ કરતાં વધુ બમણી ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે
તેહરાન : આખા ઇરાનમાં ત્રાટકેલા હીટવેવના લીધે બધી સરકારી ઓફિસો, કોમર્સિયલ ઇન્સ્ટિટયુશન્સ, બેન્કોએ રવિવારે તેમની ઓફિસો બંધ રાખવાની અને શનિવારે કામકાજના કલાકોમાં ઘટાડો કરવાની ફરજ પડી છે.
ઇરાનમાં રાજધાની તેહરાનમાં તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયથી ૪૨ ડિગ્રીની વચ્ચે જોવા મળી રહ્યુ હોવાનું હવામાન અહેવાલ જણાવે છે. સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં બેન્કો અને જાહેર સંસ્થાઓએ રવિવારે બંધ રહેશે, જેથી લોકોના આરોગ્યનું રક્ષણ કરી શકાય અને ઊર્જા જાળવી શકાય. ફક્ત ઇમરજન્સી સર્વિસીઝ અને મેડિકલ એજન્સીઓનો જ તેમાથી બાકાત રાખવામાં આવી છે. સત્તાવાળાઓએ કેટલાય પ્રાંતોમાં શનિવારના કામકાજના કલાકોમાં ઘટાાડો કર્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે તેહરાનમાં શુક્રવારે ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. ઇરાનીયન મીડિયાએ ચેતવણી આપી હતી કે સ્થાનિક સમય મુજબ ચાર વાગ્યા સુધી ઇન્ડોર રહો.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે વીજ વપરાશ મંગળવારે ૭૮,૧૦૬ મેગાવોટની વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો હતો. ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે ઇરાનમાં તાપમાન વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપથી વધી રહ્યુ છે, તે લાંબા ગાળાની સરેરાશ કરતાં એક ડિગ્રી વધુ વધ્યુ છે. ઇરાન છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન બે ડિગ્રી વધુ ગરમ થયું છે. ગયા વર્ષે તાપમાનમાં વધારો થવાના લીધે ઇરાને બે રાષ્ટ્રવ્યાપી હોલિડે જાહેર કર્યા હતા.