હુથી બળવાખોરો દ્વારા મધદરિયે જહાજને હાઈજેક કરવાનો દિલધડક વીડિયો વાયરલ

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
હુથી બળવાખોરો દ્વારા મધદરિયે જહાજને હાઈજેક કરવાનો દિલધડક વીડિયો વાયરલ 1 - image


- ઈરાન સમર્થિત હુથીએ ઈઝરાયેલને ચેતવણી આપી હતી 

- હેલિકોપ્ટરમાંથી ઉતરેલા બંધુકધારી હુમલાખોરોએ ગણતરીની મિનિટોમાં જહાજને બાનમાં લઈ લીધું હતું

- જહાજ તુર્કીથી ભારત તરફ જઈ રહ્યું હોવાનો ઈઝરાયેલ આર્મીનો દાવો  

- ગેલેક્સી લિડર જહાજ ઈઝરાયેલનું જ હોવાનો હમાસનો દાવોઃ ઈઝરાયેલે હાઈજેકને આતંકી હુમલો ગણાવ્યો

ગાઝા : ઈઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસના યુદ્ધ વચ્ચે યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ભારત તરફ જનારી ઈઝરાયેલના માલવાહક જહાજને હાઈજેક કરવાનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો પહેલી નજરે જોનારને બોલીવૂડની કોઈ ફિલ્મના દિલધડક એક્શન સીન જેવો લાગી શકે છે. મધદરિયે માલવાહક જહાજ જઇ રહ્યું છે અને અચાનક એક હેલિકોપ્ટર તેની ઉપર ઉડતું જોવા મળે છે, જેમાંથી અમુક બંદૂકધારી હુમલાખોરો નીચે ઉતરે છે. જે બાદ થયેલા ઘટનાક્રમે દુનિયાને ચોંકાવી દીધી છે. 

હુમલાની આવી તસવીરો મોટાભાગે ફિલ્મો અને વીડિયો ગેમ્સમાં જોવા મળે છે. પરંતુ, મધદરિયે ભારે ભરખમ જહાજને હાઈજેક કરવાનો આ વીડિયો અલગ પ્રકારનો ડરાવનારો અનુભવ છે. આ વીડિયો રેડ સી એટલે કે, લાલ સમુદ્રનો છે. જેમાંથી, એક માલવાહક જહાજ ગેલેક્સી લિડર સમુદ્રની વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું. 

આ જહાજની છત પર ક્રૂ મેમ્બર અથવા સિક્યોરિટી કર્મચારીઓમાંથી કોઈપણ હાજર નહતું. આ દરમિયાન હેલિકોપ્ટર કેમેરાની ફ્રેમમાં નજર આવે છે. 

આ હેલિકોપ્ટરના નીચેના ભાગમાં બે ઝંડા હતાં. જેમાં, એક યમન અને બીજો પેલેસ્ટાઈનનો હતો. આ હેલિકોપ્ટરમાંથી એક બાદ એક હથિયારધારી હુમલાખોરો જહાજની છત પર ઉતરવા લાગે છે. આ તમામ હુમલાખોરો જહાજની કેબિન તરફ આગળ વધે છે અને તેઓ જહાજની અંદર હાજર ક્રૂ મેમ્બર્સને સરેન્ડર કરવા આદેશ કરે છે. 

ત્યારબાદ, ગણતરીની  મિનિટોમાં માસ્ક પહેરેલા હુમલાખોરો જહાજને હાઈજેક કરી લે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, હુમલાખોરો દ્વારા જહાજની ચારે તરફ પેલેસ્ટાઈનના ઝંડા લહેરાવવામાં આવ્યા હતાં. 

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના અહેવાલ અનુસાર, જહાજ તુર્કીથી ભારત તરફ જઈ રહ્યું હતું ત્યારે તેને યમન નજીક રેડ સીમાં હાઈજેક કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ બાદ હુથીઓએ ઈઝરાયેલી જહાજને હાઈજેક કરવાની ધમકી ઉચ્ચારી હતી. યુદ્ધ દરમિયાન હુથીઓએ ઈઝરાયેલ તરફ ઘણી મિસાઈલો અને ડ્રોન પણ છોડયા હતાં. એક રિપોર્ટ મુજબ, આ જહાજ સંભવિત રીતે ઈઝરાયેલની માલિકીનો સંકેત આપે છે. 


Google NewsGoogle News