અમેરિકાના પૈસે બાંગ્લાદેશની હસીના સરકાર ઉથલાવાઇ
- અમેરિકા તરફથી મળતું 'વોટર ટર્નઆઉટ ફંડ' 2022માં બાઇડેન સરકારે ભારત નહીં પણ બાંગ્લાદેશ માટે મંજૂર કર્યું હોવાનો ઘટસ્ફોટ
- અમેરિકાના 2.1 કરોડ ડોલરમાંથી 70 ટકા રકમ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓના હાથમાં ગઇ જેમણે ગયા વર્ષે હસીના સરકાર સામે હિંસક બળવો કર્યો હતો
- ક્યારેક શું રંધાઇ રહ્યું છે તેની તમને જાણ પણ નથી થવા દેવાતી, અમે હવે ફંડ રદ જ કરી દીધુ છે: બાઇડેન પર ટ્રમ્પનો પ્રહાર
ઢાકા : અમેરિકાએ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવવા માટે કરોડો રૂપિયાની આર્થિક મદદ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમે બાંગ્લાદેશની સાથે ભારતને અપાતું મતદાન વધારવાનું ફંડ રદ કરી દીધુ છે. જોકે ટ્રમ્પનો આ દાવો અધુરો છે, અમેરિકાએ ભારતને વર્ષ ૨૦૨૨માં મળનારા ફંડને મંજૂર જ નહોતુ કર્યું જ્યારે બીજી તરફ બાંગ્લાદેશને તે જ વર્ષે આ ફંડ આપી દેવાયું હતું. જેનો ઉપયોગ બાદમાં ભારત સમર્થક શેખ હસીનાની સરકારને ઉથલાવવા માટે થયો હતો અને સત્તા કટ્ટરવાદી મોહમ્મદ યુનુસના હાથમાં જતી રહી હતી.
તાજેતરમાં જ ઇલોન મસ્કની આગેવાનીમાં અમેરિકાના વિભાગ ડોજે ભારતને ૨૧ મિલિયન ડોલરની સહાય રદ કરી હોવાના અહેવાલો અમેરિકી સરકાર દ્વારા જારી કરાયા હતા, જોકે એક ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે આ ૨૧ મિલિયન ડોલરની સહાય ખરેખર બાંગ્લાદેશ માટે હતી ભારત માટે નહોતી. રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૨માં જો બાઇડેનની સરકારના શાસનમાં ૨૧ મિલિયન ડોલરની રકમ બાંગ્લાદેશને ફાળવી દેવાઇ હતી, એટલે કે આ રૂપિયા બાંગ્લાદેશ પહોંચી ગયા હતા. અમેરિકાના આ ૨૧ મિલિયન ડોલરમાંથી ૧૩.૪ મિલિયન ડોલર બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના શેખ હસીના સામેના રાજકારણ કે બળવા પાછળ ખર્ચ કરી દેવાયા હતા. જ્યારે અન્ય નાણાનો ખર્ચો વર્ષ ૨૦૨૪ની ચૂંટણી પહેલાની યોજનાઓ માટે થયો હતો.
બાંગ્લાદેશમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં શેખ હસીના સામે અચાનક જ વિદ્યાર્થીઓએ હિંસક વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા અને સંસદમાં ઘૂસી ગયા હતા. આ હિંસામાં અનેક લોકો માર્યા ગયા હતા. જીવ બચાવવા માટે શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. બાદમાં મોહમ્મદ યુનુસની આગેવાનીમાં વચગાળાની સરકાર બની અને આ દરમિયાન અનેક હિન્દુઓ પર હુમલા કરાયા અને મંદિરો તોડાયા હતા. હવે શેખ હસીનાની સરકાર ઉથલાવવામાં અમેરિકાની ભૂમિકા સામે આવી છે. તાજેતરમાં અમેરિકાએ પોતાના સરકારી ફંડ પર કાતર ફેરવવાનું શરૂ કર્યું છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સપ્તાહમાં ત્રણ વખત કહ્યું હતું કે અમે ભારત અને બાંગ્લાદેશને અપાતા વોટર ટર્નઆઉટ એટલે કે મતદાન વધારવા માટેના ફંડને રદ કરી દીધું છે. જોકે નવા ખુલાસા મુજબ ભારતને કોઇ ફંડ નહોતુ મળ્યું પરંતુ બાંગ્લાદેશને વર્ષ ૨૦૨૨માં ફંડ મળ્યું હતું, જેનો ઉપયોગ બાંગ્લાદેશની શેખ હસીના સરકાર ઉથલાવવા થયો હતો. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે ભારતની ચૂંટણીમાં વિદેશી ફંડને લઇને ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત અન્ય દેશોને અપાતા ફંડને પોતાની સરકાર દ્વારા અટકાવવા મુદ્દે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે કેટલાક મામલાઓમાં તમને ખ્યાલ જ ના રહે કે ક્યા મુદ્દે વાત ચાલી રહી છે. આ લાંચ જેવું છે, કેમ કે કોઇને જ ખ્યાલ ના રહે કે શું રંધાઇ રહ્યું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે હું આ મુદ્દે સુકામ ચિંતા કરું, આપણી સામે અનેક પડકારો ને મુશ્કેલીઓ છે, જોકે હવે બધુ બંધ કરી દેવામાં આવ્યું છે. અમે તેને રદ કરી દીધુ છે અને હવે બધુ ટ્રેક પર છે. ડોનાલ્ડ ટ્રમ્પ પૂર્વ જો બાઇડેન સરકાર પર હાલ આ ફંડને લઇને બધા આરોપો લગાવી રહ્યા છે.
ભારતને મળેલા અમેરિકી ફંડમાંથી 44 ટકા ભાજપ જ્યારે 41 ટકા કોંગ્રેસના શાસનમાં આવ્યું
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતને ૨૧ મિલિયન ડોલરની મદદ મળતી હતી જેને રદ કરી દેવાઇ છે, જોકે આ દાવો જુઠો સાબિત થઇ રહ્યો છે. વર્ષ ૨૦૦૮થી ૨૦૨૪ દરમિયાન બાંગ્લાદેશમાં ચૂંટણી માટે અમેરિકાએ ૨૩.૬ મિલિયન ડોલર આપ્યા હતા. જોકે ભારતમાં વર્ષ ૨૦૧૩થી ૨૦૧૮ દરમિયાન બાંગ્લાદેશને મળેલી રકમની અડધી રકમ પણ નહોતી અપાઇ. અમેરિકન સરકારની વેબસાઇટ યુએસ ફોરેન અસિસ્ટન્સ પર ભારત-બાંગ્લાદેશને અપાયેલા ફંડના આંકડા છે. જે મુજબ વર્ષ ૨૦૦૧થી ૨૦૨૪ ભારતને કુલ ૨.૯ બિલિયન ડોલર મળ્યા છે. એટલે કે વર્ષે સરેરાશ ૧૧૯ મિલિયન ડોલર અપાયા. આશરે ૧.૩ બિલિયન ડોલર એટલે કે ભારતને મળેલા કુલ ફંડની ૪૪ ટકા રકમ વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ભાજપની એનડીએ સરકાર દરમિયાન મળી, જ્યારે કોંગ્રેસની યુપીએ સરકારના વર્ષ ૨૦૦૪થી ૨૦૧૩ સુધીના શાસન દરમિયાન ભારતને ૧.૨ બિલિયન એટલે કે કુલ ફંડના ૪૧.૩ ટકા રકમ મળી હતી. અમેરિકાએ જેટલા ફંડની મદદ કરી હતી તેમાંથી અડધી રકમ માત્ર છેલ્લા ચાર વર્ષમાં ભારતને મળી હોવાનો દાવો આ રિપોર્ટમાં કરાયો છે. જોકે આ ફંડ યુએસએઇડના પ્રોગ્રામ હેઠળ મળ્યું હતું જેમાં સૌથી વધુ ૨.૯ બિલિયન ડોલર સ્વાસ્થ્ય અને વસતી સેક્ટરને મળ્યા.
વિદેશી ફંડથી ભાજપે યુપીએ સરકાર ઉથલાવી: કોંગ્રેસ
અમેરિકાના ફંડ મુદ્દે ભારતમાં પણ વિવાદ: ભાજપ-કોંગ્રેસ સામસામે
- મોદી ભારતને વેચશે નહીં તે અમેરિકાને ખ્યાલ હતો માટે કોંગ્રેસના શાસનમાં જ વધુ ફંડ આપ્યું: ભાજપ
નવી દિલ્હી : અમેરિકાના ફંડને લઇને ભારતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજા પર ફંડનો ઉપયોગ એકબીજાની સામે કરવાનો આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસની સરકાર ઉથલાવવા માટે ભાજપે વિદેશી ફંડનો ઉપયોગ કર્યો, જ્યારે ભાજપે પણ આ જ પ્રકારનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું હતું કે એક સપ્તાહથી એક સ્ટોરી ચલાવાઇ રહી છે કે મોદી સરકારને અસ્થિર કરવા અમેરિકાએ ૨૧ મિલિયન ડોલરની મદદ કરી, આટલી સુરક્ષા એજન્સીઓ હોવા છતા મોદી સરકારે ભારતમાં ૨૧ મિલિયન ડોલર આવવા કેવી રીતે દીધા?
જ્યારે આ અંગે મોદી સરકારને પૂછવામાં આવ્યું તો કહે છે કે આ રૂપિયા વર્ષ ૨૦૧૨માં યુપીએ સરકારના શાસન દરમિયાન આવ્યા, એવામાં શું ૨૦૧૪માં ભાજપે અમેરિકાના આ જ રૂપિયાથી જીત પ્રાપ્ત કરી હતી? ભાજપ સાથે જોડાયેલા એનજીઓ ફંડ લે છે પરંતુ ઇરાદાપૂર્વક માત્ર કોંગ્રેસ પર આરોપો નાખવા છે.
જ્યારે વળતો જવાબ આપતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટીયાએ કહ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રક્રિયાને અસર પહોંચાડવા વિદેશી ફંડ લેવાયું, વર્ષ ૨૦૦૪થી ૨૦૧૩ દરમિયાન ભારતમાં અમેરિકાથી ૨૦૦૦ મિલિયન ફંડ આવ્યું, તે સમયે કોંગ્રેસની યુપીએ સરકાર હતી. જ્યારે મોદી સરકારના શાસનમાં ભારતમાં માત્ર ૧.૫ મિલિયન જ આવ્યા કેમ કે તેઓને ખબર છે કે મોદી વિદેશી તાકતોની સામે ભારતને નહીં વેચે.