ટ્રુડોનો દંભ, એક આતંકીની હત્યા પર ખુશ અને એક આતંકીની હત્યા પર રોદણા રડી રહ્યા છે

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ટ્રુડોનો દંભ, એક આતંકીની હત્યા પર ખુશ અને એક આતંકીની હત્યા પર રોદણા રડી રહ્યા છે 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 24 સપ્ટેમ્બર 2023

ખાલિસ્તાની આતંકી નિજ્જરની કેનેડામાં થયેલી હત્યા માટે ભારત સામે આંગળી ચિંધનારા કેનેડાના પીએમ ટ્રુડો એક દંભી નેતા છે તેવુ સાબિત થઈ રહ્યુ છે.

કેનેડાની સંસદમાં ભારત સામે નિવેદન આપનારા ટ્રુડોએ અલ કાયદાના આંતકી અલ જવાહિરીની 2022માં કાબુલમાં થયેલી હત્યા પર ખુશી વ્યક્ત કરી હતી. ટ્રુડોએ તે સમયે જવાહિરીને આતંકી જાહેર કરીને કહ્યુ હતુ કે, તેની મોતના કારણે દુનિયા સુરક્ષિત બનવા તરફ આગળ વધી રહી છે. કેનેડા પોતાના વૈશ્વિક ભાગીદારો સાથે આતંકવાદી ખતરાઓનો મુકાબલો કરવાનુ અને શાંતિને પ્રોત્સાહન આપવાનુ ચાલુ રાખશે.

હવે આ જ ટ્રુડો નિજજરની હત્યા પર રોદણા રડી રહ્યા છે.આમ જોવામાં આવે તો જવાહિરી અને નિજજર વચ્ચે કોઈ ફરક નથી.બંને આતંકીઓ હતા અને તેમનો ઈરાદો દુનિયામાં હથિયારોના દમ પર આતંકવાદ ફેલાવવાનો હતો.

જવાહિરી ઈસ્લામના નામ પર તો નિજ્જર ખાલિસ્તાનના નામ પર હિંસા આચરીને નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યો હતો. ભારત અને કેનેડા વિવાદ બાદ એવી સંખ્યાબંધ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે કે જેમાં નિજ્જર એકે 47 સાથે ઉભો હોય અથવા ફાયરિંગ કરતો હોય.

નિજ્જરે પાકિસ્તાનના આતંકી કેમ્પમાં ટ્રેનિંગ પણ લીધી હતી. હરદીપસિંહ નિજ્જર ધાર્મિક નેતા નહોતો પણ એક હત્યારો અને આતંકી હતો તે વાત ભારત સરકારે જાહેર કરેલા તેના પરના ડોઝિયરથી સ્પષ્ટ થઈ ચુકી છે. તે બોગસ પાસપોર્ટ પર કેનેડા ગયો હતો અને આમ છતા કેનેડાએ તેને નાગરિકત્વ આપ્યુ હતુ.

હવે ટ્રુડો જ્યારે નિજજરની હત્યા પર છાતી કૂટી રહ્યા છે ત્યારે જવાહિરી પર તેમનુ વલણ અને તેમણે કરેલુ ટવિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે.


Google NewsGoogle News