ગાઝાની અલ શિફા હોસ્પિટલ નીચેથી હમાસની સુરંગ મળી, અન્ય હોસ્પિટલમાંથી હથિયારો મળ્યાઃ ઈઝરાયેલ
Image Source: Twitter
તેલ અવીવ, તા. 17. નવેમ્બર 2023 શુક્રવાર
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગમાં ગાઝા બરબાદ થઈ ચુકયુ છે.ઈઝરાયેલી સેના હવે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરી રહી છે.
આ યુધ્ધના 42મા દિવસે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, અમને ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલના કેમ્પસમાં હમાસની સુરંગો મળી આવી છે.
ઈઝરાયેલ આ પહેલા લગાતાર આરોપ લગાવી ચુકયુ છે કે, હમાસના આતંકીઓ હોસ્પિટલો તેમજ બીજી સરકારી જગ્યાઓને પોતાનુ આશ્રય સ્થાન બનાવે છે.હમાસની સુરંગનો મોટો હિસ્સો અલ શિફા હોસ્પિટલની નીચેથી પસાર થાય છે.
ઈઝરાયેલી સેનાએ સોશિયલ મીડિયા પર ગાઝાની બીજી હોસ્પિટલોમાં પાડેલા દરોડાની તસવીરો અને વીડિયો પર રિલિઝ કર્યા છે.ગાઝાની અન્ય એક રાન્તિસી હોસ્પિટલમાં પણ આતંકવાદી સુરંગ હોવાનો દાવો ઈઝરાયેલે કર્યો છે અને સાથે સાથે કહ્યુ છે કે, ગાઝાના અલ કુદસ હોસ્પિટલની અંદર મોટી સંખ્યામાં હથિયાર અને દારુગોળો મળી આવ્યો છે.
આ યુધ્ધમાં અત્યાર સુધીમાં ગાઝા પટ્ટીમાં 11470 પેલેસ્ટાઈન નાગરિકોના મોત થયા છે અને 2700થી વધારે લોકો લાપતા છે તેવો દાવો પેલેસ્ટાઈન દ્વારા કરવામાં આવ્યો છે.