હમાસના આતંકીઓ ગાઝાના નાગરિકોની સહાય સામગ્રીની લૂંટ ચલાવી રહ્યા છેઃ ઈઝરાયેલની સેનાનો આરોપ
તેલ અવીવ, તા. 10 ડિસેમ્બર 2023
ઈઝરાયેલની સેનાએ ફરી એક વખત ગાઝામાં હમાસના આતંકીઓ નાગરિકો પર અત્યાચાર ગુજારી રહ્યા હોવાનો આરોપ મુકયો છે.
સેનાએ કહ્યુ છે કે, આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસેથી ગાઝાના નાગરિકોને જે મદદ મળી રહી છે તેની પણ હમાસના સભ્યો લૂંટ ચલાવી રહ્યા છે. ઈઝરાયેલી સેનાએ પોતાના દાવાના સમર્થનમાં એક વિડિયો પણ જાહેર કર્યો હતો. જેમાં કેટલાક લોકોને અમુક વ્યક્તિઓ માર મારી રહ્યા હોવાનુ દેખાય છે. બાજુમાં પડેલી ગાડીમાં કેટલોક સામાન પણ નજરે પડે છે.
ઈઝરાયેલી સેનાએ કહ્યુ છે કે, ગાઝામાં નાગરિકોને હમાસના સભ્યોએ માર માર્યો હતો અને તેમને મળેલી સહાય સામગ્રીની પણ લૂંટ ચલાવી હતી. હમાસ માટે પોતાના નાગરિકો કરતા પોતાના આતંકી લક્ષ્યો મહત્વના છે.
ઈઝરાયેલના કહેવા અનુસાર હમાસ પોતાના નાગરિકોને યુધ્ધમાં આગળ રાખે છે. હમાસના આતંકીઓ જ્યાં માનવ વસાહતો હોય ત્યાંથી ડઝનબંધ રોકેટ લોન્ચ કરે છે. જ્યારે આ પૈકીના કેટલાક રોકેટ ફેલ થઈ જાય ત્યારે ત્યાંના લોકોની જીંદગી ખતરામાં પડી જાય છે.
ઈઝરાયેલની સેનાએ આક્ષેપ કર્યો હતો કે, હમાસના આતંકીઓ અમારા સૈનિકો પર ફાયરિંગ કરવા માટે બેત હનૌન વિસ્તારમાં એક સ્કૂલ અને મસ્જિદનો ઉપયોગ કરી રહ્યા હતા.
ઈઝરાયેલે તો એવો પણ દાવો કર્યો છે કે, ગાઝા પટ્ટીમાં હમાસના ઘણા સભ્યોએ શનિવારે શણાગતિ સ્વીકારી લીધી હતી અને હમાસની ગતિવિધિઓ અંગે મહત્વની જાણકારી પણ પૂરી પાડી હતી. સાથે સાથે તેમણે પોતાના હથિયારો પણ ઈઝરાયેલના સૈનિકોને સોંપી દીધા હતા.