ઈઝરાયેલની પરમાણુ હથિયારોથી સજ્જ મિસાઈલોથી સ્હેજ જ દૂર હમાસના રોકેટ ખાબક્યા હતા
image : Twitter
તેલ અવીવ,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર
સાત ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર આતંકી હુમલો કરીને 1200 લોકોની હત્યા કરી હતી અને આ દરમિયાન હજારો રોકેટ ઈઝરાયેલ પર લોન્ચ કર્યા હતા.
હવે અમેરિકાના એક અખબારે એવો દાવો કર્યો છે કે, હમાસના રોકેટમારામાં ઈઝરાયેલના પરમાણુ હથિયારો માંડ બચ્યા હતા. સેટેલાઈટ તસવીરોથી ખુલાસો થયો છેકે, હમાસનુ એક રોકેટ સાત ઓક્ટોબરે ઈઝરાયેલના એક એરબેઝ પાસે ખાબક્યુ હતુ. જ્યાં ઈઝરાયેલે પરમાણુ હથિયારોથી સજ્જ જેરિકો નામની 50 જેટલી મિસાઈલો તૈનાત કરી રાખી છે.
ઈઝરાયેલની સેનાએ આ દાવા પર કોઈ ટિપ્પણી હજી કરી નથી. તેનુ એક કારણ એ પણ હોઈ શકે છે કે, ઈઝરાયેલે હજી સુધી પોતાની પાસે પરમાણુ હથિયારો હોવાનુ સત્તાવાર રીતે સ્વીકાર્યુ નથી પણ એવુ અનુમાન છે કે, ઈઝરાયેલ પાસે પરમાણુ હથિયારોથી સજ્જ 50 જેટલી મિસાઈલો છે.
અખબારના અહેવાલમાં કહેવાયુ છે કે, જે બેઝ પર મિસાઈલો રખાઈ છે ત્યાં રોકેટ હુમલાના કારણે આગ લાગી હતી અને તેનાથી થોડે જ દુર મિસાઈલો રખાઈ છે. સેનાનુ આ બેઝ 1962થી છે અને પહાડીઓ પર હજારો એકર જગ્યામાં ફેલાયેલુ છે.
સાત ઓક્ટોબરે થયેલા આતંકી હુમલા બાદ ઈઝરાયેલે હમાસ સામે જંગ છેડયો છે. આ લડાઈ હજી પણ ચાલી રહી છે. જેમાં ગાઝા પટ્ટીમાં 16000 લોકોના મોત થયા છે અને લાખો લોકો બેઘર બની ચુકયા છે. ઈઝરાયેલ હમાસના ખાત્મા વગર જંગ અટકાવવા માટે તૈયાર નથી.