હમાસે હજુ ઇઝરાયેલના ૧૩૭ બંધકોને છોડયા નથી, પેલેસ્ટાઇની કેદીઓને છોડવાની શરત
ઇઝરાયલ સેનાના ઘાતક હુમલા જોતા સમાધાનની શકયતા નહિવત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ઉકેલ લાવવા કતાર હજુ પ્રયાસરત
તેલઅવિવ,૧૧ ડિસેમ્બર,૨૦૨૩,સોમવાર
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હંગામી યુધ્ધ વિરામ ચાલ્યા પછી હવે લડાઇ ચાલે છે. ઇઝરાયેલ ગાજા પર હવાઇ અને જમીન એમ બંને રસ્તા હુમલા કરી રહયું છે. હમાસ સંગઠને ઇઝરાયેલ પર રોકેટ હુમલો કર્યો પછી જે યુધ્ધ ફાટી નિકળ્યું છે તેનું કોઇ જ સમાધાન જણાતું નથી. હમાસે ૭ ઓકટોબરે હુમલા દરમિયાન ઇઝરાયેલના નાગરિકોનું અપહરણ કર્યુ હતું. કુલ ૧૪૦૦ લોકોના મોત થયા હતા જયારે હજુ બંધકો હમાસના કબ્જામાં છે.
ગત રવીવારે હમાસે ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે જો પોતાની માંગ પુરી કરવામાં નહી આવે તો કોઇ બંધકને છોડવામાં આવશે નહી. હમાસના પ્રવકતા અબુ ઓબૈદાએ એક ટીવી પ્રસારણમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલે વાતચિત કે માંગને પુરી કર્યા વિના કેદીઓને જીવતા પાછા લઇ જઇ શકશે નહી. હમાસ અપહરણકારોની સૌદાબાજી કરીને વધુ ફિલિસ્તિની કેદીઓને ઇઝરાયેલની જેલમાંથી છોેડાવવા ઇચ્છે છે.
ગત નવેમ્બર મહિનાના અંતમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધની રણભેરી વચ્ચે શાંતિ વિરામ થયો ત્યારે હમાસે ઇઝરાયેલના ૧૦૫ બંધકોને જયારે ઇઝરાયેલ ૨૪૦ પેલેસ્ટાઇન કેદીઓને છોડયા હતા. તાજેતરમાં ઇઝરાયેલે જણાવ્યું છે કે હજુ હમાસ પાસે ૧૩૭ બંધકો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ઉકેલ લાવવા કતાર હજુ પ્રયાસ કરી રહયું છે. જો કે ઇઝરાયલ સેનાના ઘાતક હુમલા જોતા સમાધાનની શકયતા નહિવત જણાય છે. ઇઝરાયેલ ક્રુર હુમલો કરવાના વલણને વળગી રહયું છે.