હમાસને જ્યારે પૈસાની જરુર પડે ત્યારે યુધ્ધ શરુ કરી દે છે, હમાસના સંસ્થાપકના પુત્રના સ્ફોટક ખુલાસા
image : Twitter
તેલ અવીવ,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં હમાસના સ્થાપકો પૈકીના એક શેખ હસન યૂસુફના પુત્ર મોસાબ હસન યૂસુફ દ્વારા કરાયેલા સ્ફોટક ખુલાસાએ તમામને ચોંકાવી દીધી છે.
એક બ્રિટિશ પત્રકારને આપેલા ઈન્ટરવ્યૂમાં મોસાબ હસને કહ્યુ હતુ કે, હમાસ પૈસા માટે બાળકોના જીવ લેવામાં ખચકાતુ નથી.
મોસાબ હસનના ઈન્ટરવ્યૂને ઈઝરાયેલી સેના દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તે કહેતા સંભળાય છે કે, સત્તાની લાલચ અને રાજકીય મહત્વકાંક્ષા માટે હમાસ દ્વારા લાંબા સમયથી ગાઝાના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે. હમાસના કારણે ગાઝાના લોકોને ઈઝરાયેલની ઘેરાબંધી, હિંસા અને યુધ્ધ સહન કરવાનો વારો આવી રહ્યો છે. હમાસ માટે યુધ્ધ એક રમત છે. હમાસને જ્યારે પણ પૈસાની જરુર હોય ત્યારે તે યુધ્ધ શરુ કરી દે છે.
ગત મહિને પણ મોસાબ હસને ગાઝાની હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટ અંગે કહ્યુ હતુ કે, હમાસનુ રોકેટ મિસફાયર થવાથી જ હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો હતો અને હુમલાના દોષનો ટોપલો ઈઝરાયેલના માથે ઢોળી દેવાયો હતો. ઈઝરાયેલની સેના લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને જવાબદાર છે એટલે તે ક્યારેય હોસ્પિટલ પર હુમલો નહીં કરે. જ્યારે હમાસ પર કોઈનુ નિયંત્રણ નથી. કમનસીબે હમાસે હવે ઈઝરાયેલ અને દુનિયા સામે કોઈ વિકલ્પ બાકી રાખ્યો નથી. હવે હમાસનો ખાત્મો જ એક માત્ર વિકલ્પ છે.