ઈઝરાયલ-હમાસ વચ્ચે વધુ એક વખત બંધક-કેદીની આપ-લે, 8 ઈઝરાયલી સામે 110 પેલેસ્ટિની મુક્ત
Israel vs Hamas Updates | ઇઝરાયલે યુદ્ધવિરામના કરારના ભાગરુપે ત્રણ ઇઝરાયેલી સહિત આઠ બંધકોને છોડયા હતા. તેની સામે ઇઝરાયેલ 110 પેલેસ્ટાઇની કેદીઓને છોડી દીધા છે. પણ હમાસે ગાઝામાં ઇઝરાયેલી બંધકોને હમાસના મૃત્યુ પામેલા નેતા સિનવારના ઘર આગળ જ છોડતા અને બંધકોની પરેડ કરાવતા ઇઝરાયેલ બરોબરનું બગડયુ હતુ. તેણે મધ્યસ્થીઓ સમક્ષ આક્રમક વિરોધ નોંધાવ્યો હતો.
ઇઝરાયેલે હમાસની આ કાર્યવાહીના વિરોધમાં એક સમયે 110 પેલેસ્ટાઇની કેદીઓને છોડવાની પ્રક્રિયા પીએમ નેતન્યાહુના આદેશના પગલે અટકાવી દીધી હતી. નેતન્યાહુએ મધ્યસ્થીઓને જણાવ્યું હતું કે તે બંધકો સુરક્ષિત રીતે પરત ફરે તે સુનિશ્ચિત કરે.
હમાસના પગલાના લીધે મધ્યસ્થીઓ દોડતા થઈ ગયા હતા અને તેમણે આ મુદ્દે ફરીથી સમાધાન કરાવતા બંધકોની મુક્તિની કાર્યવાહી આગળ વધી હતી. હમાસે પ્રથમ મહિલા બંધક 20 વર્ષની એડમ બર્ગરને છોડી હતી. તેના પછી ગયા સપ્તાહે ન છોડવામાં આવેલી 29 વર્ષની એર્બેલ યહૂદને છોડી હતી. તેના પછી 80 વર્ષીય ઇઝરાયેલી વૃદ્ધ ગેડી મોસીસને છોડયો હતો. આ સિવાય પાંચ થાઇ શ્રમિકો છોડયા હતા. યેહૂદ અને મોસીસ જર્મન-ઇઝરાયેલ નાગરિકત્વ ધરાવે છે. ગયા વર્ષે નવેમ્બરમાં થયેલા અઠવાડિયાના યુદ્ધવિરામમાં 100 જેટલા બંધકોને છોડવામાં આવ્યા હતા તેમા 23 થાઈ શ્રમિકો હતા.
યુદ્ધવિરામનો હવે પછીનો તબક્કો વધુ આકરો છે. હમાસે કુલ 33 ઇઝરાયેલી બંધકો છોડવાના છે અને તેની સામે ઇઝરાયેલ બે હજાર પેલેસ્ટાઇની કેદીઓને છોડવાનું છે. આ યુદ્ધવિરામ છતાં ઇઝરાયેલે જણાવ્યું છે કે હમાસને ખતમ કરવાની તેની પ્રતિબદ્ધતામાંથી તે હટયું નથી. જ્યારે શાસક પક્ષના જમણેરી ભાગીદારીનો દાવો છે કે બંધકોની મુક્તિ ખતાં યુદ્ધ ફરીથી શરૂ થશે.