Israel vs Hamas war| યુદ્ધવિરામ લંબાવાયું, હમાસે 12 બંધક અને ઈઝરાયલે 30 પેલેસ્ટિનીને કર્યા મુક્ત

ઇઝરાયેલના સંરક્ષણ દળોએ રેડ ક્રોસ સમક્ષ બંધકોને મુક્ત કરવાની પુષ્ટિ કરી

બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી થઈ છે

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
Israel vs Hamas war| યુદ્ધવિરામ લંબાવાયું, હમાસે 12 બંધક અને ઈઝરાયલે 30 પેલેસ્ટિનીને કર્યા મુક્ત 1 - image


Israel vs Hamas war | ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના પાંચમા દિવસે હમાસ દ્વારા 12 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ રેડ ક્રોસ સમક્ષ બંધકોને મુક્ત કરવાની પુષ્ટિ કરી હતી. બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી થઈ છે. કરાર હેઠળ ઇઝરાયેલ દ્વારા કેદ કરાયેલા પેલેસ્ટાઇનીઓને મુક્ત કરાશે અને તેના બદલામાં હમાસ દ્વારા ઇઝરાયેલના બંધકોને મુક્ત કરાશે.

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી માહિતી 

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અંસારીએ કહ્યું કે યુદ્ધવિરામના પાંચમા દિવસે ઈઝરાયેલે 30 પેલેસ્ટિનીઓને મુક્ત કર્યા, જેના બદલામાં હમાસે 12 બંધકોને મુક્ત કર્યા હતા. આ બંધકો 52 દિવસ પછી તેમના પરિવારને મળશે. 12 બંધકોમાં 10 ઈઝરાયેલના નાગરિકો અને બે થાઈ નાગરિકોનો સમાવેશ થતો હતો. અંસારીના જણાવ્યા અનુસાર, 10 ઇઝરાયેલના નાગરિકોમાં નવ મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ ઇઝરાયેલી નાગરિકો બેવડી નાગરિકતા ધરાવે છે - એક ફિલિપાઇન્સની અને બે આર્જેન્ટિનાની.

યુદ્ધવિરામ લંબાવવા સહમતિ સધાઈ 

એક દિવસ પહેલા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવતાં કતારે કહ્યું હતું કે બંને યુદ્ધવિરામને લંબાવવા માટે સહમત થયા છે. આ સમયગાળા દરમિયાન બંધકોની મુક્તિ શક્ય છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ અન્સારીએ કહ્યું કે ગાઝામાં માનવતાવાદી સંઘર્ષ વિરામને વધુ બે દિવસ લંબાવવા માટે સમજૂતી થઈ છે. ઇઝરાયેલના મીડિયા અહેવાલો અનુસાર કતારની જાહેરાતનો અર્થ એ છે કે ઓછામાં ઓછા દસ વધુ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવશે. અન્ય દસ બંધકોને બુધવારે મુક્ત કરવામાં આવશે. આ સાથે ઈઝરાયેલ દરરોજ 30 પેલેસ્ટિની કેદીઓને પણ મુક્ત કરશે.


Google NewsGoogle News