ગાઝામાં પાછો હમાસનો અંકુશ : નવી ભરતી, નવા શસ્ત્રો મેળવ્યા
- હમાસને ખતમ કરવાના નેતન્યાહુના શપથ અધૂરા રહેશે
- ગાઝામાં હમાસના હજારો આતંકીઓ સહિત 47 હજારને ખતમ કરવા છતાં ઇઝરાયેલ માટે આજે પણ પરિસ્થિતિ હજી ઠેરની ઠેર
નવી દિલ્હી : યુદ્ધ વિરામ પછી માત્ર ગણતરીના જ દિવસોમાં ગાઝાપટ્ટી સ્થિત હમાસ વધુ મજબબૂત બની ગયું છે અને લગભગ સમગ્ર ગાઝાપટ્ટી ઉપર ફરી કાબૂ જમાવી રહ્યા છે. ગાઝા સ્થિત હમાસે ૭ ઓક્ટો. ૨૦૨૩ના દિને દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કર્યો પછી આ યુદ્ધ ભડકી ઉઠયું હતું. બેન્જામીન નેતન્યાહુએ આ ત્રાસવાદી જુથને ''સાફ'' કરી નાખવા શપથ લીધા છે, પણ આ શપથ અધૂરા રહેશે તેમ લાગે છે.
તેમણે હમાસના અનેક ગુપ્તસ્થળો અને તેના કેટલાયે નેતાઓનો સફાયો પણ કરી દીધો છે. આમ છતાં તે જુથ નાશ પામ્યું નથી, ઉલટાનું ફરી પ્રબળ બની રહ્યું છે.
આની સાબિતી તે ઉપરથી મળે છે કે જ્યારે હમાસે બંધકોને રેડક્રોસને સોંપ્યા ત્યારે કેટલાક હમાસ આંતકીઓ તો વાનની ઉપર ચઢી ગયા હતા. હમાસ તેમ જણાવે છે કે તેઓ બળવત્તર બની રહ્યા છે અને ગાઝાપટ્ટીમાં ફરીથી પ્રબળ બની રહ્યા છે.
આ અંગે તેલ અવીવ યુનિવર્સિટીના મોશે દાયાન સેન્ટરના પ્રોફેસર માઈકલ મિલ્શેસ્ટઈને એક સ્થાનિક રેડીયોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ''તેઓની પરિસ્થિતિ કૈં ખરાબ નથી. આપણે જે સંગઠનને ભૂક્કા થયેલું પરાજિત અને માંડ અસ્તિત્વ ધરાવતું જોવા ઈચ્છીએ છીએ તો બળવત્તર બની રહ્યું છે. આ આપણા માટે સારા સમાચાર નથી.''
ગાઝાપટ્ટીમાં વ્યાપક વિનાશ થઈ ગયો છે. ત્યાં ૪૭૦૦૦ થી વધુના મોત થયા છે તેની ૯૦ ટકા વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે. તે સંજોગોમાં હમાસ આ યુદ્ધ વિરામને એક સિદ્ધિ માને છે તે અંગે ગર્વ અનુભવે છે.
''આ યુદ્ધ થયું ત્યારથી હજી સુધીમાં હમાસે હજ્જારો યુવાનોની ભરતી કરી છે, નવા શસ્ત્રો પણ પ્રાપ્ત કર્યા છે.'' લંડન સ્થિત એરક્લીક ન્યુઝપેપર અશરફ-અલ્-ઔસાતનો આ અહેવાલ અમેરિકાના પુર્વ વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેને પણ સ્વીકાર્યો છે.બ્લિન્કેને ૧૪મી જાન્યુઆરીએ કરેલા તેમના રાષ્ટ્રજોગ- છેલ્લા સંબોધનમાં લંડન સ્થિત તે વર્તમાનપત્રના રીપોર્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો.હમાસની અલ્-કાસમ-બ્રિગેડના પ્રવક્તા અબુ ઓબૈદે જુલાઈ ૨૦૨૪માં જ જણાવ્યું હતું કે ''અમે હજ્જારો નવા રીક્રુટસની ભરતી કરી રહ્યા છીએ અને નવા શસ્ત્રો પ્રાપ્ત કરી રહ્યા છીએ. તથા નવા વિસ્ફોટકો પણ બનાવી રહ્યા છીએ.''
ઈઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે આવા હુમલાખોરો પૈકી ૧૦૦૦૦ ને અમે મોતને ઘાટ ઉતર્યા છે. જે હવાઈ હુમલાની કાર્યવાહી હતી. જ્યારે ૧૨૦૦ થી વધુને ભૂમિસેનાએ માર્યા છે.