'હુમલા બંધ કરો, અમે સમજૂતી કરવા તૈયાર..' ગાઝા યુદ્ધનો અંત લાવવા હમાસની ઈઝરાયલ સામે શરત
Israel vs Hamas war | ઈઝરાયલ દ્વારા ગાઝામાં રાફાહ પર હુમલા વચ્ચે હમાસે હવે આગળ આવીને ઈઝરાયલને પૂર્ણરૂપે સમજૂતી કરવાની ઓફર કરી છે. હમાસે કહ્યું કે જો ઈઝરાયલ ગાઝામાં નિર્દોષ લોકો સામે બોમ્બમારો અને હુમલા કરવાનું બંધ કરી દેશે તો અમે બંધકોની મુક્તિ સહિત પૂર્ણરૂપે સમજૂતી કરવા તૈયાર છીએ.
હમાસે મૂકી શરત...?
જોકે હમાસે ઈઝરાયલ સાથે સમજૂતી કરવા માટે એક મોટી શરત મૂકતાં કહ્યું હતું કે ઈઝરાયલે ગાઝામાં નાગરિકો વિરુદ્ધ યુદ્ધ અને આક્રમકતાનો અંત લાવવો પડશે. હમાસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલે હુમલા રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રની ટોચની કોર્ટ, ઈન્ટરનેશનલ કોર્ટ (ICJ) આદેશ છતાં દક્ષિણ ગાઝા શહેર રાફાહમાં આક્રમણ કરવાનું ચાલુ રાખ્યું છે.
બંધકોની મુક્તિ માટે તૈયાર છે હમાસ
હમાસ અને પેલેસ્ટાઈન સમૂહ અમારા લોકોની આક્રમકતા, ઘેરાબંદી, ભૂખમરાં અને નરસંહાર જેવી સ્થિતિઓની સામનો કરીને પણ યુદ્ધવિરામની મંત્રણા ચાલુ રાખી આ નીતિનો હિસ્સો બનવાનું નહીં સ્વીકારે. તેમાં કહેવાયું છે કે આજે અમે મધ્યસ્થીઓને જણાવી દીધું છે કે જો ઈઝરાયલ ગાઝામાં નાગરિકો વિરુદ્ધ યુદ્ધ અને આક્રમકતાનો અંત લાવી દેશે તો અમારી તત્પરતા એક પૂર્ણ સમજૂતી સુધી પહોંચવાની છે. જેમાં બંને તરફથી બંધકોની મુક્તિ સામેલ છે.
ઈઝરાયલ અગાઉ અનેક ઓફર ઠુકરાવી ચૂક્યું છે
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અગાઉ પણ હમાસ દ્વારા કરાયેલી અનેક ઓફર ઠુકરાવી ચૂક્યું છે અને તે કહી ચૂક્યું છે કે અમે હમાસનો સફાયો કરી નાખવા પ્રતિબદ્ધ છીએ. ઈઝરાયલે કહ્યું હતું કે અમે રાફાહમાં હુમલો બંધકોને મુક્ત કરાવવા અને હમાસના લડાકૂઓને ધરમૂળથી ખતમ કરી નાખવા માટે કર્યો છે.