Get The App

સેના આગળ વધી તો બંધકોની લાશો પણ નહીં મળે, ગોળીઓથી વીંધી નાખીશું..' ઈઝરાયલને હમાસનું અલ્ટીમેટમ

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
સેના આગળ વધી તો બંધકોની લાશો પણ નહીં મળે, ગોળીઓથી વીંધી નાખીશું..' ઈઝરાયલને હમાસનું અલ્ટીમેટમ 1 - image


Image Source: Twitter

Israel–Hamas war: હમાસના નેતાઓએ પોતાના લોકોને નિર્દેશ આપ્યો છે કે, જો તેમને લાગે છે કે, ઈઝરાયલી સેના આગળ વધી રહી છે તો તમે બંધકોને મારી નાખો. આ આદેશ બાદ પહેલાથી જ આ અસ્થિર સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ઈઝરાયેલી અધિકારીઓનો હવાલો આપતા એક અહેવાલમાં જણાવાયું છે કે, ગાઝામાં બંધકોને રાખનારા હમાસના સૈનિકોને આદેશ આપવામાં આવ્યો છે કે, જો તમને લાગે કે, ઈઝરાયલી સેના આગળ વધી રહી છો તો તમે બંધકોને ગોળીથી વીંધી નાખો. તાજેતરમાં જ ઈઝરાયલી રક્ષા દળ (IDF)એ ગાઝાના નુસેરાતથી ચાર બંધકોને બચાવ્યા હતા. ઈઝરાયલી અધિકારીઓએ હમાસના એ દાવાને નકારી કાઢ્યો છે કે, ત્રણ બંધકોના મોત ઈઝરાયલી હવાઈ હુમલામાં થયા હતા. તેમનું કહેવું છે કે, આ મોતના જવાબદાર હમાસના આતંકી જ છે. 

ઈઝરાયલ અત્યાર સુધીમાં 7 બંધકોને બચાવવામાં સફળ રહ્યુ

7 ઓક્ટોબરના રોજ જ્યારે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ પર હુમલા બાદ 200થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા ત્યારથી બેન્જામિન નેતન્યાહૂની સરકાર તેમને શોધવા અને તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકી અને ઈઝરાયલી ગુપ્ત અને સૈન્ય વિશ્લેષકોનું એક 'ફ્યૂઝન સેલ' બંધકોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ડ્રોન અને સેટેલાઈટનો ઉપયોગ કરી રહી છે. ઈઝરાયલ અત્યાર સુધીમાં 7 બંધકોને બચાવવામાં સફળ રહ્યુ છે પરંતુ ઘણા લોકો સંઘર્ષ દરમિયાન અથવા અપહરણકર્તાઓના હાથે માર્યા ગયા છે. 

સંયુક્ત રાષ્ટ્રનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ

આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ સોમવારે ગાઝામાં યુદ્ધ વિરામ યોજનાનું સમર્થન કરનારા અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા પ્રસ્તુત આ ડ્રાફ્ટ યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિના પ્રસ્તાવની અપીલ કરે છે. તેમા સામેલ બધા પક્ષોને વિલંબ કર્યા વિના અને કોઈ પણ શરત વિના તેની શરતોને સંપૂર્ણપણે લાગુ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયલે યુદ્ધ વિરામ યોજના પર સહમતિ વ્યક્ત કરી છે અને હમાસને પણ આવું કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. હમાસે જવાબમાં કહ્યું કે, તે UNSC વોટનું સ્વાગત કરે છે. તેમ છતાં શાંતિનો માર્ગ પડકારથી ભરેલો છે. હમાસના અધિકારીઓએ માગ કરી છે કે, કોઈ પણ યુદ્ધ વિરામ કરારમાં સંઘર્ષના સ્થાયી અંતની ગેરેન્ટી હોવી જોઈએ. 



Google NewsGoogle News