હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડેઈફ પણ ઠાર, ઈઝરાયલે કરી જાહેરાત
Image: IANS |
Israel Hamas War: ગાઝા યુદ્ધમાં ઈઝરાયલની સેના એક પછી એક હુમલામાં સફળતા મેળવી રહી છે. ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયલે હમાસના ઘણા કમાન્ડરો અને નેતાઓને મારી નાખ્યા છે. IDFએ ગુરુવારે ખાતરી કરી હતી કે હમાસ લશ્કરી બ્રિગેડના નેતા મોહમ્મદ ડેઇફ 13 જુલાઈના રોજ ગાઝામાં થયેલા હુમલામાં માર્યો ગયો હતો. 7 ઓક્ટોબરના હુમલા પછી, ઘણા ઇઝરાયલી નેતાઓએ ખુલ્લેઆમ ધમકી આપી છે કે તેઓ હમાસના નેતાઓને શોધી-શોધીને મારશે. ઇઝરાયલ તેની ધમકીને પુરવાર કરી રહ્યું હોય તેવું લાગે છે.
ઇઝરાયલે છેલ્લા 72 કલાકમાં તેના ત્રણ સૌથી મોટા દુશ્મનોને મારી નાખ્યા છે. મંગળવારે લેબનનની રાજધાની બેરૂત માવાદ શુક્રમાં, બુધવારે તેહરાનમાં હમાસના રાજકીય વડા હાનિયા અને આજે બેરૂતમાં ઈરાનના સુરક્ષા સલાહકાર મિલાદ બેદીની હુમલામાં હત્યા કરવામાં આવી હતી. ઇઝરાયલી સેનાએ પણ પુષ્ટિ કરી હતી કે ગયા મહિને તેના એક હુમલામાં મોહમ્મદ ડેઇફ પણ માર્યા ગયો હતો.
મોહમ્મદ ડેઇફ કોણ હતા?
મોહમ્મદ ડેઇફ ગાઝામાં હમાસનો ટોચનો કમાન્ડર હતો અને હમાસની લશ્કરી પાંખનું નેતૃત્વ કરતો હતો. ઇઝરાયલ ઘણા વર્ષોથી ડેઇફની શોધ કરી રહ્યું હતું. અહેવાલો અનુસાર, 14 એપ્રિલના રોજ ગાઝામાં થયેલી હુમલામાં ડેઇફનું મૃત્યુ થયું હતું. આ હુમલામાં ગાઝાના 90 લોકો મૃત્યુ પામ્યા હતા અને 300 ઘાયલ થયા હતા. મોહમ્મદ ડેઇફનો જન્મ 1965માં ગાઝાના એક શરણાર્થી શિબિરમાં થયો હતો. 1987માં હમાસની રચના બાદ ડેઈફ યુવાનીમાં હમાસમાં જોડાયો હતો અને છેલ્લા કેટલાક વર્ષોથી હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડની કમાન સંભાળી રહ્યો હતો.
હમાસને મોટો ફટકો
આ સમાચારથી હમાસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કારણ કે તેના એક દિવસ પહેલા જ તેહરાનમાં તેના રાજકીય વડાની હત્યા કરવામાં આવી હતી અને હવે લશ્કરી વડાની પણ હત્યા કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હમાસ પાસે હાલમાં રાજદ્વારી અને લશ્કરી સ્તરે કોઈ નેતૃત્વ કરનાર લીડર નથી. હવે જોવાનું એ રહે છે કે ગાઝા યુદ્ધ શું વળાંક લે છે. અને ઈરાન કેવી રીતે જવાબી કાર્યવાહી કરે છે.