ઈઝરાયેલ થોડો સમય યુદ્ધ રોકવા માટે તૈયાર પરંતુ....: જાણો યુદ્ધ વિરામ પર PM નેતન્યાહૂએ શું કહ્યું
Image Source: Twitter
- યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 11 હજાર લોકોના મોત
નવી દિલ્હી, તા. 07 નવેમ્બર 2023, મંગળવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલુ થયેલા ભીષણ યુદ્ધનો આજે એક મહિનો થઈ ગયો છે. પરંતુ આ યુદ્ધના બંધ થવાની શક્યતાઓ નહીવત લાગી રહી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 11 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. અનેક દેશો ગાઝા પટ્ટીમાં માનવીય સંકટનો હવાલો આપતા ઈઝરાયેલ પર હુમલા રોકવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દે ઈઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ ગાઝામાં મદદ પહોંચાડવા અને બંધકોને બહાર કાઢવા માટે યુદ્ધને થોડો સમય વિરામ આપવા પર વિચાર કરશે. જોકે, વધી રહેલા આતંરરાષ્ટ્રીય દબાણ છતાં ફરી એક વખત નેતન્યાહૂએ સંઘર્ષ વિરામની માંગને ફગાવી દીધી છે.
પેલેસ્ટિનિયન ક્ષેત્રો પર સુરક્ષા જવાબદારીની જરૂરિયાત
ઈઝરાયેલે કસમ ખાધી છે કે, તે હમાસના એક-એક આતંકવાદીને શોધી-શોધીને ખતમ કરી દેશે. નેતન્યાહુએ કહ્યું કે તેમને લાગે છે કે, ઈઝરાયલને યુદ્ધ પછી અનિશ્ચિત સમય માટે પેલેસ્ટિનિયન ક્ષેત્રો પર સુરક્ષા જવાબદારી સ્વીકારવાની જરૂર પડશે. માનવતાવાદી સંકટને કારણે યુદ્ધને રોકવાના યુએસના પ્રયાસો પર ઈઝરાયેલના પીએમએ કહ્યું કે સામાન્ય યુદ્ધવિરામ તેમના દેશના યુદ્ધ પ્રયાસોમાં અવરોધ ઉત્પન્ન કરશે.
નેતન્યાહૂએ કહ્યું કે, જ્યાં સુધી નાના-નાના વિરામોની વાત છે તો એક કલાક અહીં અને એક કલાક ત્યાં. પહેલા પણ અમે આવું કરી ચૂક્યા છીએ.
10,022 પેલેસ્ટિનિયન લોકોના મોત
હમાસનું કહેવું છે કે જ્આરે ગાઝા પર હુમલા થઈ રહ્યા છે તો તે બંધકોને પણ મુક્ત ન કરશે અને લડાઈ પણ બંધ ન કરશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે હમાસ-નિયંત્રિત વિસ્તારમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10,022 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જેમાં 4,104 બાળકો સામેલ છે. આંતરરાષ્ટ્રીય સંગઠનોએ કહ્યું છે કે, હોસ્પિટલો ઘાયલોની સારવાર નથી કરી શકતી. ખોરાક અને સ્વચ્છ પાણી ખતમ થઈ રહ્યું છે અને સહાય વિતરણ ક્યાંય પણ પર્યાપ્ત નથી. વોશિંગ્ટન મદદ પહોંચાડવા માટે યુદ્ધમાં વિરામની વ્યવસ્થા કરવા માટે સખત મહેનત કરી રહ્યું છે. જોકે, ઈઝરાયલે સ્પષ્ટ કરી દીધુ છે કે, તે યુદ્ધ પર સંપૂર્ણ વિરામ નહીં લગાવશે.