હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વિરામ : બાયડેન તંત્ર પણ નવનિર્વાચિત પ્રમુખ ટ્રમ્પની ટીમને યશ આપે છે
- આ યુદ્ધવિરામ માટે બાયડેન-ટ્રમ્પ બંને યશ લેવા માટે સ્પર્ધામાં હતા : છતાં ટ્રમ્પની ટીમને સાથ આપવા બાયડેને તેની ટીમને કહ્યું
વૉશિંગ્ટન : ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ વિરામ સમજૂતી સધાઈ ગઇ છે. ૧૯મી તારીખથી તે અમલી બનશે. આ યુદ્ધવિરામ માટે બાયડેન તંત્ર અને ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ વચ્ચે પહેલાં તો યશ લેવાની સ્પર્ધા જામી હતી, પરંતુ આખરે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે તે યુદ્ધવિરામ માટે ટ્રમ્પની ટીમે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
એક પ્રેસ બ્રિફીંગને સંબોધતાં મિલરે કહ્યું હતું કે, આ યુદ્ધવિરામને સંબંધ છે, ત્યાં સુધી તે સ્વીકારવું પડે કે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટીમની પણ મહત્વની ભૂમિકા હતી. પ્રમુખ બાયડેને તો પાંચ દિવસ પછી સત્તાનાં સૂત્રો છોડી દેવાના છે તે સર્વવિદિત છે.
આ સાથે વર્તમાન પરિસ્થિતિમાં બાયડેનની ટીમે ભજવેલી ભૂમિકા અંગે મિલરે કહ્યું હતું કે ''મારૂ તો, સ્પષ્ટ મંતવ્ય છે કે, તેઓ એક ટેબલ પર બેસે તે મહત્વનું છે. આ અંગે તો તમામ અમેરિકન્સ પાર્ટી લાઈન ભૂલી એક સાથે કામ કરે તે મહત્વનું છે. કારણ કે તે દેશના હિતમાં છે.
કેરિન જીન પીયરી જેઓ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી છે. તેઓએ તેમનાં પ્રેસ બ્રિફિંગમાં કહ્યું હતું કે, પ્રમુખ બાયડેન તેઓની ટીમના સભ્યોને તેમજ તેઓના વહીવટી તંત્રને આવી રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમને ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ કરાવવા માટે સંપૂર્ણ સહાય કરવા પણ અનુરોધ કર્યો હતો. કારણ કે તે રાષ્ટ્રનાં હિતમાં પણ છે.
ટૂંકમાં જ્યારે રાષ્ટ્રીય સ્તરનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે અમેરિકન નાગરિકો, વહીવટી તંત્ર અને વિપક્ષો પણ એક થઇ ઊભા રહે છે. પક્ષીય મતભેદો કે અંગત સ્પર્ધાને પણ એક તરફ મુકી દે છે તે નિશ્ચિત છે.