ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ નીચે હમાસનુ હેડક્વાર્ટર, લોકોની જરુરી વસ્તુઓ આતંકીઓ વાપરી રહ્યા છે
Image Source: Twitter
તેલ અવીવ, તા. 29 ઓક્ટોબર 2023
હમાસ સામે જંગે ચઢેલા ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે, આતંકીઓ ગાઝાની મુખ્ય હોસ્પિટલ નીચે હેડક્વાર્ટર બનાવીને લડાઈ લડી રહ્યા છે. સાથે સાથે આમ લોકો માટેની વસ્તુઓનો ઉપયોગ હમાસના આતંકીઓ પોતાના માટે કરી રહ્યા છે.
ઈઝરાયેલી ડિફન્સ ફોર્સિસે એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને કહ્યુ છે કે, ગાઝાની મુખ્ય શિફા હોસ્પિટલની નીચે હમાસે પોતાનુ હેડક્વાર્ટર બનાવ્યુ છે. ગાઝાના લોકો તેમજ હોસ્પિટલના કર્મચારીઓ માટેના ફ્યૂલ, ઓક્સિજન, વીજળી અને પાણી જેવી વસ્તુઓ હમાસ પોતાના આતંકીઓ માટે કરી રહ્યુ છે.
ન્યૂઝ એજન્સીના અહેવાલમાં ઈઝાયેલના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યુ છે કે, ગેસ સ્ટેશન પર હમાસના લોકો કન્ટેનર લઈને જાય છે અને સામાન્ય લોકો માટેનુ ફ્યૂલ પોતે લઈ જાય છે.હમાસ પાસે ઓછામાં ઓછુ દસ લાખ લીટર ડીઝળ છે. હમાસના આતંકીઓ જ શિફા હોસ્પિટલને જલાવી રહ્યા છે.
ઈઝરાયેલનો દાવો છે કે, શિફા હોસ્પિટલ નીચે હમાસે ઘણી ટનલો બનાવી છે અને આ જ ટનલોનો ઉપયોગ હમાસના આતંકીઓ ઈઝરાયેલ સામે હુમલો કરવા માટે કરી રહ્યા છે.
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, હમાસના આતંકીઓએ હોસ્પિટલને પોતાના હેડક્વાર્ટરમાં ફેરવી નીંખી છે. હોસ્પિટલના 4000 કર્મચારીઓનો ઉપયોગ હમાસ પોતાની ઢાલ તરીકે કરી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, શિફા હોસ્પિટલ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ છે અને જંગ વચ્ચે અહીંયા હજારો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.