Get The App

ગાઝામાં નરસંહાર વચ્ચે રશિયા પહોંચ્યા હમાસના ડેપ્યુટી, પુતિન સાથે કરી નાખી મોટી ડીલ

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
ગાઝામાં નરસંહાર વચ્ચે રશિયા પહોંચ્યા હમાસના ડેપ્યુટી, પુતિન સાથે કરી નાખી મોટી ડીલ 1 - image


Mousa Abu Marzouk Deal With Vladimir Putin: ગાઝામાં ઈઝરાયલી સેના દ્વારા કરવામાં આવી રહેલા ભયાનક નરસંહાર વચ્ચે હમાસના ડેપ્યુટીએ રશિયાનો પ્રવાસ કર્યો છે અને પુતિન સરકાર સાથે મોટી ડીલ કરી નાખી છે. રશિયન મંત્રીઓ સાથે મુલાકાત કરી આશ્વાસન આપ્યું કે, રશિયન નાગરિકોને મુક્તિમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ગાઝામાં છેલ્લા એક વર્ષથી ઈઝરાયેલી સેના દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. યુએન અને વિશ્વભરના દેશો ઈઝરાયેલના હુમલાની તુલના નરસંહાર સાથે કરી રહ્યા છે. ગાઝા શહેરની હાલત સ્મશાન ઘાટ જેવી થઈ ગઈ છે. ચારેય બાજુ બરબાદી અને તબાહીના નિશાન છે. હમાસના આતંકવાદીઓને મૂળથી ખતમ કરવાના જુસ્સા સાથે ઈઝરાયલ સતત હુમલા કરી રહ્યું છે. આ હુમલામાં માત્ર આતંકવાદીઓ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ નિશાન બની રહ્યા છે. મૃત્યુઆંક 44 હજારને વટાવી ગયો છે. આ દરમિયાન હમાસના પોલિટિકલ બ્યુરોના ડેપ્યુટી મૂસા અબુ મરઝૂક રશિયા પહોંચ્યા છે. ત્યાં તેમણે રશિયાના સીનિયર લીડર્સ અને વ્લાદિમીર પુતિનના મંત્રીઓને સાથે મુલાકાત કરી છે. ક્રેમલિન સમર્થિત મીડિયાએ દાવો કર્યો છે કે, હમાસે પુતિન સાથે ડીલ પણ કરી છે. 

હમાસના પોલિટિકલ બ્યુરોના ડેપ્યુટી ગુરુવારે ક્રેમલિન સમર્થિત મીડિયા આઉટલેટ આરઆઈએ નોવોસ્ટીને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ગ્રુપે રશિયાને વચન આપ્યું છે કે તેઓ ગાઝામાં બંધક બે રશિયન નાગરિકોની મુક્તિને મહત્વ આપશે. જો કે આ માટે તેમણે ઈઝરાયલને મનાવવાની શરત મૂકી છે. તેમણે કહ્યું કે આ બધું ઈઝરાયલ સાથે યુદ્ધવિરામને લઈને ચાલી રહેલી વાતચીત પછી જ શક્ય બની શકે છે. એક અહેવાલ પ્રમાણે મરઝૂકે રશિયા પાસેથી ઈશારા-ઈશારામાં આશ્વાસન માંગ્યું છે કે જો ઈઝરાયલને ગાઝા પર હુમલો કરવાથી રોકવામાં આવશે અથવા યુદ્ધ સમાપ્ત કરી દેવામાં આવે તો બંધકોની મુક્તિમાં  રશિયન નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

કોણ છે બે રશિયન નાગરિક

હમાસ જે બે રશિયન નાગરિકોને મુક્ત કરવાની વાત કરી રહ્યું છે તેમના નામ એલેક્ઝેન્ડર ટ્રોફાનોવ અને મેક્સિન હર્કિન છે. ગત વર્ષે ઈઝરાયલ પર હમાસ દ્વારા હુમલા દરમિયાન તેમને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ટ્રોફાનોવ હાલમાં ઈસ્લામિક જેહાદની કસ્ટડીમાં છે અને તેને લડાઈ દરમિયાન પકડી લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, તેને ઈઝરાયલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં સોંપવામાં આવી શકે છે. 

મેક્સિન વિશે મરઝૂકે કહ્યું કે, જ્યારે તેને પકડવામાં આવ્યો હતો ત્યારે તે યુક્રેનિયન નાગરિક હતો, પરંતુ તાજેતરના મહિનાઓમાં તેનો પરિવાર રશિયામાં સ્થળાંતર થયો છે અને ત્યાંની નાગરિકતા મેળવી લીધી છે. તેથી તે અને તેનો પરિવાર હવે રશિયન નાગરિક છે. મેક્સિન વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે તે પકડાયો ત્યારે તે ઈઝરાયલી સેના માટે કામ કરી રહ્યો હતો.

રશિયા સાથે હમાસના લીડરની શું વાત થઈ

મરઝૂકે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોતાના રશિયન સમકક્ષોના સમ્માન માટે હમાસ ટ્રોફાનોવ અને હર્કિનની મુક્તિને પ્રાથમિકતા આપવા માટે તૈયાર છે. બુધવારે રાત્રે મરઝૂકે રશિયાના નાયબ વિદેશ મંત્રઈ મિખાઈલ બોગદાનોવ સાથે મુલાકાત કરી. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને પક્ષો વચ્ચેની બેઠક ગાઝામાં બંધકોને મુક્ત કરવાના મુદ્દા પર કેન્દ્રિત હતી.


Google NewsGoogle News