બે વર્ષના બાળકના બદલામાં 30 લડાકુઓ: સીઝફાયર માટે ઈઝરાયલ સામે હમાસની શરત
Israel-Hamas Ceasefire News: ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ વિરામ માટે સહમતિ માટે આકરી શરતો મૂકવામાં આવી છે. બંને દેશોએ સીઝફાયર કરાર પર સહમતિ દર્શાવી હતી. પરંતુ હમાસ સાથેનો આ સોદો ઈઝરાયલને મોંઘો સાબિત થઈ શકે છે. હમાસે ઈઝરાયલની બંધક માતા અને બે વર્ષના બાળકને મુક્ત કરવાના બદલામાં 30 લડાકુઓને મુક્ત કરવાની માગ કરી છે. જ્યારે માતા અને તેના બે બાળકોને મુક્ત કરવાના બદલામાં 100 લડાકુઓને છોડવાની માગ કરી છે. ઈઝરાયલે આ માગ સાથે સહમતી પણ દર્શાવી છે.
ઈઝરાયલ નાગરિકોની સુરક્ષા માટે તત્પર
ઈઝરાયલ માતા અને બે વર્ષના બાળકના બદલામાં 30 લડાકુઓને મુક્ત કરવા સહમત થયુ છે. પરંતુ હમાસે હજી સુધી એવા કોઈ પુરાવા આપ્યા નથી કે, જેનાથી સાબિત થઈ શકે કે, માતા અને બાળક સંપૂર્ણપણે સુરક્ષિત છે. દોહામાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે બંધકોને છોડવાના કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની શપથ વિધિના દિવસે અમુક લડાકૂઓને મુક્ત કરવામાં આવશે. ઈઝરાયલના આ પગલાંથી સંકેત મળે છે કે, ઈઝરાયલ પોતાના નાગરિકોની સુરક્ષા માટે કંઈપણ કરી શકે છે. અગાઉ પણ તેણે અનેક લડાકુઓને પોતાના નાગરિકોનો જીવ બચાવવા મુક્ત કર્યા હતા. હાલ હમાસે ઈઝરાયલના 35 બંધકોના બદલામાં પોતાના 1000 લડાકુઓને મુક્ત કરવાની માગ કરી છે
આ પણ વાંચોઃ પાકિસ્તાન: ઈમરાન ખાનને ભ્રષ્ટાચારના કેસમાં 14 વર્ષ અને પત્ની બુશરા બીબીને સાત વર્ષની જેલ
હમાસની આકરી માગ
હમાસના લડાકુઑએ ઈઝરાયલની એક માતાને તેના બે નાના બાળકો સાથે બંધક બનાવી હતી. આ ત્રણ લોકોના બદલામાં હમાસે ઈઝરાયલની જેલમાં બંધ 100 લડાકુઓને મુક્ત કરવાની માગ કરી છે. જ્યારે એક બાળકની મુક્તિ બદલ 30 આતંકવાદીઓને છોડવાની માગ કરી છે. બંધકોની મુક્તિ પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા સીઝફાયરના કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. આ ડીલ પર આજે ઈઝરાયલની સુરક્ષા કેબિનેટની બેઠક થશે. પૂર્ણ કેબિનેટ બેઠક બાદ શનિવારે રાત્રે મતદાન કરશે અને ત્યારબાદ પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિની યાદી જાહેર કરવામાં આવશે. આ યાદી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા માટે વિરોધીઓ પાસે 48 કલાકનો સમય હશે.
બંધકોની પ્રથમ બેચને આ દિવસે કરાશે મુક્ત
એવું માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટ કોઈપણ લડાકુને મુક્ત કરવામાં કોઈ અવરોધ નહીં મૂકે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેનો આ કરાર રવિવારે બપોરે 12.15 વાગ્યાથી અમલમાં આવશે. એવું માનવામાં આવે છે કે પ્રથમ ત્રણ બંધકોને સોમવારે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉદ્ઘાટનના દિવસે મુક્ત કરવામાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે તાજેતરમાં કહ્યું હતું કે 'હમાસે 20 જાન્યુઆરી પહેલા બંધકોને મુક્ત કરવા જોઈએ, નહીં તો તેઓ વિનાશ સર્જાશે.'