મોસાદના કારણે જાનનુ જોખમ, હમાસના નેતાઓ કતાર છોડીને અજાણ્યા સ્થળે જઈ રહ્યા છે
Image Source: Twitter
દોહા, તા. 14 ડિસેમ્બર 2023
ગાઝા પટ્ટી પર ઈઝરાયેલ દ્વારા થઈ રહેલા ભીષણ હુમલાઓ વચ્ચે કતારમાં આશ્રય લઈ રહેલા હમાસના ટોચના નેતાઓ હવે કતાર છોડીને પણ ભાગી રહ્યા છે.
જોકે આ નેતાઓ કતાર છોડીને ક્યાં જઈ રહ્યા છે તે સ્પષ્ટ નથી થયુ પણ કતારમાં તેમના જીવને જોખમ હતુ અને તેના કારણે સુરક્ષિત આશ્રય સ્થાનની શોધમાં તેમણે કતારને છોડવાનુ પસંદ કર્યુ છે.
અરબી ભાષાની એક ચેનલે કહ્યુ હતુ કે, હમાસના ઘણા નેતાઓ પોતાના ફોન બંધ કરી ચુકયા છે. તેઓ કોઈના ફોન કોલ લઈ રહ્યા નથી અને કોઈના મેસેજનો જવાબ પણ આપી રહ્યા નથી. આ નેતાઓ કોઈ અજ્ઞાત સ્થળે જતા રહ્યા હોવાનુ મનાય છે.
હમાસના એક વરિષ્ઠ નેતા સાહેલ અલ અરૌરીએ લેબેનોની રાજધાની બૈરુતમાં પોતાનુ ઘર છોડી દીધુ છે. તેઓ તુર્કી જતા રહ્યા છે. તુર્કી લાંબા સમયથી હમાસના નેતાઓને આશરો આપે છે અને તેમને પોતાના દેશનો પાસપોર્ટ પણ આપે છે.
હમાસના નેતાઓ વિદેશ યાત્રા કરવા માટે તુર્કી, કતરા, લેબેનોન સીરિયા અને ઈરાનના પાસપોર્ટનો ઉપયોગ કરે છે. કારણકે પેલેસ્ટાઈનનુ અલગ દેશ તરીકે અસ્તિતત્વ નથી. હમાસના નેતાઓને કતારમાં ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના હમલાનો ડર લાગી રહ્યો છે.
ઈઝરાયેલે તો જાહેરમાં જ કહ્યુ છે કે ,હમાસના નેતાઓ કોઈ પણ દેશમાં છુપાયા હશે પણ અમે તેને ખતમ કરીને જ રહીશું.
જોકે ઈઝરાયેલે કતારને આશ્વાસન આપ્યુ હતુ કે,જ્યાં સુધી વાટાઘાટો ચાલુ છે ત્યાં સુધી અમે તેમના પર હુમલો નહીં કરીએ. પણ હવે જ્યારે હમાસ અને ઈઝરાયેલ વચ્ચેની વાતચીત ખતમ થઈ ગઈ છે ત્યારે હમાસના નેતાઓને ડર છે કે, ઈઝરાયેલ અમને બહુ જલ્દી નિશાન બનાવી શકે છે. એમ પણ મોસાદના જાસૂસો દુનિયાના બીજા દેશોમાં જઈને ટાર્ગેટ કિલિંગ કરવા માટે નામચીન છે.