એક તરફ ઈઝરાયલ-હમાસ મંત્રણા માટે ઠાગાઠૈય્યા કરે છે બીજી તરફ બાળકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇને જન્નત નશીન બને છે
- યુએનના રાહત ટ્રકોમાં રહેલા ખાદ્ય પદાર્થોની લૂંટફાટ થાય છે
- ગાઝામાં શરણાર્થીઓના ટેન્ટો ઠંડી રોકી શકે તેમ નથી, પવનના સુસવાટાથી હાડ ગાળતી ઠંડીમાં સૌ કોઈ થથરે છે
જેરૂસલેમ : એક તરફ ઈઝરાયલ અને હમાસ શાંતિ મંત્રણામાં વાંધા વચકા ઊભા કરવાના એકબીજા પર આક્ષેપ કરે છે, ત્યારે બીજી તરફ હાડ ગાળતી કાતિલ ઠંડીમાં બાળકો ઠુંઠવાઈ થીજી જાય છે. મહિનાઓથી ચાલતી આ અર્થહીન વોરમાં નિર્દોષ નાના બાળકો ભોગ બની રહ્યાં છે. માત્ર ૩ મહિનાની બાળકીને લઈને તેનો પિતા મહમૂદ-અલ- ફારતહ જ્યારે ડોકટર પાસે પહોંચ્યો ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કરી.
તે સર્વવિદિત છે કે ઈઝરાયલના હુમલાથી હજ્જારો પેલેસ્ટાઈનીઓ તત્કાળ ઊભા કરેલા તંબુઓમાં પરસ્પર સાથે ભીંસાઈ પડયા રહે છે. ખાન યુનુસ પાસેના મુવાસી નજીકની રાહત છાવણીમાં આ પરિસ્થિતિ છે. પરંતુ આવી જ પરિસ્થિતિ અન્ય સ્થળોએ રચાયેલી રાહત છાવણી પણ છે.
અત્યારે આ વિસ્તારમાં પારો ૯ ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચો ગયો છે. ભૂમધ્ય સમુદ્ર તટે રહેલું મુવાસીમાં થોડી ખેતીલાયક ભૂમિ પણ છે. પરંતુ ફરતા રેતીના ઢુવા પણ છે.
ઈઝરાયલની પ્રચંડ બોંબ વર્ષાએ ગાઝા પટ્ટીમાં વ્યાપક વિનાશ વેર્યો છે. ગાઝાના ૨૩ લાખ લોકો અહીં તહીં આશ્રય લઈ રહ્યા છે. ઠંડા ભેજવાળા પવનો તેમને થીજવી રહ્યા છે. રાહત સંસ્થાઓ (યુએનની) ખાદ્ય પદાર્થો ભરેલા ટ્રક લઇને જાય છે, ત્યાં માર્ગમાં જ ખાદ્ય પદાર્થોની લૂંટફાટ, ભૂખ્યા પેલેસ્ટાઈનીઓ કરે છે. તે દ્રશ્ય જ હૃદય દ્રાવક છે. હજી સુધી પહેલા ૭૦ ટ્રક ખાદ્ય પદાર્થો અને દવાઓ લઇ જવાતા હતા તેની સંખ્યા વધારી રોજના ૧૩૦ ટ્રક જેટલી કરવામાં આવી છે. છતાં ખાદ્ય પદાર્થો, દવાઓ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઓછી પડે છે. બ્લેન્કેટસ, ગરમ કપડાં અને બળતણ માટે લાકડા વગેરે પણ ઓછા પડતા હતા.
અત્યંત ઠંડીને લીધે ઘણા લોકો હાઈપોથર્મીયાથી માર્યા ગયા. ગાઝા યુદ્ધમાં ૪૫૦૦૦થી વધુ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. નાની નાની બાળકીઓ એ બાળકો કાતિલ ઠંડીનો ભોગ બને છે. બીજી તરફ હમાસ-ઈઝરાયલ એક બીજા ઉપર આક્ષેપો કરતા રહે છે. શાંતિ મંત્રણા શરૂ જ થતી નથી.