Get The App

હમાસના વડા સિનવારની અંતિમ ક્ષણો ઇઝરાયેલના ડ્રોને રેકોર્ડ કરી, વિડીયો વાયરલ

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
હમાસના વડા સિનવારની અંતિમ ક્ષણો ઇઝરાયેલના ડ્રોને રેકોર્ડ કરી, વિડીયો વાયરલ 1 - image


- સિનવાર ઇઝરાયેલની જેલમાં 22 વર્ષ કેદ રહ્યો હતો

- સિનવાર એક હાથ અડધો કપાયો હોય તેવી સ્થિતિમાં સોફામાં બેઠેલો વિડીયોમાં નજરે પડયો : ડ્રોન પર લાકડી પણ ફેંકી

નવી દિલ્હી : ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઇડીએફ)એ હમાસના વડા યાહ્યા સિનવાર ને ખતમ કર્યો તેનો વિડીયો જારી કર્યો છે. આ વિડીયોમાં સિનવાર એક સોફા પર બેઠેલો દેખાય છે. તેની આસપાસ ક્ષતવિક્ષત થયેલા મકાનનો કાટમાળ છે. સિનવાર ની આ અંતિમ ક્ષણો છે. સિનવાર ઇજાગ્રસ્ત સ્થિતિમાં બેઠેલો છે. ડ્રોન તેની ઇમેજ કેપ્ચર કરે છે. પછી ઇઝરાયેલી દળો અંદર ઘૂસી તેને ખતમ કરે છે.

ઇઝરાયેલ પર સાતમી ઓક્ટોબર ૨૦૨૩ના આક્રમણનો મુખ્ય કાવતરાખોર સિનવાર આ પહેલા ડ્રોનને હટાવવા તેના પર લાકડી જેવું કંઇક ફેંકે છે, પરંતુ ડ્રોન હટી જાય છે. આ વિડીયો સાથે જ મકાનની બહાર ઊભેલા ઇઝરાયેલી દળોને ખબર પડે છે કે ત્રણ  આતંકવાદીમાંથી હજી પણ એક આતંકવાદી જીવિત છે. તેથી તેઓ આ મકાનમાં ઘૂસીને સિનવાર ને આતંકવાદી સમજીને ઠાર કરે છે. સિનવાર અંતિમ ક્ષણોમાં એકલો હતો. તેની સાથે કોઈ ન હતું. 

ઇઝરાયેલે ગાઝાના આપરેશનમાં ૬૨ વર્ષના સિનવાર ને ઠાર કર્યા પછી એક જ લાઇનનો સંદેશો વહેતો મૂક્યો હતો કે સિનવાર ખતમ. હવે તે હમાસના નવા ચીફની રાહ જોઈ રહ્યું છે, જેથી તેને ખતમ કરી શકાય.

ઇઝરાયેલના લશ્કરની બટાલિયન ૮૨૮ને માહિતી મળી હતી કે ત્રણ આતંકવાદીઓ આ બિલ્ડિંગમાં છે. તેના પગલે તેઓએ ગાઝામાં આ સ્થળ પર હુમલો કર્યો હતો. તેઓએ આ હુમલામાં આખા એરીયાને કવર કરી લીધો હતો. પછી તેમને ત્રણ આતંકવાદીઓ એક બિલ્ડિંગમાં છૂપાયાની માહિતી મળતાં જ તેઓએ ચોમેરથી બિલ્ડિંગને ઘેરી લીધુ હતુ અને રીતસરના મિસાઇલ હુમલા વડે ક્ષતવિક્ષત કરી નાખ્યું હતું. ઇઝરાયેલના આ હુમલામાં બે આતંકવાદી મરી ગયા હતા અને એક ગંભીર ઘાયલ થયો હતો. તેથી લશ્કરે કોઈ આતંકવાદી જીવિત છે કે નહીં તે ચકાસવા ડ્રોન મોકલ્યુ હતુ, તે સમયે જે આતંકવાદી જીવિત હતો તે સિનવાર હતો, તે પછી ડીએનએ ટેસ્ટમાં ખબર પડી હતી. સિનવાર ઇઝરાયેલની જેલમાં ૨૨ વર્ષ રહ્યો હોવાથી ઇઝરાયેલ પાસે તેના બ્લડ સેમ્પલથી લઈ બધી જ વિગતો હતી. 

સિનવાર ગાઝામાં ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહી દરમિયાન એક પછી એક સુરંગમાં ફરતો રહ્યો હતો. આવી સુરંગોનો ફોટો પણ ઇઝરાયેલે જારી કર્યો છે. આ વિડીયોમાં તેને સુરંગોમાં જતો જોઈ શકાય છે. તેની પાસે યુએન શરણાર્થીનું કાર્ડ પણ મળી આવ્યું છે. જો ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીમાં તે સપડાયો ન હોત તો પેલેસ્ટાઇની શરણાર્થીઓ વચ્ચે ઘૂસીને તે બહાર છટકી જવાની ફિરાકમાં હતો. મુખ્યત્વે તે ઇરાનમાં રાજ્યાશ્રય લે તેમ મનાતું હતું. પણ ઇઝરાયેલની કિલ્લેબંધીના લીધે અને સતત હુમલાના લીધે તેના ઇરાદા સફળ રહ્યા ન હતા. 

યુએનની ફૂડ સહાયના ઓઠા હેેઠળ સિનવાર ભાગી ન જાય તેના લીધે ઇઝરાયેલે ગાઝાપટ્ટીના કિલ્લેબંધીવાળા વિસ્તારમાં યુએન સહાયનો અનાજનો પુરવઠો પહેલી ઓક્ટોબરથી રોકી રાખ્યો હતો. તેના લીધે અનાજપાણી ખૂટી જતા સિનવાર ને બહાર આવવાની ફરજ પડી હોવાનું મનાય છે. ઇઝરાયેલ તેની તેના દરમાંથી બહાર આવવાની જ રાહ જોતું હતું અને બહાર આવીને તેના સમર્થકો સુધી પહોંચે તે પહેલા જ તેને ખતમ કરી નાખ્યો.


Google NewsGoogle News