Get The App

ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં હમાસના વડા સિન્વારનું મોત

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં હમાસના વડા સિન્વારનું મોત 1 - image


- આતંકવાદીઓનો ડીએન ટેસ્ટ સિન્વારની ડેડબોડી ઓળખાઈ

- યુએસેે યેમેનમાં હુથીઓના ગઢ ગણાતા સાનામાં પહેલી વખત બી-ટુ સ્ટીલ્થ બોમ્બર વડે હુમલો કર્યો

ગાઝા : ઇઝરાયેલના વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે ઇઝરાયેલ પર સાતમી ઓક્ટોબર ૨૦૨૩ના હુમલાનો મુખ્ય કાવતરાખોર યાહ્યા સિન્વાર ઠાર કરવામાં આવ્યો છે. ઠાર કરાયેલા ત્રણ આતંકવાદીઓના મૃતદેહના ડીએનએ પરીક્ષણ પરથી તેના મૃત્યુને ઇઝરાયેલના લશ્કરે સમર્થન આપ્યું છે. સાતમી ઓક્ટોબરનો હુમલો ઇઝરાયેલ પરનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. તેના પછી સમગ્ર મધ્યપૂર્વ આજે યુદ્ધની ઝપેટમાં છે. ઇઝરાયેલના લશ્કરે ગાઝામાં અભિયાન દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. 

ઇઝરાયેલે સિન્વારને ખતમ કરવાની પ્રતિજ્ઞાા લીધેલી છે. ઇઝરાયેલે હમાસ સામે યુદ્ધ કર્યાના વર્ષ સુધી સિન્વાર ઠેકાણા બદલીને જીવતો રહ્યો હતો. હવે ઇઝરાયેલના હુમલામાં સિન્વાર મૃત્યુ પામતા હમાસને મરણતોલ ફટકો પડયો છે. 

હમાસની લશ્કરી ક્ષમતામાં નાટકીય વધારો થયો તેની પાછળનું મુખ્ય કારણ સિન્વાર હતો. તેથી જ ઇસ્માઇલ હનિયેહને ઇઝરાયેલે જુલાઈમાં ઠાર કર્યો પછી સિન્વારને હમાસના ટોચના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલે જુલાઈમાં ઇરાનની રાજધાની તહેરાનમાં કરેલા હુમલામાં ઇસ્માઇલ હનિયેહને ઠાર કર્યો હતો. જો કે ઇઝરાયેલે તો હમાસની લશ્કરી પાંખના વડા મોહમ્મદ ડૈફને ખતમ કરી નાખ્યાનો દાવો કર્યો છે, પરંતુ હમાસનું કહેવું છે તે જીવિત છે. 

પ્રેસિડેન્ટ જો બાઇડેનને ઇઝરાયેલની સિન્વાર અંગેની તપાસની જાણકારી આપવામાં આવી છે. અમેરિકન અધિકારીઓ ગુરુવાર સવારથી ઇઝરાયેલના અધિકારીઓના ગાઢ સંપર્કમાં છે.

ઇઝરાયેલે ઉત્તરી ગાઝાના જબલિયા ટાઉનમાં છેલ્લા દસ દિવસથી તેનું હવાઈ અને ભૂમિ આક્રમણ જારી રાખ્યું છે. ગુરુવારના હવાઈ હુમલામાં ૧૫ના મોત થયા હતા. તેમા પાંચ બાળકોનો સમાવેશ થાય છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના સ્થાનિક ઇમરજન્સી યુનિટના વડા ફારેસ અબુ હમઝાએ જણાવ્યું હતું કે ડઝનેક લોકો ઇજા પામ્યા છે. 

આ દરમિયાન અમેરિકાના બી-ટુ સ્ટીલ્થ બોમ્બરે યેમેનમાં હુથી બળવાખોરોના અંડરગ્રાઉન્ડ બંકરો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેને કેટલું નુકસાન થયું તે હજી સ્પષ્ટ નથી.આ બોમ્બ એવા હતા જે ૨૦૦ ફૂટ ઉંડે બનાવેલા બંકરને પણ તોડી નાખતા હતા. તે છેક ૨૦૦ ફૂટ નીચે જઈ ફાટતા હતા.  અમેરિકાએ આ પહેલા ક્યારેય હુથીને લક્ષ્યાંક બનાવવા માટે બીટ-બોમ્બરનો ઉપયોગ કર્યો નથી. હુથી ગાઝામાં ઇઝરાયેલે હુમલા કર્યા ત્યારથી ૮૦ કરતાં વધુ હુમલા કરી ચૂક્યું છે. અમેરિકાએ હુથીના ગઢ ગણાતા સાના વિસ્તારમાં હુમલો કર્યો છે. હુથીએ એક જહાજ જપ્ત કર્યુ છે અને બે ડૂબાડયા છે. તેમા ચાર ખલાસીઓ માર્યા ગયા હતા. 


Google NewsGoogle News