રાહત છાવણીમાં જન્મેલા હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયેહની નેટવર્થ છે 16000 કરોડ
image : Twitter
તેલ અવીવ,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં રાતોરાત લાઈમ લાઈટમાં આવી ગયેલા હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયેહની ઘણી બાબતો હવે સામે આવી રહી છે.
સૌથી મહત્વની વાત એ છે કે, ઈસ્માઈલ હાનિયેહ અબજોપતિ છે. તેની નેટવર્થ 16000 કરોડ રુપિયા થવા જાય છે અને તે કતારની રાજધાની દોહામાં આલિશાન જીંદગી જીવે છે. તેની પાસે 25 તો લક્ઝરી કાર છે. જેની કિંમત કરોડો રુપિયા થવા જાય છે. તેનુ ફાઈવ સ્ટાર પેન્ટ હાઉસ છે અને કોઈ પણ વૈભવી હોટલને ટક્કર મારે તેવી સુવિધાઓ સાથે સજ્જ છે. તે અવર જવર કરવા માટે પ્રાઈવેટ જેટનો ઉપયોગ કરે છે.
એવુ કહેવાઈ રહ્યુ છે કે, ઈસ્માઈલ હાનિયેહે ગાઝાની ઈકોનોમી પર નિયંત્રણ મેળવવાની સાથે સાથે ઈજિપ્તથી ગાઝામાં પહોંચતી વસ્તુઓ પર ભારે ટેક્સ લગાવીને મબલખ સંપત્તિ રળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેની સંપત્તિ 16000 કરોડ રુપિયા જેટલી થવા જાય છે. ગાઝામાં ઘણા લોકો રોજનો એક ડોલર પણ કમાતા નથી ત્યારે હમાસ ચીફની સંપત્તિના આંકડા આંખો પહોળી કરી નાંખે તેવા છે.
એક અનુમાન પ્રમાણે ગાઝાના શાસકોને ઈરાન દ્વારા દર વર્ષે 100 મિલિયન ડોલરની સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાંથી પણ અમુક રકમ હમાસના નેતાઓના ખિસ્સામાં જતી હોવાનુ મનાય છે.
ઈઝરાયેલના મીડિયાના રિપોર્ટ પ્રમાણે ગાઝામાં સુરંગો થકી થતા વેપાર પર હમાસના નેતાઓ 20 ટકા ટેક્સ લગાવતા હતા અને સુરંગ થકી થતી દાણચોરીએ હમાસના 1700 નેતાઓને કરોડપતિ બનાવી દીધા છે.
ઈસ્માઈલ હાનિયેહ પોતે શરણાર્થી શિબિરમાં જન્મ્યો હતો અને ત્યાં જ મોટો થયો હતો. 2006માં હમાસની ચૂંટણી જીત્યા બાદ તે હમાસ સંગઠનનો ચીફ બની ગયો હતો. આ વર્ષે હમાસ પેલેસ્ટાઈન વિધાનસભાની ચૂંટણીઓ જીત્યુ હતુ અને ઈસ્માઈલ હાનિયેહ પીએમ બન્યો હતો.
2007માં હમાસ અને ફતહ સંગઠન વચ્ચે ઝઘડો શરુ થયો હતો. એ પછી હમાસે ગાઝા પટ્ટી પર કબ્જો કરી લીધો હતો જ્યારે ફતેહ સંગઠનનુ વેસ્ટ બેન્ક પર નિયંત્રણ કાયમ રહ્યુ હતુ. ગાઝા પટ્ટીનો અત્યારે વાસ્તવિક નેતા ઈસ્માઈલ હાનિયેહ જ છે. જોકે તેની સરકારને આંતરરાષ્ટ્રીય સમુદાયે માન્યતા નથી આપી.
આ દરમિયાન તેણે આ શિબિર પાસે દરિયા કિનારે 40 લાખ ડોલરમાં પોતાના જમાઈના નામે જમીન ખરીદી હતી. ગાઝા પટ્ટીમાં તેણે ઘણા એપાર્ટમેન્ટ, વિલા અને મકાનો પણ ખરીદયા છે. જેમાંના કેટલાક તેના 13 બાળકોના નામે છે.
2022માં એક સાઉદી મીડિયાએ પેલેસ્ટાઈનના સૂત્રોના હવાલાથી અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો . જેમાં કહેવામાં આવ્યુ હતુ કે,ઈસ્માઈલ હાનિયેહનો પુત્ર ગાઝામાં રિયલ એસ્ટેટ વેપારનો બાદશાહ મનાય છે. તેની પાસે તુર્કી પાસપોર્ટ હોવાથી વિદેશી યાત્રાઓ પણ કરી શકે છે અને તુર્કીમાં પ્રોપર્ટીમાં રોકાણ પણ કરી શકે છે. ઈસ્માઈલ હાનિયેહના પુત્રો લક્ઝરી ક્લબમાં જતા હોવાનો અને દારુ પણ પીતા હોવાનો દાવો આ અહેવાલમાં કરવામાં આવ્યો છે. ઈસ્માઈલ હાનિયેહના પરિવારના ઘણા સભ્યો તુર્કીમાં વસવાટ કરવા માટે 2022માં ગાઝા છોડી ગયા હતા.
ઈસ્માઈલ હાનિયેહના પ્રયાસોના કારણે હમાસના અરબ દેશો સાથેના સબંધો બહેતર થયા હોવાનુ મનાય છે. ગત મહિને થયેલા એક સર્વેમાં જાણવા મળ્યુ હતુ કે, પેલેસ્ટાઈનમાં નવેસરથી ચૂંટણી થાય તો ઈસ્માઈલ હાનિયેહ પેલેસ્ટાઈનના અત્યારના વયોવૃધ્ધ રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસનુ સ્થાન લઈ શકે છે.